બોલિવૂડમાં લગ્નની મૌસમ ચાલી રહી છે. હરકોઇને મેરજ કરવાનો ચસકો ચડ્યો છે. થોડા સમય પહેલાં કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ જેસલમેરના સૂર્યગઢ ખાતે ધામધૂમથી લગ્ન કર્યા હતા. આ પછી હવે આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડેના લગ્નની ચર્ચા ચાલી રહી છે. ગોસિપની દુનિયામાં આદિત્ય અને અનન્યા એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની અટકળો છે. ઘણીવાર આ બંને કેટલીક પાર્ટીઓમાં સાથે જોવા મળ્યા હતા. ત્યારે બંનેને સાથે જોઇને લોકો ચોંકી ગયા હતા. તાજેતરમાં આદિત્ય રોય કપૂરને લગ્ન અંગે સવાલ કરવામાં આવ્યો હતો.
હકીકતમાં આદિત્ય રોય કપૂર હાલમાં જ પોતાની આગામી ફિલ્મ ‘ગુમરાહ’ના ટ્રેલર લોન્ચમાં પહોંચ્યો હતો. જેમાં આદિત્યને તેના લવ અફેરની અફવાઓ સંબંધિત સવાલ કરવામાં આવ્યો હતો, જે સાંભળીને તે દંગ રહી ગયો હતો. આદિત્યને સવાલ કરાયો હતો કે, આખી ઈન્ડસ્ટ્રી લગ્ન કરી રહી છે તો શું તેને ઈન્ડસ્ટ્રીના મોસ્ટ એલિજિબલ બેચલરનું ટેગ મળી ગયું છે?
આ સવાલ સાંભળીને આદિત્યને આશ્ચર્ય થયું હતું. તેણે કહ્યું કે, આ ‘પહેલો સવાલ છે? શું દિવસો આવી ગયા છે.’ પછી જવાબ આપતાં આદિત્યે કહ્યું હતું કે, મને લાગે છે કે બધા જ લગ્ન કરી રહ્યા છે પણ મને હું રહી ગયો એવું નથી લાગતું. એટલે હું લગ્ન કરવા માટે પોતાનો સમય લઈશ અને યોગ્ય સમય આવશે ત્યારે જ લગ્ન કરીશ.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડે લેકમે ફેશન વીક 2023ના ફિનાલેમાં મનીષ મલ્હોત્રા માટે શો સ્ટોપર બન્યા હતા. રેમ્પ વૉક પર આદિત્ય અને અનન્યા આવ્યા ત્યારે સૌ તેમને જોતા જ રહી ગયા હતા. આ સાથે તેમના અફેરની વાતને હવા મળી હતી.
વર્કફ્રંટની વાત કરીએ તો, અનન્યા પાંડે ગૌરવ આદર્શ અને સિદ્ધાંત ચતુર્વેદી સાથે ફિલ્મ ‘ખો ગયે હમ કહાં’માં તેમજ આયુષ્માન ખુરાના સાથે ‘ડ્રીમ ગર્લ 2’માં જોવા મળશે. બીજી તરફ આદિત્ય રોય કપૂરે હાલમાં જ રિલીઝ થયેલી ‘ધ નાઈટ મેનેજર’માં પોતાના પર્ફોર્મન્સથી વાહવાહી મેળવી હતી.