જાણીતા એક્ટર મોડલ અને કાસ્ટિંગ ડાયરેક્ટર આદિત્ય સિંહ રાજપૂતનું રહસ્યમય રીતે મોત થઈ ગયુ છે. આજે બપોરે પોતાના અંધારી સ્થિત ઘરમાં બાથરૂમમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. આદિત્યના મિત્રોને તે બિલ્ડિંગની 11મી માળ પર સ્થિત મકાનમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. ત્યારબાદ મિત્રો અને બિલ્ડિંગના વોચમેન તેમને હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં ડોક્ટર્સે એક્ટરને મૃત ઘોષિત કર્યો છે. સૂત્રોનું કહેવું છે કે, એક્ટરના મોતનું કારણ ડ્રગ્સનો ઓવરડોઝ પણ હોઈ શકે છે.
આદિત્ય સિંહ રાજપૂતની ઈન્ડસ્ટ્રીમાં સારી ઓળખ હતી. તેમનું ઘણા લોકો સાથે કનેક્શન હતું. તેમણે પોતાના કરિયરની શરૂઆત એક મોડલ તરીકે કરી હતી. થોડા ટીવી શો અને ફિલ્મોમાં કામ કર્યા બાદ તેણે પોતાની બ્રાન્ડ પોપ કલ્ચર શરૂ કર્યું. આ બ્રાન્ડ હેઠળ તે કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે કામ કરતો હતો. તેણે ઈન્ડસ્ટ્રીમાં ઘણા એક્ટરો અને એક્ટ્રેસને લોન્ચ કર્યા હતા.

એક્ટરના અચાનક મોતથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મોટો ઝટકો લાગ્યો છે. કોઈ પણ વ્યક્તિ માટે એ વિશ્વાસ કરવું મુશ્કેલ છે કે, કાલ સુધી પાર્ટી કરતો અને હસતો-મુસ્કુરાતો આદિત્ય આજે દુનિયામાં નથી. દિલ્હીના રહેવાસી આદિત્ય સિંહ રાજપૂતનું મોડલિંગ કરિયર ખૂબ જ સારું રહ્યું છે. તેમણે ‘ક્રાંતિવીર’ અને ‘મેને ગાંધી કો નહીં મારા’ નામની ફિલ્મોમાં કામ કર્યું છે. આ ઉપરાંત તે ટીવી પર લગભગ 300 જાહેરાતોમાં જોવા મળ્યો હતો. તે ટીવી રિયાલિટી શો સ્પ્લિટ્સવિલામાં પણ નજર આવ્યો હતો.
આ પણ વાંચો: પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા લવ સ્ટોરી, જુઓ સગાઇની અનસીન તસવીર
વેબ સીરીઝ ‘ગંદી બાત’માં પણ આદિત્ય એ કામ કર્યું હતું. છેલ્લા ઘણા સમયથી આદિત્ય સિંહ રાજપૂત એક પ્રોડક્શન હાઉસ સાથે જોડાયેલો હતો. તે કાસ્ટિંગના કામ પર વધુ ધ્યાન આપી રહ્યો હતો. મુંબઈના ગ્લેમર સર્કિટમાં આદિત્યની ખાસ ઓળખ હતી. તે મોટા ભાગે પાર્ટીઓ અને પેજ 3 ઈવેન્ટસમાં નજર આવતો હતો.