બોલિવૂડ ખેલાડી અક્ષય કુમાર હાલ તેની ‘The Entertainers Tour’ના કારણે ચર્ચામાં છે. આ ટૂરમાં અક્ષયની સાથે અભિનેત્રી નોરા ફતેહી, સોનમ બાજવા, દિશા પટની અને મૌની રોય પણ સામેલ હતી. આ ટુરના ઘણા વીડિયો અત્યાર સુધીમાં સામે આવી ચૂક્યાં છે. ત્યારે હવે આ ટૂરનો નવો વીડિયો સામે આવ્યો છે.
આ વાયરલ વીડિયોમાં અક્ષય કુમાર અને નોરા ફતેહી અલ્લૂ અર્જુન સ્ટારર ફિલ્મ ‘પુષ્પા’નું પ્રચલિત ગીત Oo Antava પર જોરદાર ડાન્સ કરી રહ્યા છે. બંનેનો શાનદાર ડાન્સ જોઇને ચાહકો તો પાગલ થઇ ગયા છે. બંને કલાકારોની શાનદાર કેમેસ્ટ્રી ચાહકોને પસંદ આવી રહી છે.
નવાઇની વાત એ છે કે, આ વીડિયોમાં ‘ઉ અંટાવા’નો નવો અવતાર જોવા મળ્યો હતો. અક્ષય અને નોરાના આકર્ષક ડાન્સે સ્ટેજને આગ લગાવી દીધી હતી. નોરા ફતેહીના લૂકની વાત કરીએ તો નોરાએ નારંગી રંગનો ડ્રેસ પહેર્યો છે અને અક્ષયે પ્રિન્ટેડ શર્ટ પહેર્યો છે. બંનેનો આ ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં અક્ષય કુમાર હંમેશાની જેમ સંપૂર્ણ એનર્જી સાથે જોવા મળી રહ્યો છે. બીજી તરફ નોરા પણ એનર્જી અને ડાન્સના મામલે અક્ષયને જબરદસ્ત ટક્કર આપી રહી છે. બંનેએ તેમના ગળામાં મેરીગોલ્ડના ફૂલોની માળા પહેરી છે. નોરાનો લુક જોઈને ચોક્કસથી તમને ઝીનત અમાન યાદ આવી જશે. તો અક્ષય કુમાર મોંમાં સિગારેટ જેવું કંઈક દબાવીને મસ્તીમાં ડાન્સ કરી રહ્યો છે. જો કે કેટલાક લોકો આ રીતે ડાન્સ કરવા માટે અક્ષયને ટ્રોલ પણ કરી રહ્યા છે.
આ પણ વાંચો: કિયારા અડવાણી અને રામ ચરણની જોડી આ ફિલ્મમાં મચાવશે ધમાલ
ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમાર માટે વર્ષ 2022 સૌથી ખરાબ રહ્યુ છે. કારણ કે તેની તમામ મોટી ફિલ્મો બોક્સ ઓફિસ પર ખરાબ રીતે નિષ્ફળ ગઇ છે. તદ્દઉપરાંત આ વર્ષની શરૂઆત પણ તેના માટે ખરાબ થઇ છે. તાજેતરમાં અક્ષય કુમારની ફિલ્મ ‘સેલ્ફી’ રિલીઝ થઇ હતી,પરંતુ તે બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ધોવાઇ ગઇ છે. સેલ્ફીની તુલનાએ કાર્તિક આર્યનની ‘શહેજાદા’એ ઓપનિંગમાં સારી કમાણી કરી છે. આ વિશે એક યુઝરે પ્રતિક્રિયા આપી છે કે, ‘અક્ષય કુમારને બસ પૈસાથી કમાવાથી મતલબ છે, ફિલ્મ ચાલે કે ના ચાલે તેને પૈસા મળી રહ્યા છે ને બસ’.