બોલિવૂડ ખેલાડી અક્ષય કુમાર (Akshay Kumar) તાજેતરમાં રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘સેલ્ફી’ (Selfiee) ને કારણે જોરશોરથી ચર્ચામાં છે. જો કે, સેલ્ફી બોક્સ ઓફિસ પર કોઇ ખાસ કમાલ કરી શકી નથી. તેમજ સિનેમાઘરોમાં ખરાબ રીતે ધોવાઇ ગઇ છે. આ વચ્ચે અક્ષય કુમારનું મોટું નિવેદન સામે આવ્યું છે. જેમાં અભિનેતાએ ફિલ્મોની નિષ્ફતાની જવાબદારીનું પોતાને ગણાવે છે. અક્ષય કુમારે કેમ આવું કહ્યું વાંચો આ અહેવાલમાં…
અક્ષય કુમારે કરી કબૂલાત
માણસ પોતાની નિષ્ફળતાની જવાબદારી બીજા પર, નસીબ પર કે પછી સંજોગો પર ઢોળી દેતો હોય છે. પણ બોલિવુડનાં સ્ટાર અક્ષયકુમારે પોતાની ઢગલાબંધ ફિલ્મોની નિષ્ફળતા માટે પોતે જ જવાબદાર હોવાની નિખાલસ કબૂલાત કરી છે.
અક્ષયની કેરીયર પર સંકટના વાદળો
અક્ષયકુમારની હાલમાં જ રજુ થયેલી ફિલ્મ ‘સેલ્ફી’ તો બોક્સ ઓફિસ પર ધોવાઇ ગઇ છે. આ ફિલ્મ 150 કરોડના બજેટમાં બની હતી. પરંતુ હજુ સુધી ફિલ્મનો ખર્ચ પણ નથી નીકળી શકયો. મહત્વનું છે કે, અક્ષયકુમારની બચ્ચન પાંડે, રક્ષાબંધન, રામસેતુ જેવી ફિલ્મોની નિષ્ફળતા બાદ ‘સેલ્ફી’તેની સતત ચોથી નિષ્ફળ ફિલ્મ છે. જેને લઈને અક્ષયની કેરીયર પર સંકટના વાદળો ઘેરાઈ ગયા છે.
‘મેં મારી કેરીયરમાં એક સમયે સતત 16 ફલોપ ફિલ્મો આપી’
અક્ષયકુમારે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, મારી સાથે એવુ પહેલીવાર નથી થયું. મેં મારી કેરીયરમાં એક સમયે સતત 16 ફલોપ ફિલ્મો આપી છે. ફિલ્મનું ન ચાલવૂ તે આપની જ ભુલનું એક કારણ હોઈ શકે છે. દર્શકો બદલી ગયા છે. હવે આપણે બદલવાની જરૂર છે. આપણે ફરીથી શરૂઆત કરવી પડશે. કારણ કે દર્શકોને કંઈક જુદુ જ જોવા માટે તલપાપડ છે.
મારા માટે આ એક મોટું એલાર્મ
વધુમાં અક્ષયે જણાવ્યું હતું કે, મારા માટે આ એક મોટા એલાર્મ જેવુ છે. આપની ફિલ્મ નથી ચાલતી તો આપની ભુલ છે.હવે આપણે બદલવુ પડશે.હું પણ એ કોશીશ કરી રહ્યો છું. અક્ષયે કહ્યું કે ફિલ્મ ન ચાલે તો તેના માટે દર્શક કે અન્ય કોઈને દોષ ન દો. આ 100 ટકા મારી જ ભૂલ છે. ઉલ્લેખનીય છે કે અક્ષયકુમારની છેલ્લી હિટ ફીલ્મ રોહીત શેટ્ટીની સુર્યવંશી હતી.
આ પણ વાંચો: દીપિકા પાદુકોણએ પઠાણની અપાર સફળતા બાદ શાહરૂખ અને ગૌરી ખાનને કહી આ વાત
‘મારા માટે ભારત સર્વસ્વ’
બોલિવુડ સ્ટાર અક્ષયકુમારે તાજેતરમાં જણાવ્યું હતું કે મારા માટે ભારત સર્વસ્વ છે. મેં મારી કેનેડિયન સિટીઝનશીપ (નાગરીકત્વ) છોડી દીધી છે. કેનેડીયન પાસપોર્ટ છોડી દીધો છે.અક્ષયે જણાવ્યું હતું કે ભારત મારા માટે સર્વસ્વ છે. કારણ કે મેં અહીથી જ બધુ મેળવ્યુ છે. એક ટીવી શોમાં વાત કરતા અક્ષયે આ બાબત જણાવી હતી. અક્ષયે વધુમાં જણાવ્યું હતું કે તેણે કેનેડીયન નાગરીકત્વની અરજી ત્યારે કરી હતી જયારે 90ના દાયકામાં તેની એક પછી એક ફિલ્મો ફલોપ થઈ હતી. હું ત્યાં (કેનેડા) કામ કરવા જવાનો હતો. પરંતુ બે ફિલ્મો હિટ જતા હું અહીં રહી ગયો હતો.