બોલિવૂડ ખેલાડી અક્ષયકુમાર અને ટાઇગર શ્રોફ છેલ્લા એક મહિનાથી બ્રિટનમાં તેમની આગામી મેગા બજેટ ફિલ્મ બડે મિયા છોટે મિયાનું નોન સ્ટોપ શુટીંગ કરી રહ્યા છે. આ દરમિયાન અક્ષય કુમારને એકશન સીન કરતી વખતે ઘુંટણમાં ગંભીર ઇજા થઇ હોવાના સમાચાર સામે આવ્યા છે. જો કે ઇજાગ્રસ્ત હાલતમાં પણ તેણે શૂટીંગ રોકયું નહોતું.
અક્ષય કુમારને ઘુંટણ ઉપરાંત આંગળામાં પણ ગંભીર ઇજા થઇ છે. આ કારણે તે છડીનો સહારો લઇને ચાલી રહયો છે. મહત્વનું છે કે, વિદેશમાં શૂટિંગ સિમિત શિડયુલનું હોય છે. આથી એક પણ દિવસ વેડફાય તે નિર્માતા માટે આર્થિક રીતે બોજારુપ હોવાથી અક્ષયે શૂટીંગ ચાલુ રાખ્યું છે અને સાવધાની સાથે એકશન સિકવન્સ શૂટ કરી રહયો છે.
તાજેતરમાં યુકેમાં જે શૂટિંગ થઇ રહ્યુ છે તે એક મોટી એક્શન સિકવન્સ છે. જેના માટે મેકર્સ દ્વારા 15 કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહ્યા છે. સૂત્રના જણાવ્યા અનુસાર આ એકશન સિકવન્સ હોલીવુડના સ્ટન્ટ ડાયરેકટર ક્રેગ મૈક્રેએ ડિઝાઇન કરી છે. અક્ષય કુમારે જણાવ્યું હતું કે, નિર્માતાએ આ શૂટીંગ માટે 15 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.
આ પણ વાંચો: અમિતાભ બચ્ચનએ ઇજા બાદ ચાહકોને ઝોળી સાથે પહેલી ઝલક બતાવી, પ્રશંસકો ખુશ-ખુશાલ
ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમાર માટે વર્ષ 2022 અને આ વર્ષની શરૂઆત પણ ખરાબ થઇ છે. આ વર્ષે તેની પ્રથમ રિલીઝ થયેલી ફિલ્મ સેલ્ફી બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ધોવાઇ ગઇ છે. તેની એક પછી એક સતત પાંચ ફિલ્મો બોક્સ ઓફિસ પર ઊંધા માથે પટકાઇ છે. આથી તેને એક હિટ ફિલ્મની તાતી જરુર છે.