અક્ષય કુમાર તેની આગામી ફિલ્મ ‘સેલ્ફી’ને કારણે ખુબ ચર્ચામાં છે. આ ફિલ્મ આજે 24 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ત્યારે ‘સેલ્ફી’ને એડવાન્સ બૂકિંગમાં સાવ મોળો પ્રતિસાદ મળતાં બોલિવૂડ વર્તુળોમાં ફફડાટ છે. પાછલાં વર્ષે અક્ષય કુમારની તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પર ધોવાઇ ગઈ છે. તેવામાં બોલીવૂડની આશંકા બેવડાઈ છે.
પ્રાપ્ત વિગત અનુસાર, ફિલ્મ રીલિઝ થવાના આગલા દિવસ સુધી 10 લાખ રૂપિયાની ટીકિટ પણ વેંચાઇ શકી નથી. ફક્ત 8.55 લાખ રૂપિયા જ એડવાન્સ બુકિંગ પેઠે જમા થયા છે. ટ્રેડ વર્તુળોના જણાવ્યા અનુસાર, પહેલા દિવસે ફિલ્મનું ઓપનિંગ આઠ કરોડની આસપાસ રહે તેવી શક્યતા છે. અક્ષય જેવા સ્ટારનાં સ્તર પ્રમાણે આ આંકડો બહુ જ ઓછો છે. ઉલ્લેખનીય છે કે, અક્ષયની અતિશય નબળી ફિલ્મ પણ પહેલા દિવસે ૧૫ કરોડનું કલેક્શન મેળવે તેવી આશા રખાતી હોય છે.
ટ્રેડ એનાલિસિસે જણાવ્યું હતું કે નિર્માતાઓએ રિલીઝ ડેટ નક્કી કરવામાં ગોથું ખાધું છે. અત્યારે સમગ્ર દેશમાં પરીક્ષાઓની સિઝન શરુ થઈ ચુકી છે. તેથી યુવા અને ફેમિલી ઓડિયન્સ મળે તેવી શક્યતા ઓછી છે. હવે માઉથ પબ્લિસિટી પર બધો આધાર છે.
વર્ષ 2022ની વાત કરીએ તો અક્ષય કુમારની મેગા બજેટ ફિલ્મ પૃથ્વીરાજ ચૌહાણ, રામ સેતુ જેવી ફિલ્મો બોક્સ ઓફિસ પર ખરાબ રીતે નિષ્ફળ ગઇ છે. તેવા સંજોગોમાં આ વર્ષ તેના માટે શુભ રહે છે કે કેમ તે તેની ફિલ્મ સેલ્ફી હિટ જશે કે કેમ તેના પરથી લગભગ સ્પષ્ટ થઇ જશે.