અભિનેતાએ તેના જીવનના 30 વર્ષ મનોરંજન ઈન્ડસ્ટ્રીને આપ્યાં છે. આજે તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો એક જાણીતો ચહેરો છે, પરંતુ તેઓ પણ એક સંઘર્ષના સમયથી પસાર થયા છે, જ્યારે તેઓ તેમની ફિલ્મના પોસ્ટર જાતે રસ્તા પર જઈને ઓટોરીક્ષા પાછળ ચોંટાડતા હતા. આમિર ખાન એક જાણીતી હસ્તી છે, પરંતુ તેઓ પહેલેથી આવા નહોતા. આમિર ખાને પણ એક નાના કલાકાર તરીકે પોતાના અભિનયની શરૂઆત કરી હતી. તે સમયે આમિર ખાનને ખૂબ જ ઓછા લોકો જાણતા હતા અને સોશિયલ મીડિયા તે વખતે ન હતુ. તેઓ રસ્તા પર ફરીને ઑટો રિક્ષા પર તેમની ફિલ્મના પોસ્ટર ચોંટાડતા હતા. આજે 14 માર્ચે અભિનેતા આમિર ખાનનો જન્મદિવસ છે. આજે આમિર ખાન 58 વર્ષનો થઈ ગયો છે.
આમિરે તેની કારકિર્દીની શરૂઆત 1973માં રિલીઝ થયેલી ફિલ્મ યાદો કી બારાતથી કરી હતી. ત્યારબાદ તેઓ ફિલ્મ મદહોશ અને હોળીમાં દેખાયા હતા. પરંતુ હકીકતમાં આમિર ખાનને મોટી સફળતા 1988માં કયામતથી કયામત સુધી ફિલ્મથી મળી હતી. ફિલ્મમાં આમિર ખાન અને જૂહી ચાવલા હતા. વિલિયમ શેક્સપિયરના રોમિયો જૂલિયટથી પ્રેરિત થઇને આ ફિલ્મને બનાવી હતી. આ ફિલ્મની સફળતા માટે આમિર ખાને ખૂબ પ્રયાસ કર્યા હતા. આ સફળતા પણ સફળ રહી અને ફિલ્મ હીટ થઇ ગઇ.
જ્યારે પણ આમિર ખાનના કરિયરમાં શાનદાર ફિલ્મોની વાત થાય છે ત્યારે લગાનનું નામ ચોક્કસ આવે છે. વર્ષ 2001માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું હતું કે ભારતીયો અંગ્રેજોને કેવી રીતે ટેક્સ ચૂકવતા હતા. જો કે ભાડું ન ચૂકવવાના બદલામાં બ્રિટિશરો અને ભારતીયો વચ્ચે ક્રિકેટ મેચ થઈ જતી હતી. આ ફિલ્મ વર્ષ 2002માં ઓસ્કાર માટે પણ નોમિનેટ થઈ હતી.
તારે જમીન પર (Taare Zameen Par) : 2007ની ફિલ્મ તારે જમીન પર પણ એક ઓફબીટ વિષય પર બનાવવામાં આવી હતી. આ ફિલ્મમાં એક શાળાના વિદ્યાર્થીની વાર્તા બતાવવામાં આવી હતી, જે અભ્યાસમાં નબળો છે. જો કે તેને બીજી કોઈ બાબતમાં રસ છે. ફિલ્મમાં આમિરે શિક્ષકની ભૂમિકા ભજવી હતી.
3 ઇડિયટ્સ : વર્ષ 2009માં રિલીઝ થયેલી ફિલ્મ 3 ઈડિયટ્સને માત્ર લોકોને જ પસંદ નથી આવી પરંતુ આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ખૂબ કમાણી પણ કરી હતી. આ ફિલ્મ એજ્યુકેશન સિસ્ટમ પર આધારિત હતી, જેમાં બતાવવામાં આવ્યું હતું કે કેવી રીતે કોલેજના વિદ્યાર્થીઓ તેમના માતા-પિતાના દબાણને અનુસરીને તેમના રસથી દૂર જઈ રહ્યા છે.
પીકે (PK) : આ લિસ્ટમાં આમિર ખાનની ફિલ્મ પીકે પણ છે, જે વર્ષ 2014માં આવી હતી. આ ફિલ્મ સમાજમાં ધર્મ વિશે ફેલાયેલી અંધશ્રદ્ધા પર આધારિત હતી. આ ફિલ્મને ઘણી પસંદ કરવામાં આવી હતી, સાથે જ તેણે બોક્સ ઓફિસ પર સારું કલેક્શન કર્યું હતું.
દંગલ (Dangal): ભારતીય મહિલા કુસ્તીબાજ બહેનો ગીતા અને બબીતા ફોગટ પર બનેલી દંગલ ફિલ્મ પણ લોકોને પસંદ આવી હતી. આ ફિલ્મે દુનિયાભરમાંથી 2000 કરોડથી વધુની કમાણી કરી હતી. આ ફિલ્મમાં આમિર ગીતા-બબીતાના પિતાના રોલમાં હતો.