Amitabh Bachchan News: બોલિવૂડના શહેનશાહ અમિતાબ બચ્ચન (Amitabh bachchan) સંબંધિત મોટા સમાચાર સામે આવ્યાં છે. મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને હૈદરાબાદમાં ફિલ્મ પ્રોજેક્ટ ‘કે’ના શૂટિંગ દરમિયાન એક્શન સીન કરતી વખતે પાંસળીમાં ગંભીર ઇજા (Amitabh Bachchan Injury) થઇ છે.
અમિતાભ બચ્ચન ઘાયલ થતાં તેમને તાત્કાલિક ધોરણે હૈદરાબાદમાં સારવાર અપાયા બાદ તેઓ મુંબઇ સ્થિત હોમટાઉન પાછા આવી ગયા છે. બિગ બીએ પોતાના બ્લોગમાં આ અંગે માહિતી આપી છે.
અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં લખ્યું છે કે, હૈદરાબાદમાં પ્રોજેક્ટ ‘K’ના શૂટિંગ દરમિયાન એક્શન સીન શૂટ કરવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન પાંસળીની કાર્ટિલેજ તુટી ગઈ છે. સાથે જ જમણી પાંસળીના પાંજરાના સ્નાયુને પણ ઈજા થઈ છે. આ ઇજાની પીડા અસહ્ય હોવાનું સુપર સ્ટાર એ જણાવ્યું હતું. ઉપરાંત અભિનેતાએ જણાવ્યું કે, શ્વાસ લેવામાં પણ સમસ્યા થઇ રહી છે. અમિતાભ બચચને હૈદરાબાદની હોસ્પિટલમાં સિટી સ્કેન કરાવ્યું હતું. ત્યારબાદ તબીબી સલાહ અનુસાર તેઓ શૂટિંગ રદ કરી મુંબઈ પરત આવી ગયા હતા. હાલ તેઓ ‘ જલસા ‘ બંગલો માં આરામ હેઠળ છે.
તબીબો એ કેટલાક સપ્તાહ સુધી અનિવાર્ય કારણ સિવાય પથારી માંથી ઊભા પણ નહિ થવા સલાહ આપી છે. આથી થોડા સમય સુધી તેમનાં તમામ ફિલ્મ શૂટ, એડ શૂટ તથા અન્ય તમામ વ્યવસાયિક કામ ઠપ રહેશે.