અમિતાભ બચ્ચન હાલમાં જ ઈજામાંથી સાજા થઈને કામ પર પાછા ફર્યા છે. ત્યારે બિગ બીએ તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક નવા ફિટનેસ ટ્રેનરની નિમણૂક કરી છે. અમિતાભજીના નવા ફિટનેસ ટ્રેનર શિવોહમ છે, જેમણે રણબીર કપૂર, સુષ્મિતા સેન, જેકલીન અને આયુષ્માન ખુરાના સહિત અનેક હસ્તીઓને તાલીમ આપી છે.
સોમવારે શિવોહમે એક પોસ્ટ શેર કરી અને ફિટનેસ ટ્રેનર તરીકે નિયુક્ત કરવા બદલ અમિતાભજીનો આભાર માન્યો હતો. શિવોહમે અમિતાભ બચ્ચન સાથે એક તસવીર શેર કરી હતી, જેમાં તેઓ તેમની સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા. પોસ્ટમાં તેણે લખ્યું- ‘જ્યારે એક અને માત્ર એક શ્રી અમિતાભ બચ્ચનજી તેમની ફિટનેસ અને વેલનેસ માટે તમારી પાસેથી ટ્રેનિંગ લેવા માટે સંમત થાય છે. ફિટનેસ કોચ તરીકે મારા વ્યવસાય પ્રત્યેની વર્ષોની મહેનત અને સમર્પણનું આ પરિણામ છે.’ ‘તાલીમ એ આપણી જીવનશૈલીનો એક ભાગ છે. આમાં ઉંમરનો કોઈ અવરોધ નથી. આ માટે શ્રી બચ્ચનથી મોટો કોઈ પુરાવો નથી. મારા પર વિશ્વાસ કરવા અને મને તમારા શારીરિક ફિટનેસ કોચ બનવાની મંજૂરી આપવા બદલ સર તમારો ખૂબ ખૂબ આભાર.
નોંધનીય છે કે, સ્વસ્થ થયા બાદ અમિતાભજી ફિટનેસ ટ્રેનિંગની સાથે યોગ પણ કરી રહ્યા છે. આ માટે તેમણે યોગ થેરાપિસ્ટ વૃંદાને હાયર કરી છે. અમિતાભ બચ્ચનના વર્કફ્રન્ટ અંગે વાત કરીએ તો તેઓ ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’ માં નજર આવશે. મહત્વનું છે કે, અમિતાભ બચ્ચન એક એવા કલાકાર છે જેઓ લગભગ અત્યાર સુધીના તમામ યંગ સ્ટર્સ સાથે કામ કરી ચૂક્યા છે, તેઓ તેમને સારી એવી સ્પર્ધા પણ આપે છે.