ફિલ્મ ઉધોગમાં હાલ હેરી ફેરી જેવો માહોલ સર્જાયો છે. તાજેતરમાં સાઉથની હીરોઈનો એક પછી એક બોલિવુડની ફિલ્મો સાઈન કરી રહી હતી, હવે બોલિવુડની હીરોઈનોએ સાઉથનો રસ્તો પકડયો છે! આગામી દિવસોમાં બોલિવુડની હીરોઈનો દીપિકા પાદુકોણ, કિયારા અડવાણી, જાહનવી કપુર સાઉથના સુપર સ્ટાર્સ સાથે ચમકી રહી છે.
કિયારા અડવાણીને તાજેતરમાં સાઉથના હીરો રામચરણે લગ્નની શુભેચ્છા પાઠવી હતી. ખરેખર તો કિયારા રામચરણ સામે સાઉથની ફિલ્મ ‘આરસી 15’માં લીડ રોલ કરી રહી છે. કિયારા ઉપરાંત દીપિકા પાદુકોણે તાજેતરમાં તેલુગુ સુપર સ્ટાર પ્રભાસ સાથે પેન ઈન્ડિયા ફિલ્મ પ્રોજેકટ સાઈન કર્યો હતો.
500 કરોડના મેગા બજેટની આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન મહત્વની ભૂમિકામાં ચમકી રહ્યા છે. આ ઉપરાંત પ્રભાસની વધુ એક પેન ઈન્ડિયા ફિલ્મ ‘આદિપુરુષ’માં બોલિવુડ હીરોઈન ક્રિતી સેનન ચમકી રહી છે.
શ્રીદેવીની પુત્રી જાહનવી કપુર સાઉથના સ્ટાર જૂનિયર એનટીઆર સાથે કામ કરશે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે મૃણાલ ઠાકુરે પણ તેલુગુ ફિલ્મ ‘સીતા રામમ’માં મલયાલમ સ્ટાર દલકીર સલમાન સાથે કામ કયુર્ં હતું. બોલિવુડની હીરોઈન જેકલીન ફર્નાન્ડીઝે પણ કન્નડ સ્ટાર કિચા સુદીપની ગત વર્ષે આવેલી ફિલ્મ ‘વિક્રાંત રોણા’માં જોરદાર આઈટેમ સોંગ રજૂ કયુર્ં હતું.
ફિલ્મી પંડિત સાઉથ વાળા બોલિવુડની હીરોઈનોને મોકો આપી રહ્યા છે, તો હિન્દી ફિલ્મોના નિર્માતાઓ સાઉથની હીરોઈનોને સાઈન કરી રહ્યા છે. જેને પગલે બન્ને ઉદ્યોગોને ફાયદો થશે. બન્ને ઉદ્યોગો દેશભરમાં પોતાની સ્વીકૃતિ વધારી રહ્યા છે તેમ ફિલ્મ બિઝનેસ એનાલિસ્ટ ગિરિશ જોહર કહે છે. તેઓ વધુમાં કહે છે કે કોરોના દરમિયાન હિન્દી દર્શકોએ ખૂબ જ સાઉથની ફિલ્મો જોઈ તેનું ક્ધટેન્ટ જોયું, તો સાઉથના લોકોએ પણ બોલિવુડની ફિલ્મો જોઈ. આ પરિસ્થિતિમાં દર્શકો હવે દેશભરના એકટર્સને ઓળખવા લાગ્યા છે.
શાહરુખ ખાનની ‘પઠાણ’ હિટ થયા બાદ હવે તેની આગામી ફિલ્મ ‘જવાન’નો ઈંતજાર છે. આ ફિલ્મથી તેલુગુની ટોપ એકટ્રેસ નયનતારા ડેબ્યુ કરી રહી છે. આ પહેલા સાઉથની ‘પુષ્પા’ ફેમ એકટ્રેસ રશ્મિકા મંદાના સિધ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ ‘મિશન મજનુ’માં નજરે પડી ચૂકી છે. આગામી દિવસોમાં તે બોલિવુડ સ્ટાર રણબીર કપૂર સામે ફિલ્મ ‘એનિમલ’ સામે નજરે પડશે આ મામલે ફિલ્મ નિર્માતા ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ ગિરિશ જોહર કહે છે બોલિવુડ વાળા તેમની ફિલ્મોમાં સાઉથની ફિલ્મોમાં ટચ આપવા માટે સાઉથની હીરોઈનોને સાઈન કરે છે આખરે તો આ બન્ને માટે લાભદાયક છે.