આમિર ખાન અને કરિના કપૂર સ્ટાર ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા તેમજ અક્ષય કુમારની ફિલ્મ ‘રક્ષાબંધન’ને લઇ ભારે વિરોધ થયો હતો. આ બંને ફિલ્મો સિનેમાધરોમાં દસ્તક આપે તે પહેલાં તેણે સોશિયલ મીડિયા પર બહિષ્કારનો સામનો કરવો પડ્યો હતો. એવા સંજોગોમાં રકુલ પ્રીતે તેની આગામી ફિલ્મને લઇ નિવેદન આપી ચિંતા વ્યક્ત કરી છે. આયુષ્માન ખુરાના સાથે તેમની આગામી ફિલ્મ ‘ડોક્ટર જી’ના રિલીઝને લઇ તે ચિંતિત અનુભવ કરી રહી છે.
ક્યારે ફિલ્મ બહિષ્કાર થાય
અભિનેત્રી રકુલ પ્રતીનું માનવું છે કે, જો કોઇ ફિલ્મથી દર્શકોની લાગણી દુભાઇ હોય તો તે ફિલ્મનો બહિષ્કાર કરવો ન્યાય છે. પરંતુ ફિલ્મને જોયા વગર પહેલાં જ તેના બહિષ્કારની માગ વ્યાજબી નથી. રકુલ પ્રીતે ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા કહ્યું હતું કે, ‘તમારે એવા સંજોગોમાં ફિલ્મને બહિષ્કાર કરવાનો નિર્ણય લેવો જોઇએ જ્યારે એ ફિલ્મથી કોઇ નિશ્વિત વર્ગ પ્રભાવિત થતો હોય. પરંતુ પહેલાથી આ વિશે વાત ન કરવી જોઇએ. કારણ કે ફિલ્મના બહિષ્કારની અસર એક્ટર સાથે ફિલ્મના નિર્માણ પાછળ રહેલા લોકોની મહેનત અને તેમના જીવન પર ઉંડી અસર થાય છે’.
ફિલ્મ બહિષ્કારથી પૂરી ટીમ પ્રભાવિત
રકુલ પ્રીતે ધ ઇન્ડિયન એક્સપ્રેસને વધુમાં જણાવ્યું હતું કે, ‘ફિલ્મના બહિષ્કાર પાછળ ફિલ્મ નિર્માણની પૂરી ટીમ પર પ્રભાવ પડે છે. આ સાથે ફિલ્મ ઉધોગને પણ નુકસાન પહોંચે છે. તેમજ જેટલી પણ ફિલ્મો બને છે તે તમામ પ્રભાવશાળી પણ હોય છે. આ એક પ્રકારની શૃંખલા છે જેનું પાલન ફિલ્મના નિર્માણ સમયે ધ્યાને રાખવામાં આવે છે. જેથી રોજગારી ઓછી થાય છે. એવા સંજોગોમાં સરકાર જ્યારે આપણી અર્થવ્યવસ્થાને ઉત્તમ સ્તરે લઇ જવા માટે તમામ પ્રયાસ કરે છે તો આપણે બહિષ્કાર જેવી વસ્તુઓનો પક્ષ લઇ તેની વકાલત કરવી યોગ્ય નથી’.
ડોક્ટર જીમાં રકુલ પ્રીત આ પાત્રમાં
ફિલ્મ ડોક્ટર જીમાં રકુલ પ્રીતના પાત્ર વિશે વાત કરીએ તો આ ફિલ્મમાં રકુલ પ્રીત સ્ત્રી રોગ નિષ્ણાત ફાતિમાની ભૂમિકામાં નજર આવશે. રકુલ પ્રીતે તેના આ પાત્ર માટે સ્ત્રી રોગ નિષ્ણાત તેમજ લેબર રૂમના કામકાજ વિશે પૂરી વિસ્તૃત માહિતી લીધી હતી. રકુલ પ્રીતે ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતુ કે, આ ફિલ્મ સમાજને સ્પર્શવા સાથે ભરપૂર મનોરંજક છે.
આ પણ વાંચો: અમિતાભ બચ્ચનનું નામ કેવી રીતે પડ્યું? શું છે બિગ બી સાથે જોડાયેલી ‘ઇન્કલાબ’ની સ્ટોરી?
આપણે ભાગ્યશાળી છીએ
રકુલ પ્રીતે ઇન્ટરવ્યૂમાં વધુમાં કહ્યું હતું કે, ‘કોરોનાને કારણે લોકોના બે વર્ષ અત્યંત આકરા ગયા છે. જોકે હજુ પણ આપણે કઠિન પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ. ઘણા લોકો હજુ તેમની પહેલાંની લાઇફને શોધી રહ્યા છે. આપણે ભાગ્યશાળી છીએ કે, આપણી પાસે ઘર અને આ બે વર્ષમાં ભોજનની ચિંતા કરવી પડી નથી. પરંતુ 130 કરોડની વસ્તીમાં એક એવો મોટો વર્ગ છે જેમના માટે આ સમય પાર કરવો સરળ ન હતો. ત્યારે હાલ તેઓ સિનેમા માટે પૈસા ખર્ચ ન કરી શકે. કારણ કે તેમને ભવિષ્યને સુરક્ષિત કરવાની જરૂર છે’.
રકુલ પ્રીતે લોકોની વ્યથા સમજી
રકુલ પ્રીત લોકોની વ્યથા સમજતા કહે છે કે, ‘દરેક અઠવાડિયે ફિલ્મો રિલીઝ થઇ રહી છે તો એ બધી ફિલ્મો તો ન જ જોઇ શકીએ. જોકે ફિલ્મ નિર્માતાના મત પ્રમાણે રકુલ પ્રીતે જણાવ્યું હતું કે, જો તમે અમારી સાઇડથી જોશો તો છેલ્લા બે વર્ષથી એક પણ ફિલ્મ રિલીઝ થઇ નથી. જેને પગલે ફિલ્મ નિર્માતાઓમને ફિલ્મો રિલીઝ કરવાની આવશ્યકતા છે. કારણ કે સિનેમાનો નાજુક સમય ચાલી રહ્યો છે’.