વિશ્વસ્તરે ફેન્સ ફોલોઇંગ ધરાવનાર બોલિવૂડ સ્ટાર રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ઇન્ડસ્ટ્રીના બ્યુટિફૂલ કપલમાંથી એક છે. થોડા મહિના પહેલા દીપિકા પાદુકોણની તબિયત બગડતા એવી ચર્ચા વાગોળવામાં આવી હતી કે તેમની વચ્ચે બધુ બરાબર નથી. જો કે બંનેએ એ વાતમાં કોઇ દમ નથી તેમ કહી નકારી કાઢી હતી. પરંતુ ગત અઠવાડિયે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ એક ઇવેન્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રણવીરે જ્યારે પોતાનો હાથ દીપિકા માટે લંબાવ્યો તો તેણે તે પકડવાના બદલે પોતાની સાડીનો છેડો સંભાળ્યો હતો. તેના પરથી તેમના સંબંધોમાં તિરાડ પડી હોવાની ચર્ચાએ ફરીથી જોર પકડ્યું છે. જેનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર તેજ ગતિએ વાયરલ થઇ રહ્યો છે.
વાયરલ થયેલી ક્લિપમાં દીપિકા પાદુકોણને શાહરુખ સાથેની તેની ડેબ્યૂ ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’નો આઈકોનિક સંવાદ બોલતા સંભળાય છે, તે કહી રહી છે ‘અગર કિસી ચીઝ કો સચ્ચે દિલ સે ચાહો તો પૂરી કાયનાત ઉસે આપસે મિલાને મે લગ જાતી હૈ’. જે બાદ ત્યાં હાજર સૌ તાળીઓ પાડે છે અને ચીયર કરે છે. રણવીર તેના હાથમાંથી માઈક લઈ લે છે અને કહે છે ‘મુજસે પૂછો, ઈસકી ગેરેંટી દે સકતા હું મેં’. ફેન્સને પણ આ વીડિયો ખૂબ જ પસંદ આવ્યો છે અને બંનેને ક્યૂટ ગણાવ્યા છે. કેટલાક ફેન્સે રેડ હાર્ટ ઈમોજી પણ ડ્રોપ કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની પહેલી મુલાકાત વર્ષ 2012માં સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘રામ-લીલા’ના સેટ પર થઈ હતી. શૂટિંગ દરમિયાન જ બંને વચ્ચે પ્રેમ થયો હતો અને ડેટિંગ શરૂ કર્યું હતું. છ વર્ષના રિલેશન બાદ વર્ષ 2018માં કપલે ઈટાલીના લેક કોમો ખાતે લગ્ન કર્યા હતા. અત્યારસુધીમાં બંને બાજીરાવ-મસ્તાની, પદ્માવતી તેમજ 83 જેવી ફિલ્મોમાં સાથે સ્ક્રીન શેર કરી ચૂક્યા છે. આ સિવાય રણવીરની ફિલ્મ ‘સર્કસ’માં દીપિકા કેમિયો પણ કરી ચૂકી છે.
આ પણ વાંચો: દર્શકો હવે ઘરે બેઠા ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મ ‘અવતાર 2’ની મજા માણી શક્શે
વર્ક ફ્રંટની વાત કરીએ તો દીપિકા પાદુકોણ હાલ સાઉથ સ્ટાર પ્રભાસ સાથે પ્રોજેક્ટ કેમાં કામ કરી રહી છે, જેમાં અમિતાભ બચ્ચન અને દિશા પાટની પણ મહત્વના રોલમાં છે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે તેવી શક્યતા છે. આ સિવાય તેની પાસે હૃતિક રોશન સાથેની ફાઈટર પણ છે. બીજી તરફ, રણવીર સિંહ કરણ જોહરની ફિલ્મ ‘રૌકી ઓર રાની કી પ્રેમ કહાણી’માં આલિયા ભટ્ટ સાથે સ્ક્રીન શેર કરતો જોવા મળશે. તે ડિરેક્ટર શંકર શાન્મુઘમની અનટાઈલ્ડ ફિલ્મનો ભાગ છે.