બોલિવૂડના ખેલાડી અક્ષય કુમાર (Akshay Kuamr) અને રવીના ટંડન (Raveena Tondon) ની જોડી ફેન્સને આજે પણ ખુબ જ પસંદ છે. તેઓ 1993માં આવેલી ફિલ્મ ‘મહોરા’ફિલ્મ પછી ક્લોઝ આવ્યા હતા અને 1995થી ડેટ કરવાનું શરૂ કર્યું હતું. આટલું જ નહીં તેમણે સગાઈ પણ કરી લીધી હતી. જો કે કોઇ કારણસર તેમની સગાઇ તૂટી ગઇ અને તેમના રસ્તા જુદા પડી ગયા. તે દિવસ અને આજનો દિવસ બંને ક્યારેય એકબીજા સામે ફંક્શન કે પાર્ટીમાં સામે જોવાની વાત તો દૂર પરંતુ ફિલ્મમાં પણ સાથે કામ નથી કર્યું. પરંતુ હાલમાં એક એવોર્ડ ફંક્શનમાં જે થયું તે બંનેના ફેન્સ માટે ચોંકાવનારું હતું. વાત એવી છે કે, અક્ષય અને રવીનાએ ફંક્શન દરમિયાન સાથે સ્ટેજ શેર કર્યું હતું, આ દરમિયાન એક્ટ્રેસે અક્કીના વખાણ પણ કર્યા હતા. તેમના કેટલાક વીડિયો અને તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે.
સોશિયલ મીડિયા પર સામે આવેલા એક વીડિયોમાં, અક્ષય અને રવિના HT ઇન્ડિયાના મોસ્ટ સ્ટાઇલિશ એવોર્ડ્સ 2023માં એકબીજાની બાજુમાં બેઠેલા જોવા મળે છે. એક્ટ્રેસે બ્લેક કલરનું પ્રિન્ટેડ ગાઉન પહેર્યું છે, જેમાં લોન્ગ કટ છે, તે પોતાની હીલ્સ દેખાડીને કંઈક કહી રહી છે તો અક્કી પણ જવાબમાં માથુ હલાવે છે. બંનેની પાછળ બેઠેલી રકુલ પ્રીત સિંહ એકીટશે તેમની સામે જોઈ રહી છે.
અન્ય એક વીડિયોમાં રવીના અક્ષયના વખાણ કરતાં કહી રહી છે કે ’90ના દશકામાં તે રોકસ્ટાર હતો અને આજે પણ તે રોકસ્ટાર છે’. પોતાના વખાણ સાંભળી એક્ટર હસવા લાગે છે તો ઓડિયન્સ પણ તેમને ચીયર કરે છે. બંનેને સાથે જોઈ ફેન્સ ખુશી વ્યક્ત કરી રહ્યા છે.
એક ફેને લખ્યું છે ‘મને આ બંને ગમે છે. સાથે કેટલા સારા લાગી રહ્યા છે’, એક ફેને લખ્યું છે ‘બંનેને ઘણા સમય બાદ સાથે જોયા’, એક ફેને કોમેન્ટ કરી છે ‘તેમને સાથે જોઈને સારું લાગી રહ્યું છે’, તો એકે લખ્યું છે ‘અક્ષયનો જૂનો પ્રેમ’. કેટલાક ફેન્સે બંનેને ફરીથી સાથે ફિલ્મમાં જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી તો કેટલાકે તેમની જોડીના વખાણ કરતાં રેડ હાર્ટ અને ફાયર ઈમોજી ડ્રોપ કર્યા છે.
આ કાર્યક્રમમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પણ હાજરી આપી હતી. 90ના દાયકામાં તે અક્ષય સાથે રિલેશનશિપમાં હોવાની અફવા હતી. રેપિડ શૂટિંગ ટૂર દરમિયાન 90ના દાયકામાં મલાઈકા અરોરા વિશે પૂછવામાં આવતા અક્ષયે કહ્યું કે, મમતા કુલકર્ણી. રવીના, જે સ્ટેજ પર તેની બાજુમાં ઉભી હતી, તેણે થોભો અને કહ્યું, “હા, મને એવું લાગે છે,” અક્ષયે તેને પૂછ્યું, “તારા મગજમાં કંઈક બીજું છે?”
ત્યારબાદ રવિનાએ કહ્યું કે, મલાઈકા હંમેશા ‘અદ્ભુત સ્ટાઈલ’ ધરાવે છે, જેના પર અક્ષયે કહ્યું, “આ રાજકારણ નથી, સીધો જવાબ આપો!” રવિનાએ કહ્યું, “તે શિલ્પા હોઈ શકે છે! તેની હંમેશા ખૂબ જ ક્લાસી સ્ટાઇલ હતી”,અક્ષય જવાબમાં માથું હલાવતો જોવા મળ્યો હતો.
રવીના ટંડન સાથે સગાઈ તૂટ્યા બાદ અક્ષય કુમારે ‘ઈન્ટરનેશનલ ખિલાડી’ની કો-સ્ટાર ટ્વિન્કલ ખન્નાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. 2001માં તેમણે લગ્ન કર્યા હતા અને હવે આરવ તેમજ નિતારા તેમ બે બાળકોના પિતા છે. બીજી તરફ, રવીના ટંડન 2004માં બિઝનેસમેન અનિલ થડાણી સાથે પરણી હતી, તે પણ બે બાળકો- રાશા અને રણબીરવર્ધનની માતા છે. આ સિવાય તેણે પૂજા અને છાયા નામની બે દીકરીઓને દત્તક લીધી છે.
વર્કફ્રંટની વાત કરીએ તો, છેલ્લે એક્ટર યશ સાથે ફિલ્મ ‘KGF: ચેપ્ટર 2’માં જોવા મળેલી રવીના ટંડન પાસે ફિલ્મ ‘ઘુડચઢી’ છે, જેમાં સંજય દત્ત, ખુશાલી કુમાર, અરુણા ઈરાની અને પાર્થ સમથાન પણ મહત્વના રોલમાં છે. બીજી તરફ, અક્ષય કુમાર હાલ ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ના શૂટિંગમાં વ્યસ્ત છે, જેમાં તેની સાથે ટાઈગર શ્રોફ છે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે તેમ કહેવામાં આવી રહ્યું છે. આ સિવાય તે ફરી એકવાર સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ સાથે ફિલ્મ ‘હેરા ફેરી 3’માં દેખાશે.