Grammys 2025 Chandrika Tandon: ગ્રેમી એવોર્ડ્સ 2025 ની જાહેરાત કરવામાં આવી છે. ભારત માટે પણ અહીંથી સારા સમાચાર આવ્યા છે. ચંદ્રિકા ટંડને તેના એક આલ્બમ માટે તેનો પહેલો ગ્રેમી એવોર્ડ જીત્યો છે. ચાલો જાણીએ કે ચંદ્રિકા કોણ છે અને તેને આ એવોર્ડ શા માટે મળ્યો.
ભારતીય-અમેરિકન ગાયિકા અને સંગીતકાર ચંદ્રિકા ટંડનને તેમના આલ્બમ ત્રિવેણી માટે શ્રેષ્ઠ ન્યૂ એજ, એમ્બિયન્ટ અથવા ચાન્ટ આલ્બમ શ્રેણીમાં પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમણે આ પુરસ્કાર દક્ષિણ આફ્રિકન વાંસળીવાદક વાઉટર કેલરમેન્સ અને જાપાની વાયોલિનવાદક એરુ માત્સુમોટો સાથે શેર કર્યો છે.

કોણ છે ચંદ્રિકા ટંડન?
ચંદ્રિકા ટંડનને અગાઉ ગ્રેમી નોમિનેશન પણ મળ્યું છે. ચંદ્રિકા ચેન્નાઈમાં મોટી થઈ અને મદ્રાસ ક્રિશ્ચિયન કોલેજમાં અભ્યાસ કર્યો છે. તે પેપ્સિકોના ભૂતપૂર્વ સીઈઓ ઈન્દ્રા નૂયીની મોટી બહેન છે. ચંદ્રિકાએ IIM અમદાવાદમાંથી માસ્ટર ડિગ્રી મેળવી છે.
ગ્રેમી એવોર્ડ્સ 2025 2 ફેબ્રુઆરીના રોજ લોસ એન્જલસના Crypto.com એરેના ખાતે યોજાયો હતો. આ એવોર્ડ સ્વીકારવા માટે ચંદ્રિકા ટંડન ભારતીય પરંપરાગત પોશાક પહેરીને પહોંચી હતી. તેણીએ ગુલાબી સિલ્ક સલવાર સૂટ પહેર્યો હતો. એવોર્ડ જીત્યા પછી તેમણે કહ્યું, “આ અદ્ભુત લાગે છે. મારી સાથે બીજા મહાન અને અદ્ભુત સંગીતકારો પણ નામાંકિત થયા હતા. અમારી માટે આ એવોર્ડ જીતવાનો પ્રસંગ ખુબ જ યાદગાર છે.”
PM મોદીએ પાઠવી શુભેચ્છા
ચંદ્રિકા ટંડનને ગ્રેમી એવોર્ડ મળતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ પોતાના એક્સ હેન્ડલ પરથી પોસ્ટ કરીને ચંદ્રિકા ટંડનને શુભેચ્છા પાઠવી છે.
તમને જણાવી દઈએ કે, બેસ્ટ ન્યૂ એજ, એમ્બિયન્ટ અથવા ચાન્ટ આલ્બમ કેટેગરીમાં, રિકી કેજનું બ્રેક ઓફ ડોન, ર્યુઇચી સાકામોટોનું ઓપસ, રાધિકા વેકરિયાનું વોરિયર્સ ઓફ લાઈટ અને અનુષ્કા શંકરનું ચેપ્ટર II: હાઉ ડાર્ક ઇટ ઇઝ બિફોર ડોન નામાંકિત થયા હતા.
ગ્રેમી એવોર્ડ્સ 2025 ક્યાં જોઈ શકાય
ગ્રેમી એવોર્ડ્સ સંગીત ઉદ્યોગના સૌથી પ્રતિભાશાળી કલાકારો અને સૌથી મોટા સંગીત હિટ ગીતોનું સન્માન કરે છે. 67 માં ગ્રેમી એવોર્ડ્સનું ડિઝની+ હોટસ્ટાર પર લાઇવ સ્ટ્રીમિંગ થઈ રહ્યું છે.





