ગત મહિને 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં 1 જાન્યુઆરી, 2023 થી 31 ડિસેમ્બર, 2023 વચ્ચે CBFC (સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન) તરફથી પ્રમાણપત્ર મેળવનાર ફિલ્મો પાત્ર હતી. ગુજરાતી સિનેમા માટે ગૌરવની ક્ષણ કહી શકાય કે જાનકી બોડીવાલા સ્ટારર સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મ “વશ” એ બે મોટા એવોર્ડ્સ જીત્યા છે. ફિલ્મને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ તરીકે સન્માન મળ્યું છે, જ્યારે અભિનેત્રી જાનકી બોડીવાલાને તેમની પ્રભાવશાળી ભૂમિકાને લીધે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ અપાયો છે.
દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલી ભવ્ય પુરસ્કાર વિધિમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે “શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ” માટેનો એવોર્ડ એનાયત કરાયો, જે માટે ફિલ્મના દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક (બિગ બોક્સ સિરીઝ પ્રોડક્શન) અને પ્રોડ્યુસર કલ્પેશ સોની (કે એસ એન્ટરટેઇન્મેન્ટ) એ આ એવોર્ડ સ્વીકાર્યો. અભિનેત્રી જાનકી બોડીવાલાને “શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી” માટેનો એવોર્ડ એનાયત કરાયો.
દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિકે આ અવસરે જણાવ્યું હતું કે,”અમારા માટે ગર્વની વાત છે કે ગુજરાતી સિનેમામાં સાયકોલોજિકલ હોરર જેવા વિષયને પ્રામાણિક રીતે રજૂ કરી શક્યા. આ રાષ્ટ્રીય સન્માન સાબિત કરે છે કે જો કન્ટેન્ટ મજબૂત હોય તો ભાષા કે રિજનલ લિમિટેશન કોઈ અવરોધ નથી. આ એવોર્ડ મારી ટીમ અને દર્શકો બંનેને સમર્પિત છે.”
આ પણ વાંચો: શાહરુખ ખાન, રાની મુખર્જીને નેશનલ ફિલ્મ એવોર્ડ્સ મળ્યો, મોહનલાલ દાદા સાહેબ ફાળકે પુરુસ્કારથી સન્માનિત
અભિનેત્રી જાનકી બોડીવાલાએ પોતાની લાગણીઓ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “રાષ્ટ્રપતિના હસ્તે આ સમ્માન મળે એનાથી વધુ ખુશીની ક્ષણ શું હોઈ શકે. હું “વશ” ની આખી ટીમ અને ખાસ કરીને કૃષ્ણદેવ સરનો આભાર માનું છું કે તેમણે મને આ તક આપી. આ પુરસ્કાર મારા અભિનયની કારકિર્દીમાં મોટો માઈલસ્ટોન છે.”
‘વશ’ એક મનોવૈજ્ઞાનિક હોરર થ્રિલર ફિલ્મ છે કે જે દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત છે. વશીકરણ અને સસ્પેન્સથી ભરપૂર આ ફિલ્મમાં જાનકી બોડીવાલા સાથે હિતુ કનોડિયા અને હિતેન કુમારનો રોલ મહત્વનો છે. ફિલ્મમાં દર્શાવાયું છે કે હિતેન કુમાર વશીકરણથી જાનકી બોડીવાલાને પોતાના વશમાં કરી લે છે. આ ફિલ્મે અંત સુધી લોકોને જકડી રાખ્યા હતા. આ ફિલ્મ પરથી બોલીવુડમાં પણ ફિલ્મ બની હતી.





