બોલિવૂડની સૌથી કોમેડી ફિલ્મમાં હેરા ફેરી, ફિર હેરાફેરીનું નામ અવશ્ય દર્શકોના મુખ પર આવે જ. આ એક એવી ફિલ્મ છે જે પરિવાર સાથે જોઇ શકાય છે. ભલે તેનો ત્રીજો ભાગ આવવાનો હોય પરંતુ ફિલ્મનું ટાઇટલ ‘હેરા ફેરી 4’ રાખવામાં આવ્યુ છે. આ ફિલ્મ એવી છે કે ગમે તેટલું મન ઉદાસ હોય આ કલાકારો તમને ખડખડાટ હસાવી જ દેશે. ત્યારે આ ફિલ્મને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ફિલ્મના ત્રીજો ભાગ એ ક પછી એક વિવાદોમાં સંપડાઇ છે.
અગાઉ ડાયરેક્ટર તરીકે ફરહાદ શામજીને હાંકી કાઢવાની માગણી થયા બાદ હવે આ ફિલ્મના ઓડિયો અને વીડિયો સોંગ્સ રાઈટના મામલે કાનૂની તકરાર ઊભી થઈ છે. આ રાઈટ્સ ધરાવનારી મૂળ કંપનીએ ફિલ્મના નિર્માતાઓને નોટિસ ફટકારી છે.
આ ફિલ્મનું શૂટિંગ શરુ થયાના અહેવાલોને પગલે એક જાણીતી મ્યુઝિક કંપનીએ નિર્માતાઓને ફિલ્મના ઓડિયો અને વીડિયો સોંગ્સના રાઈટ્સનો વપરાશ કરવા માટે તેમની પાસે કોઈ જરુરી દસ્તાવેજો છે કે કેમ તેને લઇને માહિતી માંગી છે. કંપનીએ જણાવ્યું છે કે આ ફ્રેન્ચાઈઝીના ઓડિયો-વિઝ્યુઅલ રાઈટ્સની એકમાત્ર ધારક તરીકે તેને અબાધિત અધિકાર છે અને તેની પરવાનગી વિના કોઈ તેનો ઉપયોગ કરી શકે નહીં.
ઉલ્લેખનીય છે કે ફિલ્મના ડાયરેક્ટર પદેથી ફરહાદ શામજીને હાંકી કાઢવાની માગણી સાથે અગાઉ જ કેમ્પેઈન છેડાઈ ચૂક્યું છે. ફરહાદ શામજી આ ફિલ્મને ન્યાય આપી શકે તેવી પ્રતિભા ધરાવતો નથી તેવી માગણી સાથે ‘હેરાફેરી’ સીરીઝના અઠંગ ચાહકોએ આ ઝુંબેશ ઉપાડી છે.
છેલ્લા કેટલાક સમયથી આ ફિલ્મના સિક્વલની જેટલી ચર્ચા થઈ હશે એટલી ભાગ્યે જ કોઈ અન્ય ફિલ્મની થઈ હશે. પહેલા અક્ષય કુમારે કન્ફર્મ કર્યું કે તે આ ફિલ્મમાં નહીં હોય. ત્યારપછી કાર્તિક આર્યનને આ ફિલ્મ માટે લેવામાં આવ્યો હોવાના અહેવાલ સામે આવ્યા હતા, હવે કાર્તિક આર્યનની જગ્યાએ આ ફિલ્મમાં અક્ષય કુમાર જોવા મળશે.
આ પણ વાંચો: પુષ્પા 2માં બોલિવૂડ સ્ટાર્સની થશે એન્ટ્રી? આ નામની જોરશોરથી ચર્ચા
આ કોમેડી સિરીઝની પહેલી ફિલ્મ 2000માં રિલીઝ થઈ હતી. જ્યારે તેની ‘હેરા ફેરી 2’ વર્ષ 2006માં રિલીઝ થઈ હતી. હવે 17 વર્ષ બાદ આ ફિલ્મના ત્રીજા ભાગનું મેકિંગ શરૂ થઈ ગયું છે. ચાહકો ટૂંક સમયમાં રાજુ, ઘનશ્યામ અને બાબુરાવની આ રમૂજી ત્રિપુટીને રૂપેરી પડદે જોઈ શકશે.