95માં એકેડમી એવોર્ડમાં ગુજરાતી ફિલ્મ છેલ્લો શો શોર્ટ લીસ્ટ થયા પછી હાલમાં જ તેની સ્ક્રીપ્ટને ઓસ્કારની લાયબ્રેરીમાં મુકવા અંગેના સમાચાર આવ્યા હતા ત્યારે પાન નલીનની ફિલ્મ ‘લાસ્ટ ફિલ્મ શો’ની કલગીમાં વધારો થયો છે. 27માં સેટેલાઇટ™ એવોર્ડ્સમાં ઇન્ટરનેશનલ પ્રેસ એકેડેમી (IPA)માં “બેસ્ટ બ્રેક થ્રુ પર્ફોર્મન્સ” નો એવોર્ડ ભાવિન રબારીએ પોતાને નામે કરી લીધો છે.
ખાસ વાત એ છે કે, ભાવિન રબારી આ એવોર્ડ મેળવનાર સૌથી નાની વયનો કલાકાર છે, ભાવિન પહેલા આ કેટેગરીમાં IPA અવોર્ડસ મેળવનાર હસ્તીઓમાં એડવર્ડ નોર્ટન, નિકોલ કિડમેન, ચાર્લીઝ થેરોન, રસેલ ક્રો અને હેલ બેરી જેવા ખુબ મોટા કલાકારોનો સમાવેશ થાય છે. ત્યારે હવે આ લિસ્ટમાં ગુજરાતના ભાવિન રબારીનું પણ નામ સામેલ થઇ ગયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ‘છેલ્લો ફિલ્મ શો’ એ 21 વર્ષમાં પહેલી એવી ભારતીય ફિલ્મ છે જેને બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મના લિસ્ટમાં ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી હોય.
પાન નલીન અને ભાવિને કરી વ્યક્ત ખુશી
IPA બ્રેક થ્રુ પરફોર્મન્સનો ખિતાબ મેળવવા પર ફિલ્મના ડીરેક્ટર અને રાઈટર પાન નલિને પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, “ફિલ્મ અને ભાવિનને જે ભરપૂર પ્રેમ મળી રહ્યો છે તે બદલ હું સૌનો આભારી છું, આ એવોર્ડ મારા અને ભાવિન બંને માટે ખાસ છે, કારણ કે આટલી નાની ઉંમરમાં આ એવોર્ડ મેળવનાર તે સૌથી પહેલો કલાકર છે અને આ એવોર્ડ તેની મહેનતને આંતરરાષ્ટ્રીય સ્તર પર ઓળખાણ આપશે.” આ અંગે એવોર્ડ મેળવનાર 13 વર્ષીય ભાવિને કહ્યું હતું કે, “હું ખૂબ જ ખુશ છું અને મને આ ફિલ્મમાં તક આપવા બદલ નલિન સર, સિદ્ધાર્થ સર અને ધીર ભાઈનો આભાર માનું છું. હું આશા રાખું છું કે આપણે ભારતને આવા ઘણા વધુ એવોર્ડ જીતીને ગૌરવ અપાવી શકીશું અને ઓસ્કાર ઘરે લાવી શકીશું.”
જાપાન, ઇટલી અને ફ્રાંસમાં પણ થશે રીલીઝ
95મા એકેડેમી એવોર્ડ્સમાં શોર્ટલિસ્ટ થયેલી અન્ય ભાષાની ફિલ્મો વચ્ચે ફિલ ‘છેલ્લો શો’ પ્રશંસા મેળવી રહી છે. ઓસ્કાર ઉપરાંત પણ વૈશ્વિક સ્તરે અન્ય ફિલ્મ ફેસ્ટિવલમાં પણ તેને ટોચનું સ્થાન મેળવ્યું છે. સિદ્ધાર્થ રોય કપૂર, ધીર મોમાયા, પાન નલિન અને માર્ક ડુઅલ દ્વારા નિર્મિત, લાસ્ટ ફિલ્મ શો જાપાન અને ઇટાલીમાં પણ ટૂંક સમયમાં રીલીઝ થશે. ઓરેન્જ સ્ટુડિયો તેને ફ્રાન્સમાં પણ ફિલ્મ રિલીઝ કરશે. આ ઉપરાંત ભારતની ઓસ્કરમાં બીજી સત્તાવાર એન્ટ્રી RRRને પણ IPAમાં ઓનરરી સેટેલાઈટ એવોર્ડ મળ્યો છે.