પ્રેમની નઝાકત, સંબંધોની ગૂંચવણ અને સ્મિતોથી ભરેલી લાગણીઓનો સુંદર સંગમ ત્યારે જોવા મળ્યો, જ્યારે બહુચર્ચિત રોમેન્ટિક-કોમેડી ફિલ્મ ‘તુ મેરી મેં તેરા, મેં તેરા તુ મેરી’ના પ્રમોશન માટે મુખ્ય કલાકારો કાર્તિક આર્યન અને અનન્યા પાંડે અમદાવાદ પહોંચ્યા. અમદાવાદમાં કલાકારોએ પોતાની મનમોહક હાજરી સાથે મીડિયાને સંબોધ્યું અને ફિલ્મ સાથે જોડાયેલા રસપ્રદ અનુભવો શેર કર્યા. બંને કલાકારોને અમદાવાદમાં આવીને ઘણી મજા આવી. કાર્તિક આર્યને અમદાવાદમાં જલેબીનો સ્વાદ પણ માણ્યો હતો.
અમદાવાદમાં કાર્તિક અને અનન્યાની કેમેસ્ટ્રી સ્ટેજ પર પણ એટલી જ સહજ અને આકર્ષક દેખાઈ, જેટલી પડદા પર જોવા મળવાની છે. બંને કલાકારોએ ફિલ્મના પ્લોટ, તેમના પાત્રો અને શૂટિંગના અનુભવોને ખૂબ જ ખુલ્લા દિલથી શેર કર્યા, જેનાથી એ તો સ્પષ્ટ થઈ જ ગયું કે આ ફિલ્મ તેમના માટે માત્ર એક પ્રોજેક્ટ નહીં, પરંતુ એક ભાવનાત્મક સફર રહી છે.
કાર્તિક આર્યને મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું, “ફિલ્મ ‘તુ મેરી મેં તેરા, મેં તેરા તુ મેરી’ મારા દિલની ખૂબ નજીક છે. તેમાં મારું પાત્ર પ્રેમ, ગૂંચવણ અને સાચી લાગણીઓથી ભરેલું છે. દર્શકો મને આ વખતે એક અલગ જ અંદાજમાં જોશે. આ ફિલ્મ સંબંધોની તે બારીકાઈઓને સ્પર્શે છે, જેને આપણે અવારનવાર અનુભવીએ છીએ, પણ કહી શકતા નથી. દર્શકોને ફિલ્મની વાર્તા ખૂબ જ ગમશે.”
ફિલ્મની લીડ એક્ટ્રેસ અનન્યા પાંડેએ પોતાના અનુભવો શેર કરતાં કહ્યું, “આ ફિલ્મની વાર્તા ખૂબ જ સાચી અને દિલથી જોડાયેલી છે. આમાં પ્રેમ માત્ર પરીઓની વાર્તા જેવો નહીં, પણ આજના સમયના સંબંધોની વાસ્તવિકતા સાથે સામે આવે છે. મને પૂરો વિશ્વાસ છે કે દર્શકો અમારા પાત્રો સાથે ક્યાંક ને ક્યાંક પોતાને જરૂર જોડાયેલા અનુભવશે. કાર્તિક સાથે કામ કરવું હંમેશાં ખાસ રહ્યું છે અને આ ફિલ્મમાં અમારી કેમેસ્ટ્રી દર્શકોને જરૂર પસંદ આવશે.”
આ પણ વાંચો: એક્શનથી ભરપૂર બોર્ડર 2 ટીઝર રિલીઝ, સની દેઓલએ કેમ કરી મિસાઇલ ગન ફાયરિંગ? જુઓ ટીઝર
આ ફિલ્મ 25 ડિસેમ્બર, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ક્રિસમસના અવસરે આ ફિલ્મ દર્શકો માટે પ્રેમ, સ્મિત અને મનોરંજનથી ભરેલી એક ખાસ ભેટ સાબિત થવાની છે. કુલ મળીને, ‘તું મેરી મેં તેરા, મેં તેરા તું મેરી’ માત્ર એક ફિલ્મ નથી, પરંતુ તે સંબંધોની વાર્તા છે, જેને દિલ અનુભવે છે અને સ્મિત સાથે જીવવા માંગે છે.





