Shehzada Teaser: બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન હાલ પોતાની આગામી ફિલ્મ ‘શહેજાદા’ના કારણે ખુબ ચર્ચામાં છે. તેમજ દેશના વિવિધ ભાગોમાં જઇને ફિલ્મનું પ્રમોશન કરી રહ્યો છે. જ્યાં તેને ચાહકો તરફથી ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. આ વચ્ચે કાર્તિકે શાહરૂખ ખાનના માર્ગને અનુસર્યો છે અને શહેજાદાનું ટ્રેલર પઠાણની જેમ જ દુબઈના બુર્જ ખલીફા પર દેખાડવામાં આવ્યું છે. કાર્તિકે પોતે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
કાર્તિક આર્યને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં કાર્તિક આર્યન દુબઈના બુર્જ ખલીફા પર જોવા મળી રહ્યો છે. વીડિયોમાં એ પણ જોવા મળી રહ્યુ છે કે શહેજાદાનું ટ્રેલર દુનિયાની સૌથી ઊંચી ઈમારત પર બતાવવામાં આવે છે. આ તકે ત્યાં મોટી સંખ્યામાં લોકો હાજર છે. આ સાથે વીડિયોમાં કાર્તિક આર્યનના ચહેરા પરનું સ્મિત અને તે કેટલો ખુશ તે જોવા મળી રહ્યુ છે.
શહેજાદાનું નિર્દેશન રોહિત ધવન દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં કાર્તિક આર્યન, કૃતિ સેનન, મનીષા કોઈરાલા, પરેશ રાવલ, રોનિત રોય અને સચિન ખેડેકર મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું સંગીત પ્રીતમ દ્વારા આપવામાં આવ્યું છે, જેનું નિર્માણ ભૂષણ કુમાર, અલ્લુ અરવિંદ, અમન ગિલ અને કાર્તિક આર્યન દ્વારા કરવામાં આવ્યું છે. શહેજાદા 17 ફેબ્રુઆરી 2023ના રોજ રિલીઝ થવાની છે. શહેજાદા અલ્લુ અર્જુનની ફિલ્મ આલા વૈકુંઠપુરમ્લોની હિન્દી રિમેક છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણનું ટ્રેલર પણ દુબઈના બુર્જ ખલીફા પર રિલીઝ કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર શાહરૂખ ખાનના ફેન્સ આ જોઈને ખૂબ જ ખુશ થયા હતા. પઠાણ બોલિવૂડની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. પઠાણે 500 કરોડનો આંકડો પાર કર્યો છે.
સિદ્ધાર્થ આનંદ દ્વારા દિગ્દર્શિત યશ રાજ ફિલ્મ્સ પ્રોડક્શનની ફિલ્મ ‘પઠાણ’ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ધમાલ મચાવી રહી છે. શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મે અત્યાર સુધીમાં વિશ્વભરમાં રૂ. 964 કરોડનું કલેક્શન કર્યું છે અને તે 1000 કરોડની ક્લબમાં સામેલ થવાથી થોડા જ પગલાં દૂર છે. ફિલ્મને દર્શકો તરફથી મળી રહેલા અપાર પ્રેમને જોઈને નિર્માતાઓએ માસ્ટર સ્ટ્રોક રમ્યો છે અને 17 ફેબ્રુઆરીએ ‘પઠાણ’ની ટિકિટ સસ્તી કરી દીધી છે.