પ્રખ્યાત ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીની અપકમિંગ ફિલ્મ (Rajkumar santoshi upcoming Film) ‘ગાંધી ગોડસે એક યુદ્ધ’નું ટ્રેલર (Mahatma Gandhi) તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મનું ટ્રેલર સામે આવ્યા બાદ વિવાદ સર્જાયો છે. મધ્યપ્રદેશમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની માંગ ઉઠી છે. ત્યારે આવો જાણીએ કેમ આ ફિલ્મનો વિરોધ થઇ રહ્યો છે.
મધ્યપ્રદેશના લોકોની આ ફિલ્મ પર પ્રતિબંધ લાદવાની માંગ વચ્ચે હવે મહાત્મા ગાંધી (Mahatma Gandhi) ના પ્રપૌત્ર તુષાર ગાંધી (Tushar Gandhi)ની પ્રતિક્રિયા સામે આવી છે. આ ફિલ્મ અંગે વાત કરતાં તેણે કહ્યું કે, “આ પ્રકારની ફિલ્મથી તે બિલકુલ આશ્ચર્યચકિત નથી. જે ફિલ્મમાં હત્યારાને હીરો બનાવવામાં આવી રહ્યો છે. આવી ફિલ્મ જોવાનો તેનો કોઈ ઈરાદો નથી”.
તુષાર ગાંધીએ આ ફિલ્મ વિશે ANI સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ‘મને આ ફિલ્મનું ટ્રેલર જોઈને કોઈ આશ્ચર્ય નથી થયું. કારણ કે તેમના માટે ગોડસે હીરો છે અને જો તેઓ તેમને હીરો તરીકે બતાવશે તો આ બાબતથી આપણામાંથી કોઇને પણ આશ્ચર્ય નહીં થાય. જો કે, હું ફિલ્મના ટ્રેલરની યોગ્યતા કે ખામીઓ પર ટિપ્પણી નહીં કરતો. કારણ કે મેં તે જોયું નથી અને મારી એવી ફિલ્મો જોવાની બિલકુલ ઇચ્છા નથી જે હત્યારાઓને વખાણતી હોય.
વધુમાં તુષાર ગાંધીએ કહ્યું કે, ‘આ ઉંડાણપૂર્વક વિચારીને તૈયાર કરેલી યોજના છે. બધા પાત્રો તૈયાર કરવામાં આવ્યાં છે અને એક પછી એક પ્રદર્શન કરી રહ્યા છે. આ ફિલ્મ પહેલા રાજકુમાર સંતોષીએ ફિલ્મ ભગત સિંહમાં પણ બાપુને ખોટી રીતે બતાવ્યા હતા. તેથી જો આ જ વસ્તુ ફરીરિપીટ થશે તો તે કોઇ નવાઇની વાત નથી. તેણે આ ફિલ્મ ગોડસેને ગ્લોરિફાઇ કરવા માટે બનાવી છે.
રાજકુમાર સંતોષીની આ ફિલ્મ 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસના અવસર પર રિલીઝ થશે. આ ફિલ્મનું સંગીત એઆર રહેમાને આપ્યું છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જેમાં કાલ્પનિક વાર્તા દ્વારા ગાંધી અને ગોડસેના વિચારો વચ્ચેના યુદ્ધને દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મ 1947-48ની આસપાસની વાર્તા પર આધારિત છે.