મિસ યુનિવર્સ 2022 ની 71મી આવૃત્તિનું આયોજન અમેરિકાના લ્યુઇસિયાના રાજ્યના ન્યૂ ઓર્લિયન શહેરમાં કરવામાં આવ્યું હતું. જેમાં દિવિતા રાય આ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી હતી. પરંતુ દિવિતા રાય મિસ યુનિવર્સ 2022ના ટોપ 5 સ્પર્ધકોમાં પોતાનું નામ નોંધાવી શકી નથી અને સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ હતી. ત્યારે આ વખતે અમેરિકાની આર બોની ગેબ્રિયલએ મિસ યુનિવર્સનો તાજ પોતાને નામે કરી લીધો છે.
મહત્વનું છે કે, ભારતનું પ્રતિનિધિત્વ કરતી દિવિતા રાયે ટોપ 16માં સ્થાન મેળવ્યું હતું પરંતુ તે ટોપ 5માં બહાર થઈ ગઈ હતી. દિવિતા ટોપ 16માં પહોંચી હતી. કોસ્ચ્યુમ રાઉન્ડમાં દિવિતાએ ગોલ્ડન બર્ડ બનીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

કોણ છે દિવિતા રાય?
દિવિતા રાયના જીવનની વાત કરીએ તો તે ભારતના ઘણા શહેરોમાં રહી છે. દિવિતાનો જન્મ કર્ણાટકમાં થયો હતો પરંતુ પિતાની નોકરીને કારણે તે અલગ-અલગ શહેરોમાં મોટી થઈ હતી. દિવિતા એક આર્કિટેક્ટ છે અને વ્યવસાયે એક મોડેલ છે. દિવિતાને બેડમિન્ટન, બાસ્કેટબોલ, ગીતો સાંભળવા, પુસ્તકો વાંચવા અને પેઇન્ટિંગ સહિતની ઘણી પ્રવૃત્તિઓનો પણ શોખ છે. દિવિતાએ 28 ઓગસ્ટ 2022ના રોજ મિસ દિવા યુનિવર્સ 2022નો ખિતાબ જીત્યો હતો.

મિસ યુનિવર્સ 2022ના તાજની વિશેષતા
આ તાજમાં ઘણી બધી વિગતો અને આવી ઘણી ખાસ વસ્તુઓ હાજર હતી. જેના પર ધ્યાન આપવું જરૂરી છે. પ્રખ્યાત લક્ઝરી જ્વેલર મૌવાદે (Mouawad) આ તાજને ખૂબ જ સારી રીતે તૈયાર કર્યો છે. તાજની સુંદરતા પર ઝીણવટપૂર્વક મહેનત કરવામાં આવી છે. જેથી જે પણ આ તાજને જોશે તે કહેશે, ‘વાહ તાજ’. તેમાં ઘણા હીરા અને નીલમ લગાવવામાં આવ્યા છે. આ તાજની નવી કિંમત જાણીને તમારા હોશ ઉડી જશે. મળતી માહિતી અનુસાર આ તાજ બનાવવા પાછળ 46 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. એટલે કે અમેરિકાના આર બોની ગેરબ્રિયલના માથા પર 46 કરોડનો તાજ પહેરાવવામાં આવ્યો હતો.
આ સમગ્ર તાજમાં લગભગ 993 સ્ટોન લગાવવામાં આવ્યા છે. તાજ જેમાં 48.24 કેરેટ સફેદ ડાયમંડ અને 110.83 નીલમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આ સુંદર તાજ પર રોયલ બ્લુ રંગનું નીલમ લગાવવામાં આવ્યું છે, જે 45.14 કેરેટ છે.
આપને જણાવી દઇએ કે આર બોની ગેરબ્રિયલ ફેશન ડિઝાઇનર છે. હકીકતમાં આ વર્ષે મિસ યુનિવર્સમાં ટોપ 3 સ્પર્ધકોને પૂછવામાં આવ્યું હતું કે, જો તમે મિસ યુનિવર્સ બનો છો, તો તમે કેવી રીતે દર્શાવશો કે તે એક પ્રગતિશીલ અને મજબૂત સંગઠન છે. યુએસની આર બોની ગેરબ્રિયલએ તેના જવાબથી બધાને પ્રભાવિત કરી દીધા હતા.
આ પણ વાંચો: પઠાણના રંગે રંગાયુ દુબઇનું બુર્ઝ ખલીફા, જુઓ વીડિયો
ગેબ્રિયેલે કહ્યું- “હું ફેશન ઉદ્યોગને એક લીડર તરીકે બદલવા માંગુ છું. ફેશન ડિઝાઇનિંગમાં 13 વર્ષ જુસ્સાથી કામ કર્યા પછી, હું ફેશનનો સારા માટે ઉપયોગ કરવા માંગુ છું. હું ફેશનને માધ્યમ બનાવીને રિસાયકલ કરેલ સામગ્રીનો ઉપયોગ કરું છું અને પ્રદૂષણ ઘટાડવામાં મારો સહયોગ આપું છું. હું મારા કપડાં જાતે બનાવું છું. માનવ તસ્કરી અને ઘરેલું હિંસાનો ભોગ બનેલી મહિલાઓને હું સિલાઈ શીખવું છું અને તેમને આત્મનિર્ભર બનવાની પ્રેરણા આપું છું. આપણે બીજાઓ પર રોકાણ કરવાની જરૂર છે. તમારા સમુદાય માટે રોકાણ કરવાની જરૂર છે. આપણે આપણી આગવી પ્રતિભાથી સમાજમાં બદલાવ લાવવાનો છે. આપણા બધામાં કંઈક ખાસ છે. જો આપણે આપણી પ્રતિભાના બીજનું સંવર્ધન કરીએ અને તેનાથી અન્યને પ્રભાવિત કરીએ, તો આપણે તેને સકારાત્મક પરિવર્તન માટેનું માધ્યમ બની શકીએ છીએ.
ભારતની અત્યારસુધીની મિસ યુનિવર્સની યાદી
વર્ષ નામ
1994 સુષ્મિતા સેન
2000 લારા દત્તા
2021 હરનાઝ કૌર સંઘૂ