પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાના લગ્નની ચર્ચા તાજેતરમાં વહેતી થઇ છે. જ્યારથી પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા ગુરૂવારે 23 માર્ચે એક રેસ્ટોરન્ટમાં સાથે જોવા મળ્યા હતા. ત્યારથી બંને એકબીજાને ડેટિંગ કરી રહ્યા હોવાની વાતો વાગોળાઇ રહી છે. ત્યારે હાલમાં પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા દિલ્હી એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા. જો તે બંનેએ પોતાના સંબંધને લઇને મૌન ધારણ કર્યું છે. આ વચ્ચે પરિણીતી ચોપરાના મિત્ર અને સિંગર હાર્ડી સંધુએ તેમના લગ્ન અંગે મોટું નિવેદવ આપ્યું છે. આથી પરિણીતી-રાઘવના લગ્નની વાતને લઇને લોકમુખે ચાલતી વાતો પર પૂર્ણવિરામ લાગી ગયું છે.
હકીકતમાં હાર્ડી સંધુએ પોતાના નિવેદનમાં ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, પરિણીતી ચોપરા આખરે પોતાની જીંદગીમાં સેટલ થઇ રહી છે. હાર્ડીએ તાજેતરમાં આપેલા તેના ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, હું અત્યંત ખુશ છું કે તે બંને લગ્ન કરી રહ્યા છે. હું તેમને શુભકામના પાઠવું છું. આ સાથે હાર્ડી સંધુએ જણાવ્યું હતું કે, તેણે પરિણીતી ચોપરાને ફોન કરીને અભિનંદન પાઠવ્યા હતા.
વધુમાં હાર્ડી સંધુએ જણાવ્યું હતું કે, તે વર્ષ 2022ની સ્પાઇ થ્રિલર કોડ નેમ: તિરંગાની શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે લગ્નની ચર્ચા થતી હતી. તો આ અંગે પરિણીતી ચોપરા પ્રતિક્રિયા આપતી હતી કે તે એ સમયે લગ્ન કરશે જ્યારે તેને એવું લાગશે કે મને લગ્ન માટે સારું પાત્ર અને સારો વ્યક્તિ મળી ગયો છે.
પરિણીતી અને રાઘવ પોતાના સંબંધ વિશે કંઈ ખુલીને બોલવા તૈયાર નથી એવામાં રાજ્યસભાના સાંસદ સંજીવ અરોડાએ બંનેને શુભેચ્છા સંદેશ આપ્યો હતો. આપના સાંસદે ટ્વિટર પર લખ્યું હતું, “રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાને હાર્દિક અભિનંદન. તમારા મિલનને અઢળક પ્રેમ, ખુશી અને સાથ મળે. શુભકામનાઓ.” આ ટ્વિટ બાદ બંનેના અફેર અને લગ્નની ચર્ચાને વેગ મળ્યો હતો.