Shahrukh Khan Pathan Movie Protest: શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ ‘પઠાણ’નો દીપિકાની ભગવા રંગની બિકીનીના કારણે જબરો વિરોધ (pathan protest) થઇ રહ્યો છે. આ સાથે સંખ્યાબંધ રાજ્યોમાં અનેક સંગઠનો આ ફિલ્મને રિલીઝ નહીં થવા દેવાની ચિમકી આપી ચૂક્યાં છે. દેશમાં હાલ ‘પઠાણ’ના વિરોધને પગલે માહોલ ગરમાયેલો છે, છતાં ફિલ્મ નિર્માતાઓએ નિયત તારીખે જ ફિલ્મને રિલીઝ કરવાનો નિર્ણય યથાવત રાખ્યો છે.
ક્યા કારણથી ફિલ્મનો વિરોધ?
ઉલ્લેખનીય છે કે, ફિલ્મનાં ‘બેશરમ રંગ’ ગીતમાં દીપિકાએ ભગવા રંગની બિકીની પહેરતાં ધાર્મિક લાગણી દૂભાઈ હોવાના મુદ્દે ફિલ્મનો વિરોધ થયો છે. અનેક સંગઠનોએ આ ફિલ્મનાં પોસ્ટર્સ સળગાવ્યાં છે અને ફિલ્મ રિલીઝ નહીં થવા દેવા ચિમકી પણ આપી છે. ત્યારે અમદાવાદ ખાતે વસ્ત્રાપુર સ્થિત આલ્ફા વન મોલમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ ફિલ્મ ‘પઠાણ’ને લઇ વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમજ મોલમાં તોડફોડ કરી તેમણે કહ્યું હતું કે, જો આ ફિલ્મ રિલીઝ થશે તો વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. પોલીસ હાલ સમગ્ર મામલે તપાસ આદરી છે.
સેન્સર બોર્ડે ફિલ્મ નિર્મતાઓને હાંકલ કરી
દેશભરમાં ‘પઠાણ’ના બહિષ્કારનો સૂર સંભળાતા ભારતીય સેન્સર બોર્ડે પણ આ ફિલ્મ પાછી મોકલી છે અને ભગવા રંગની બિકીનીનું દૃશ્ય પડતું મૂકવા સહિત ગીતો તથા સમગ્ર ફિલ્મમાં અનેક પ્રકારે કાપકૂપ કરવા હાંકલ કરી છે.
ક્યારે થશે ફિલ્મ રિલીઝ
સેન્સર બોર્ડ દ્વારા વ્યાપક રીતે કાતરો ફરતાં ફિલ્મને રિએડિટ કરવામાં સમય લાગશે તો ફિલ્મ નિયત સમયે રજૂ નહીં થઈ શકે તેવી અટકળો સેવાતી હતી. જોકે, ટ્રેડ સૂત્રોના જણાવ્યા અનુસાર નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ ડેટ યથાવત રાખવાનું નક્કી કર્યું છે. આ ઉપરાંત આગામી સપ્તાહે ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરી દેવામાં આવશે. ઓવરસીઝમાં કેટલાક દેશમાં ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ શરુ થઈ ચૂક્યું હોવાથી હવે ફિલ્મને મુલત્વી રાખવાનું વ્યવહારુ નથી એમ સૂત્રોએ જણાવ્યું હતું.
સૌથી મોટું કારણ તો એ છે કે છેલ્લે 2018માં શાહરુખની ‘ઝીરો’ ફિલ્મ આવી હતી તે પછી છૂટાછવાયા કેમિયોને બાદ કરતાં તેની કોઈ ફિલ્મ આવી જ નથી. હવે પાંચ વર્ષના ગેપ પછી તેની ત્રણ-ત્રણ ફિલ્મ ‘પઠાણ’, ‘જવાન’ અને ‘ડંકી’ આ વર્ષે જ આવી રહી છે. આ તમામ ફિલ્મોની રિલીઝ વચ્ચે જરુરી ગેપ જળવાઈ રહે તે માટે પણ ‘પઠાણ’ રિલીઝ કરવામાં બહુ વિલંબ પોસાય તેમ નથી.
પદ્માવત
તમને જણાવી દઇએ કે અત્યાર સુધીમાં આ ફિલ્મોનો જબરો વિરોધ થયો હોવા છતાં બંપર કમાણી કરી ચૂકી છે. દીપિકા પાદુકોણની ‘પદ્માવત’ કેમ ભૂલી શકાય. આ ફિલ્મનો વિરોધ કરણી સેનાએ કર્યો હતો. કરણી સેનાએ ફિલ્મ નિર્માતાઓ પર આરોપ લગાવ્યો હતો કે, ઐતિહાસિક તથ્યો સાથે છેડછાડ કરી કહાનીને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે. આ વિવાદ છતાં ફિલ્મે બોક્સ ઓફિસ પર 585 કરોડ આસપાસ વેપાર કર્યો હતો.
બાજીરાવ મસ્તાની
દીપિકા પાદુકોણની ‘બાજીરાવ મસ્તાની’ આ યાદીમાં સામેલ છે. બાજીરાવ મસ્તાની પર ‘બાજીરાવ પેશવા’ના વંશજના ઇતિહાસ સાથે છેડછાડ કરવાનો આરોપ લગાવાયો હતો. આ સાથે આ ફિલ્મ પર મહારાજાની બંને પત્ની કાશીબાઇ અને મસ્તાનીનો કિરદાર ખોટી રીતે પેશ કરવાનો પણ આરોપ હતો. વિરોધના વંટોળ વચ્ચે આ ફિલ્મ વર્ષ 2015માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મે લગભગ 356 કરોડની કમાણી કરી હતી.
રામલીલા
સંજયલીલા ભણસાલીની ફિલ્મ ‘રામલીલા’ પણ વિવાદમાં સંપડાઇ હતી. આ ફિલ્મને લઇ આરોપ હતો કે, ફિલ્મનું નામ ‘રામલીલા’ રાખીને હિંદુઓની ભાવનાને ઠેસ પહોંચાડી છે. તેમ છતાં આ ફિલ્મે 200 કરોડનો વેપાર કરી લીધો હતો. આપને જણાવી દઇએ કે આ ફિલ્મનું બજેટ 88 કરોડ રુપિયા હતું.