PM Modi Mother Passes away: દિવંગત લતા મંગેશકર (Lata Mangeshkar) એ વર્ષ 2019માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા (PM Modi Mother) હીરાબા મોદી (Heeraba Modi) ને પત્ર લખ્યો હતો. ગુજરાત સરકારે (Gujarat Government) આ પત્રને આજે (30 ડિસેમ્બર)ના રોજ શેર કર્યો છે. 5 જૂન 2019માં લતા મંગેશકરે હીરાબાને પ્રધાનમંત્રીના રૂપમાં બીજી વાર નરેન્દ્ર મોદીએ શપથ લેતા અભિનંદન પાઠવવા માટે ખાસ ગુજરાતી ભાષામાં પત્ર લખ્યો હતો.
લતા મંગેશકરે પત્રમાં લખ્યું હતું કે, ભગવાન રામના આશિર્વાદથી તમારો પુત્ર અને મારા ભાઇ નરેન્દ્ર મોદી બીજી વાર પ્રધાનમંત્રી બનવા માટે તમને ખુબ ખુબ શુભેચ્છા. હું તમને અને નરેન્દ્રભાઇને સાદગીથી જીવન જીવવા માટે સલામ કરું છું. પ્રહલાદભાઇ, પંકજભાઇ તેમજ તમારા પૂરા પરિવારને શુભકામનાઓ અને હું ઇશ્વરને સ્વસ્થ અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરું છું.
લતા મંગેશકરે પત્રના અંતમાં લખ્યું હતું કે, હું ક્ષમા માગું છું જો મારાથી આ પત્ર લખવામાં કોઇ ભૂલ હોય તો. કારણ કે મેં પ્રથમવાર ગુજરાતી ભાષામાં પત્ર લખ્યો છે.
તમને જણાવી દઇએ કે, લતા મંગેશકરનું 6 ફેબ્રુઆરીના રોજ ન્યુમોનિયાની કારણે નિધન થયું હતું. ભારતીય સિનેમાના મહાન પ્લેબેક ગાયકોમાંના એક તરીકે, લતા મંગેશકરે 1942માં 13 વર્ષની વયે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને તેમણે વિવિધ ભારતીય ભાષાઓમાં 30,000 થી વધુ ગીતો ગાયા છે. સાત દાયકાથી વધુની તેમની કારકિર્દીમાં, તેણે ‘અજીબ દાસ્તાં હૈ યે’, ‘પ્યાર કિયા તો ડરના ક્યા’, ‘નીલા આસમાન સો ગયા’ અને ‘તેરે લિયે’ જેવા ઘણા યાદગાર ગીતોને પોતાનો અવાજ આપ્યો છે.

હીરાબાનું 100 વર્ષની જૈફ વયે નિધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની જૈફ વયે નિધન થયું છે. અમદાવાદમાં આવેલી યુએન મેહતા હોસ્પિટલમાં દાખલ હીરાબાનું શુક્રવારે 30 ડિસેમ્બરે 3.30 વાગ્યાની આસપાસ હોસ્પિટલના બિછાને નિધન થયું હતું. વડાપ્રધાન મોદીએ આ અંગે એક ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા છેલ્લા બે દિવસથી યુએન મેહતા હોસ્પિટલમાં દાખલ હતા. તેમની ખબર અંતર પૂછવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અમદાવાદ આવ્યા હતા અને આશરે દોઢ કલાક જેટલો સમય હોસ્પિટલમાં પસાર કર્યો હતો.