બોલિવૂડનો દબંગ સલમાન ખાન તેની આગામી ફિલ્મ ‘કિસી કા ભાઇ કિસી કી જાન’ને કારણે ખુબ ચર્ચામાં છે. સલમાન ખાને આ ફિલ્મનું બીજું ગીત ‘બિલ્લી બિલ્લી’નું એક મજેદાર ટીઝર ગઇકાલે (27 ફેબ્રુઆરી) સોમવારે રિલીઝ કર્યું હતું. આ ગીત સિંગર સુખબીરના કંઠે ગવાયું છે. નવાઇની વાત એ છે કે, ‘બિલ્લી બિલ્લી’ ગીતને ખુદ સલમાન ખાને શૂટ કર્યું છે.
સલમાન ખાને ટ્વિટર પર આ ગીતનું ટીઝર શેર કર્યું છે. જેમાં બે બિલાડીઓ છે. આ ગીતનું ટીઝર નથી, પરંતુ ટાઇટલ પ્રમાણે તેણે એક ફની વીડિયો શેર કર્યો છે. કેપ્શનમાં તેણે લખ્યું, “મારું નવું ગીત ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ 2જી માર્ચે રિલીઝ થઈ રહ્યું છે. આ ફિલ્મનું પહેલું ગીત ‘નૈયો લગદા’ છે, જેમાં સલમાન ખાન એક્ટ્રેસ પૂજા હેગડે સાથે જબરદસ્ત રોમાંસ કરી રહ્યો છે.
સલમાન ખાનની KKBKKJ ફિલ્મની ચાહકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મ ઈદના અવસર પર એટલે 21 એપ્રિલે રિલીઝ થશે. ઉલ્લેખનીય છે કે, લાંબા સમય બાદ સલમાન આ ફિલ્મથી મોટા પડદા પર પરત ધમાલ મચાવવા કમબેક કરી રહ્યો છે. સલમાન છેલ્લે વર્ષ 2019માં ‘દબંગ-3’માં જોવા મળ્યો હતો. આ પછી વર્ષ 2021માં તેની ફિલ્મ ‘રાધે’ જી 5 પર રિલીઝ થઈ હતી. જે કોરોના મહામારીને કારણે સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકી નથી, જેના પરિણામે ફિલ્મ વધુ ચાલી શકી નથી.
‘કિસી કી ભાઈ કિસી કી જાન’ વર્ષ 2014ની તમિલ ફિલ્મ ‘વીરમ’ની રીમેક છે. જે એક વ્યક્તિની કહાની પર આધારિત છે. જેને ચાર નાના ભાઇઓ છે. તેઓ દ્રઢપણ ઇચ્છે છે કે, મોટાભાઇના લગ્ન થઇ જાય. જેથી તે ઘર સંસાર માંડી શકે. આ ફિલ્મમાં સલમાનની સાથે વેંકટેશ, શહનાઝ ગિલ, રાઘવ જુયાલ અને સિદ્ધાર્થ નિગમ પણ છે. ફિલ્મનું શૂટિંગ આ મહિનાની શરૂઆતમાં પૂર્ણ થયું હતું.
આ ફિલ્મનું નિર્દેશન ફરહાદ સામજીએ કર્યું છે. જે અક્ષય કુમાર સ્ટારર ‘બચ્ચન પાંડે’ અને ‘હાઉસફુલ 4’ જેવી ફિલ્મો માટે જાણીતા છે. આ ફિલ્મનું નિર્માણ સલમાન ખાન ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું છે.