શાહરૂખ ખાનનો મોટો પુત્ર આર્યન ખાન હાલ ખુબ જ ચર્ચામાં છે. થોડા સમય પહેલા તેને પોતાની ઓનલાઇન ક્લોથિંગ બ્રાન્ડ લોન્ચ કરી હતી. ત્યારે હવે તે એક ફિલ્મ નિર્માતા અને દિગદર્શક તરીકે પોતાની કારકિર્દીનો પાયો જમાવવા માંગે છે. આર્યન પોતાના દિગ્દર્શનની શરૂઆત કરી રહ્યો છે. જેમાં શાહરૂખ ખાન અને રણવીર સિંહ કેમિયો કરતા જોવા મળશે તેવા સમાચાર સામે આવ્યાં છે.
જો કે રણવીર અને શાહરૂખની ભૂમિકાઓની માહિતી અંગે સંપૂર્ણપણે ગુપ્તતા જાળવવામાં આવી છે. પરંતુ તે આ વેબ સીરીઝનો હિસ્સો બનવા માટે સહમત થઇ ગયા છે. તેઓ આ વેબ સીરીઝમાં નાનકડી ભૂમિકામાં જોવા મળશે પરંતુ વેબ સીરીઝની વાર્તાને આગળ વધારવમાં મહત્વનો રોલ ભજવશે. શાહરૂખ અને રણવીર અલગ-અલગ એપિસોડમાં જોવા મળવાના છે.
આર્યન ખાન પોતાની શરૂઆત છ ભાગ વાળી ‘સ્ટારડમ’ નામની એક વેબ સીરીઝ કરી રહ્યો છે. જેમાં તે મનોરંજન ઇન્ડસ્ટ્રીના કલાકારોની વાતો દર્શાવશે. મુખ્યત્વે તેમાં સ્ટારડમના શમણાં જોઇ રહેલા મહત્વકાંક્ષી લોકોની વાતો હશે જે દર્શકોને તેમના નિયમિત જીવન અને સંબંધોને બનાવી રાખવામાં તેમનો સંઘર્ષ અને શોબિઝની દુનિયાની એક ઝલક દર્શાવામાં આવશે.
આ વેબ સીરીઝના કલાકારોની પસંદગી વિશેની ઘોષણા હજી સુધી કરવામાં આવી નથી. પરંતુ કહેવાય છે કે. બોલીવૂડની ઘણી હસ્તીઓ કેમિયોની ભૂમિકામાં જોવા મળવાની છે અને તેમના નામ ગુપ્ત રાખવામાં આવ્યા છે.