‘બિગ બોસ 13’ ફેમ શહેનાઝ ગિલ (Shehnaaz Gill)નો આજે એટલે કે 27 જાન્યુઆરીએ બર્થ ડે છે. બોલિવૂડ ‘દબંગ’ સલમાન ખાનએ શહેનાઝ ગિલને પંજાબની કેટરીના કૈફનું બિરૂદ આપ્યું છે. શહેનાઝ ગિલે પોતાનો બર્થ ડે (Shehnaaz Gill Birthday) નજીકના મિત્રો સાથે ઉજવ્યો હતો. શહેનાઝ ગિલે પોતાના બર્થ ડે સેલિબ્રેશનનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
વીડિયોમાં જોઈ શકો છો કે શહેનાઝ ગિલ માટે ત્રણ કેક લાવવામાં આવી છે. તેની આસપાસ ઊભેલા ફ્રેન્ડ્સ ‘હેપી બર્થ ડે’ની શુભેચ્છા પાઠવી રહ્યા છે. શહેનાઝ કેક કાપતાં પહેલા મીણબત્તી ઓલવે છે ત્યારે તેને વિશ માગવાનું કહેવામાં આવે છે. ત્યારે શહેનાઝ કહે છે કે, તે વિશ નથી માગતી. કેક કાપ્યા બાદ શહેનાઝનો નટખટ અંદાજ જોવા મળે છે. કેક ખવડાવવાના આડે તે તેના ભાઈના ચહેરા પર કેક લગાવી દે છે. જે બાદ બડેશા તેના ચહેરા પર કેક લગાવવા જાય છે.
ભાઈ-બહેન વચ્ચેની આ મસ્તી જોઈને ત્યાં હાજર સૌ હસી પડે છે. આ વીડિયો શેર કરતાં શહેનાઝે લખ્યું, “એક વર્ષ મોટી થઈ…મને જન્મદિવસની શુભેચ્છા.” વીડિયોમાં જોઈ શકો છો કે, શહેનાઝ ખૂબ ખુશ દેખાઈ રહી છે અને પોતાને જન્મદિવસની શુભેચ્છા આપી રહી છે.
શહેનાઝના ફેન્સ અડધી રાતથી ટ્વિટર પર #HBDShehnaazGill ટ્રેન્ડ કરી રહ્યા છે. શહેનાઝ ગિલે ફેન્સના આ પ્રેમ માટે તેમનો આભાર માન્યો છે. શહેનાઝ ગિલે ટ્વિટ કરતાં લખ્યું, “તમારા સૌનો પ્રેમ માટે આભાર. ફરી એકવાર મને નિઃશબ્દ કરનારી અને ભાવુક કરનારી ક્ષણ છે. માત્ર પ્રેમ.” કેટલાક ફેન અકાઉન્ટ પરથી વિડીયો શેર કરવામાં આવ્યા છે જેમાં પિંગલવાડા અને અમૃતસરમાં બાળકો શહેનાઝના ગીતો પર ડાન્સ કરી રહ્યા છે.
શહેનાઝ ગિલ થોડા દિવસ પહેલા જ તેણે પોતાની જાતને ગિફ્ટ કરેલી ડાયમંડ રિંગના કારણે ચર્ચામાં હતી. હાલ શહેનાઝ તેના ચેટ શો, પર્સનલ એન્ડોર્સમેન્ટ અને ફિલ્મો પર ધ્યાન આપી રહી છે.