સોનુ સૂદે બોલિવુડથી લઈને સાઉથ સુધી પોતાનું નામ કમાયું છે. સોનુ સૂદ ફક્ત ફિલ્મોમાં જ નહીં પરંતુ રિયલ લાઈફમાં પણ હીરો છે. કોરોના કાળમાં તેમણે ખૂબ જરૂરીયાતમંદોની મદદ કરી છે. લોકોને તેમના ઘરો સુધી પહોંચાડવાથી લઈને સારવાર કરવા, ઓક્સીજન પહોંચાડવા અને રાશન આપવા સુધીની દરેક વસ્તુઓમાં ખૂબ આગળ રહ્યા છે. જેની બાદ લોકોએ અભિનેતાને રિયલ હીરો માની લીધો. હજુ પણ સોનુ સૂદ લોકોની મદદ કરવા માટે આગળ આવી જાય છે. આમ લોકો સોનુ સુદને ‘મસીહા’ માનવા લાગ્યાં. સોનુ સૂદને ધન્યવાદ કહેવા માટે ચાહકો અલગ-અલગ રીતે પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે, પરંતુ હાલમાં જ એક પ્રશંસકે કંઈક એવું કર્યું જેણે રેકોર્ડ બનાવ્યો.
હિન્દી સિનેમાના સૌથી શક્તિશાળી અભિનેતા સોનુ સૂદનો ચાહક વર્ગ વિશાળ છે. જે પૈકી એક ફેન્સે અભિનેતા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરવા માટે અનોખો રસ્તો અપનાવ્યો છે. ફેન્સના કારનામાની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તમને જાણીને નવાઈ લાગશે કે તે વ્યક્તિએ 2500 કિલો ચોખાના દાણાથી જમીન પર સોનુ સૂદની મોટી તસવીર બનાવી છે. લોકો સોનુ સૂદ પ્રત્યેના તેના પ્રેમના ખૂબ વખાણ કરી રહ્યા છે.
મધ્યપ્રદેશના દેવાસમાં તુકોજી રાવ પવાર સ્ટેડિયમ ખાતે ચાહકો અને એક એનજીઓએ 1 એકરથી વધુ જમીન પર 2500 કિલો ચોખાનો ઉપયોગ કરીને સોનુ સૂદનુ પોટ્રેટ બનાવ્યું હતું. આ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતાં અભિનેતા સોનુ સૂદે કહ્યું, ‘મને દર વખતે જે પ્રેમ અને પ્રશંસા મળે છે તે અવાસ્તવિક છે. મને એ બાબત પસંદ છે કે કેવી રીતે ચાહકો અન્ય લોકોને મદદ કરવા માટે તેમની ક્ષમતા મુજબ કાર્ય કરી રહ્યા છે. આ જોઈને મારું દિલ ભરાઇ ગયું અને હું આનાથી વધુ આભારી અને કૃતજ્ઞ નહીં થઇ શકું’.
ફેન્સ દ્વારા બનાવેલા ચિત્રનો વીડિયો સોશિયલ મીડિયા પર બમણી ગતિએ વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, આ ચિત્ર એક એકર જમીન પર બનાવવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર, ચિત્ર માટે ઉપયોગમાં લેવાતા ચોખા ‘હેલ્પિંગ હેન્ડ્સ’ એનજીઓ દ્વારા એવા પરિવારોને દાનમાં આપવામાં આવશે. જેમને ખૂબ જ જરૂરિયાત છે અને જેમની પાસે મૂળભૂત સુવિધાઓનો અભાવ છે.
સોનુ સૂદના વર્કફ્રન્ટની વાત કરીએ તો અભિનેતા હાલમાં જેકલીન ફર્નાન્ડીઝ સાથે તેની આગામી ફિલ્મ ‘ફતેહ’નું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મમાં અભિનેતા બૉડી ડબલનો ઉપયોગ કર્યા વિના મૃત્યુમે માત આપતો સ્ટંટ કરતો જોવા મળશે. આ સાથે અભિનેતા’રોડીઝ’ની આગામી સિઝનમાં પણ જોવા મળશે.