તમિલ સ્ટાર અજિથ કુમારના પિતા (Ajith Kumar Father) પી સુબ્રમણ્યમનું આજે 24 માર્ચના રોજ શુક્રવારે સવારે 84 વર્ષની વયે નિધન થયું છે. પ્રાપ્ત વિગત અનુસાર સાઉથ સ્ટારના પિતાનું ઉંમર સંબંધિત બીમારીના કારણે નિધન થયું હોવાનું કારણ સામે આવ્યું છે. અભિનેતાના પિતાના અંતિમ સંસ્કાર આજે સવારે 10 વાગ્યે ચેન્નાઈના બેસંત નાગા સ્મશાન ગૃહમાં કરવામાં આવ્યા. ત્યારે પી સુબ્રમણ્યમ નિધનને પગલે સેલેબ્સ અને ફેન્સે સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો
આ સમયે ચાહકો ટ્વિટર પર અજીત અને તેના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. ઘણા સેલેબ્સે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. જેમાં અભિનેત્રી સાક્ષી અગ્રવાલે ટ્વિટ કરતા લખ્યું કે, “અજિત કુમાર સર અને પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના..! ભગવાન તેમને આ દુ:ખમાંથી બહાર આવવાની શક્તિ આપે.”
અજીત કુમારનો જન્મ 1લી મે 1971માં થયો હતો. અભિનેતાના બે ભાઈઓ છે, અનુપ કુમાર, એક રોકાણકાર, અને અનિલ કુમાર, IIT મદ્રાસના ગ્રેજ્યુએટ ટર્ન્ડ એંન્ટરપ્રેન્યોર હતા. અજિત કુમારના પિતા પી સુબ્રમણ્યમ પલક્કડ કેરળના મલયાલી હતા. તેમના લગ્ન કોલકાતાની સિંધી મોહિની સાથે થયા હતા.
એક્ટર અજીત કુમારના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, અભિનેતાની એક્શન-થ્રિલર ફિલ્મ ‘થુનિવુ’ હતી. આ ફિલ્મ પોંગલ 2023ના રોજ રિલીઝ થઈ હતી અને તેને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. આ સાથે અજિત કુમાર નિર્દેશક માગિઝ થિરુમેની સાથે તેની આગામી ફિલ્મ AK 62 શરૂ કરવાની રાહ જોઈ રહ્યા છે.