The Kerala Story Box Office Collection Day 5: સુદીપ્તો સેનની ફિલ્મ ધ કેરાલા સ્ટોરીનું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી દેશભરમાં તેનો પ્રચંડ વિરોધ થઇ રહ્યો છે. તમિલનાડુમાં આ ફિલ્મ નહીં બતાવવાનો મલ્ટીપ્લેક્સના માલિકોએ નિર્ણય લીધો છે. જો કે આ વિવાદો વચ્ચે પણ ફિલ્મ 5 મેના રોજ તમિલનાડુ સિવાયના સિનેમાઘરોમાં રિલીઝ થઇ અને ફિલ્મે ઓપનિંગ ડે પર શાનદાર પ્રદર્શન કરી કમાણીના મામલામાં ધ કાશ્મીર ફાઇલ્સ જેવી ફિલ્મને પાછળ છોડી દીધી હતી. આ સાથે કેરલા સ્ટોરી વર્ષ 2023ની પાંચમી સૌથી મોટી ઓપનિંગ સાથે ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ છે. જાણો ‘ધ કેરલા સ્ટોરી’એ પોતાની રિલીઝના પાચમાં દિવસે કેટલા કરોડનું કલેક્શન કર્યું.
‘ધ કેરલા સ્ટોરી’ને ચાહકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મની કમાણીમાં સતત તેજી જોવા મળી રહી છે. અદા શર્મા સ્ટારર ધ કેરાલા સ્ટોરીએ તેના શરૂઆતના દિવસે સારી શરૂઆત કરી હતી, ત્યારબાદ રવિવારે ફિલ્મની કમાણીમાં જબરદસ્ત ઉછાળો આવ્યો હતો. હવે ફિલ્મ રિલીઝના પાંચમાં દિવસના એટલે કે સોમવારના બોક્સ ઓફિસ કલેક્શનના પ્રારંભિક આંકડા સામે આવી ગયા છે. જેમાં ફિલ્મની કમાણી બે આંકડામાં જોવા મળી રહી છે.
મહત્વનું છે કે, પશ્ચિમ બંગાળમાં, મમતા બેનર્જીએ આ ફિલ્મ પર પ્રતિબંધની જાહેરાત કરી હતી, જેના પર ચાહકોની તીવ્ર પ્રતિક્રિયા પણ જોવા મળી હતી. પરંતુ આ બાબતોની ફિલ્મની કમાણી પર કોઈ અસર પડતી નથી. ભારે વિરોધ વચ્ચે પણ ફિલ્મ સારું પ્રદર્શન કરી રહી છે.
ઇન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના જણાવ્યા અનુસાર, કેરલા સ્ટોરીએ મંગળવારે રૂ. 11 કરોડની કમાણી કરી હતી. આ સાથે ફિલ્મનું કુલ કલેક્શન રૂ. 56.72 કરોડને પાર પહોંચી ગયું હતું. દેશના હિન્દી ભાષી ક્ષેત્રમાં તેનો કુલ કબજો 29.67% છે. ઉલ્લેખનીય છે કે, રિલીઝના પાંચમા દિવસે ફિલ્મનું કલેક્શન ચોથા દિવસની સરખામણીમાં થોડું વધારે છે. ધ કેરલા સ્ટોરીએ રૂ. 8.03 કરોડ સાથે થિયેટરમાં પ્રવેશ કર્યો હતો, ત્યારબાદ શનિવારે રૂ. 11.22 કરોડ, રવિવારે રૂ. 16.40 કરોડ અને સોમવારે રૂ. 10.07 કરોડનું ડબલ ડિજિટ કલેક્શન કર્યું હતું.
જો કે ધ કેરલા સ્ટોરી વિવેક અગ્નિહોત્રીની ધ કાશ્મીર ફાઇલસથી પાછળ છે. ધ કાશ્મીર ફાઇલ્સે રિલીઝના પહેલા મંગળવારે રૂપિયા 18 કરોડની કમાણી કરી હતી. ધ કેરાલા સ્ટોરીએ 50 કરોડનો આંકડો પાર કર્યા બાદ હવે તેની નજર 100 કરોડ તરફ છે. આ ફિલ્મ જે રીતે અઠવાડિયાના દિવસોમાં કમાણી કરી રહી છે, તે સ્પષ્ટ છે કે આ ફિલ્મ આ સપ્તાહના અંત સુધીમાં સરળતાથી 100 કરોડથી વધુની કમાણી કરી લેશે. તે સુદીપ્તો સેન દ્વારા નિર્દેશિત છે અને વિપુલ અમૃતલાલ શાહ દ્વારા નિર્મિત છે. આમાં અદા શર્મા લીડ રોલમાં છે અને આ ફિલ્મ એક એજન્ડા હેઠળ બની હોવાનું કહેવાય છે. જેના કારણે આ ફિલ્મને લઈને ઘણી જગ્યાએ હંગામો જોવા મળી રહ્યો છે.
નોંધનીય છે કે, અભિનેતા ટોવિનો થોમસે તાજેતરમાં ફિલ્મના આસપાસના વિવાદ વિશે ખાસ કરીને ટ્રેલરમાં કરવામાં આવેલા દાવાઓને બદલવાના નિર્ણય પર વાત કરી હતી. indianexpress.com દ્વારા તેઓએ કહ્યું કે, ‘શા માટે 32000 નો ઉલ્લેખ પ્રથમ સ્થાને કર્યો? આપણે બધા જાણીએ છીએ કે 32000 નકલી આંકડો છે, હવે તે બદલીને ત્રણ કરવામાં આવી છે. આનો અર્થ શું છે? હું કંઈ કહેવા માંગતો નથી પણ લોકો સમજશે. હું ઈચ્છું છું કે લોકો આંધળો વિશ્વાસ કરવાનું બંધ કરે’.