બોલિવૂડના ભાઇજાન સલમાન ખાન અને બાદશાહ શાહરૂખ ખાનના ચાહકો માટે ખુશખબર છે. બોલીવુડના આ સુપરસ્ટાર્સે ટાઈગર 3નું શૂટિંગ શરૂ કરી દીધું હોવાના સમાચાર સામે આવ્યાં છે. બંનેએ સ્પેશિયલ એક્શન સિક્વન્સનું શૂટિંગ કર્યું છે. આ શૂટિંગ 7 દિવસ સુધી ચાલશે અને સેટ પર આદિત્ય ચોપરાએ કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા છે. એટલું જ નહીં, સેટ પર સુરક્ષાનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર, ટાઈગર 3ના નિર્માતાઓએ કોઈ પણ પ્રકારના લીકથી બચવા માટે સેટ પર કડક સુરક્ષા ગોઠવી છે.
સૂત્ર તરફથી ખુલાસો કરવામાં આવ્યો છે કે, બંને આઈકોનિક સ્ટાર્સ ટાઈગર 3 માટે ઘણા મોટા એક્શન સીન કરવાના છે, જેમાં હવામાં સ્ટન્ટ કરવામાં આવશે. આદિત્ય ચોપરા પણ આ સિક્વન્સને હાઈ લેવલ સુધી લઈ જવા માટે પૂરો પ્રયાસ કરી રહ્યા છે. જે માટે તેણે સેટ બનાવવા માટે 35 કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા છે, જેનાથી આ સીનને ઘણી સારી રીતે સ્ક્રિન પર બતાવી શકાય. ટાઈગર ફ્રેન્ચાઈઝીની આ ત્રીજી ફિલ્મ મનીષ શર્મા ડિરેક્ટ કરી રહ્યો છે, જેમાં સલમાન ખાનની સાથે કેટરિના કૈફ લીડ રોલમાં જોવા મળશે. જ્યારે ઈમરાન હાશ્મી નેગેટિવ રોલમાં જોવા મળશે.
મળતી માહિતી અનુસાર, ટાઇગર 3 આ ફિલ્મ આ જ વર્ષે દિવાળી પર હિન્દી, તમિલ અને તેલુગૂ ભાષામાં રિલીઝ થશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2012માં આ ફ્રેન્ચાઈઝીની પહેલી ફિલ્મ એક થા ટાઈગર આવી હતી, જેને કબીર ખાને ડિરેક્ટ કરી હતી. તે વર્ષે આ ફિલ્મે સૌથી વધુ 334.39 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ત્યારે હવે 5 વર્ષ પછી વર્ષ 2017માં આ ફિલ્મની સિક્વલ ટાઈગર ઝિન્દા હે ફિલ્મ આવી હતી. તે પણ હિટ રહી હતી.
જોકે, આ ફિલ્મને અલી અબ્બાસ ઝફરે ડિરેક્ટ કરી હતી. આપને યાદ હશે કે, શાહરૂખ ખાનની આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ પઠાનમાં સલમાન ખાને કેમિયો રોલ કર્યો હતો, જેને જોયા પછી થિએટર્સમાં દર્શકોએ સિટીઓ વગાડી હતી. બંનેને સાથે જોઈને દર્શકોને અલગ જ મજા આવી હતી. આ રિએક્શન જોયા પછી સિદ્ધાર્થ આનંદે સ્પાઈ યુનિવર્સની વધુ એક ફિલ્મ ટાઈગર વર્સીઝ પઠાનની પણ જાહેરાત કરી દીધી હતી.