સત્ય ઘટનાથી પ્રેરિત ગુજરાતી ફિલ્મ ‘જીવ’નું ટ્રેલર લોંચ થઈ ગયું છે. આ ટ્રેલરમાં ફિલ્મની ભાવનાત્મકતા, માનવતા અને જીવજાત પ્રત્યેની કરુણાને સુંદર રીતે રજૂ કરે છે અને ફિલ્મ માટેની અપેક્ષાઓને વધુ ઉંચી કરે છે.
ટ્રેલરમાં ધર્મેન્દ્ર ગોહિલના ગાઢ અભિનયની ઝલક ખાસ ધ્યાન ખેંચે છે. તેમના સાથે સની પંચોલી, શ્રદ્ધા ડાંગર, યતીન કાર્યકર અને હેમાંગ શાહ પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં નજરે પડે છે. ટ્રેલરની શરૂઆતમાં એક હૃદયસ્પર્શી ડાયલોગ છે કે, “આ મૂંગા પ્રાણીઓનો શું વાંક? એટલો જ કે તેમનામાં જીવ છે પણ બોલવા માટે જીભ નથી ઉપાડી શકતા?…..”. એક માનવી અને મૂંગા પ્રાણી વચ્ચેનો નિઃસ્વાર્થ પ્રેમ આ ફિલ્મમાં જોવા મળશે.
ટ્રેલર અનુસાર કહાનીનું કેન્દ્રિય પાત્ર વેલજીભાઈ મહેતા છે જેઓ એક એવા મહાન વ્યક્તિ જેઓએ તેમનું સમગ્ર જીવન પ્રાણીઓની સેવા અને સંભાળ માટે સમર્પિત કર્યું હતું. ફિલ્મનું ટ્રેલર મનુષ્ય અને મૌન જીવજાત વચ્ચેના અદ્રશ્ય લાગણીના બંધનને સ્પર્શક રીતે દર્શાવે છે. વેલજીભાઇ એટલકે એક એવો ‘જીવ’ જે બીજા લાખો જીવોનો આધાર બન્યો. માણસાઈનો પરચો આપતી આ જીવ ફિલ્મ તમને ગર્વ કરાવશે.
આ પણ વાંચો: લાલો બોક્સ ઓફિસ કલેક્શન ડે 42। ઇતિહાસમાં સૌથી વધુ કમાણી કરનારી ગુજરાતી ફિલ્મ?
વિવાન ફિલ્મ્સ એલએલપી દ્વારા નિર્મિત અને જીગર કાપડીના નિર્દેશન હેઠળ બનેલી આ ફિલ્મ 12 ડિસેમ્બરે રાજ્યભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મના પ્રોડ્યુસર નીરવ મેહતા અને વિક્કી મેહતા છે.





