સોમવારે સાંજે સુરતમાં એક 15 વર્ષની છોકરીએ કથિત રીતે તેના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. તેણીના પરિવારના એક સભ્યએ આક્ષેપ કર્યો હતો કે તેણીની શાળાના સંચાલકોએ તેણીને શાળાની બાકી ફી અંગે કલાકો સુધી “તેને વર્ગખંડની બહાર ઉભા રાખીને” સજા કરી હતી. જોકે શાળા સંચાલકોએ આ દાવાને નકારી કાઢ્યો હતો.
બાળકીએ પગલું ભર્યું ત્યારે સગીરાના માતા-પિતામાંથી કોઈ ઘરે નહોતું. ગોડાદરા પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના ત્યારે સામે આવી જ્યારે મૃતકની માતા અને બહેન ઘરે પરત ફર્યા હતા. જે બાદ તેણીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં તબીબોએ તેણીને મૃત જાહેર કરી હતી.
ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા , તેના પિતાએ દાવો કર્યો હતો કે મૃતકને તેના વર્ગખંડની બહાર બે દિવસ સુધી ઉભી રાખવામાં આવી હતી કારણ કે તેની ફી “આર્થિક તંગીના કારણે” ચૂકવવામાં આવી ન હતી.
આ પણ વાંચો: ગુજરાત સરકાર ધોરણ 12 પાસ યુવાનોને આપે છે રૂ.20,000, જાણો કેવી રીતે અરજી કરશો
તેમણે કહ્યું. “મેં શાળાના સત્તાધીશોને ખાતરી આપી હતી કે હું (તેણી અને તેની બહેનની) 15 ફેબ્રુઆરી સુધી બાકી ફી ચૂકવીશ. મારી ખાતરી પછી પણ તેઓએ મારી પુત્રીને સજા કરી અને તેને બે દિવસ સુધી વર્ગખંડની બહાર ઊભી રાખી હતી. આના કારણે તેણીએ આત્મહત્યાનું આટલું ભયાનક પગલું ભર્યું હશે”.
આ ઘટના અંગે શાળાના ટ્રસ્ટીએ કહ્યું, “અમે એવા વિદ્યાર્થીઓને સજા કરતા નથી કે જેમણે ફી ચૂકવી નથી; તેના બદલે અમે વાલીઓને બોલાવીએ છીએ અને તેમને ફી વિશે જાણ કરીએ છીએ. અમે તેમના પર ફી ભરવા માટે દબાણ પણ કરતા ન હતા. જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે પાયાવિહોણા છે. અમે વિદ્યાર્થિનીને હેરાન કે સજા કરી નથી.”
આ મામલે હાલમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ગોડાદરા પોલીસ ઇન્સ્પેક્ટર એચએસ આચાર્યએ જણાવ્યું હતું કે, “અમે મૃતકના પિતાએ સ્કૂલ ફી અંગે કરેલા આક્ષેપોની દિશામાં તપાસ કરીશું. અમે અમારી ટીમો એ પણ તપાસવા મોકલીશું કે તેણીને વર્ગખંડની બહાર ઉભી રાખવામાં આવી હતી કે સજા કરવામાં આવી હતી. અમે શાળાના આચાર્ય, તેના વર્ગ શિક્ષક અને સાથી વિદ્યાર્થીઓના નિવેદનો પણ રેકોર્ડ કરીશું. હાલમાં તેના વિશે કંઈપણ કહેવું મુશ્કેલ છે.”





