Bhuj News: ભુજમાં એક 18 વર્ષની યુવતી બોરવેલમાં પડી જવાનો કિસ્સો સામે આવ્યો છે. ઘટના કંદેરાઈ ગામની જણાવવામાં આવી રહી છે, જ્યાં આ અકસ્માત થયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ યુવતી 500 ફૂટ ઊંડા બોરવેલમાં પડી છે. માહિતી મળ્યા બાદ તંત્ર દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. ભુજ ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી છે. એસડીએમ સહિત પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો છે. સાથે જ ગાંધીનગરથી NDRFની ટીમ આવી હોવાની માહિતી મળી રહી છે જે થોડા સમયમાં પહોંચી જશે.
બોરવેલમાંથી અવાજ આવ્યો અને ખબર પડી
પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માત સવારે 6 વાગ્યાની આસપાસ થયો હોવાનું કહેવાય છે. બોરવેલની અંદર પડી ગયેલી યુવતીની હાલત વિશે હજુ સુધી વધુ માહિતી ઉપલબ્ધ નથી. યુવતીની ઓળખ ઈન્દિરાબેન કાનજી મીના તરીકે થઈ છે. અધિકારીઓએ જણાવ્યું કે સવારે લગભગ 6 વાગ્યે પરિવારના સભ્યોએ નજીકના બોરવેલમાંથી અવાજ સાંભળ્યો હતો. આ પછી પરિવારના સભ્યો બોરવેલ પાસે પહોંચ્યા અને જોયું કે બોરવેલમાંથી જ અવાજ આવી રહ્યો હતો. લગભગ અડધો કલાક સુધી ‘બચાવો-બચાવો’નો અવાજ આવતો રહ્યો અને પછી અવાજ બંધ થઈ ગયો.
યુવતીને ઓક્સિજન સપોર્ટ આપવામાં આવી રહ્યો છે
પરિવારના સભ્યોએ આ અંગે પોલીસ અને પ્રશાસનને જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ વહીવટીતંત્ર, પોલીસ, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. યુવતીને બચાવવાનું કામ ચાલુ છે. બોરવેલની અંદર ઓક્સિજન સપોર્ટ આપવામાં આવી રહ્યો છે. કચ્છ પશ્ચિમ કચ્છના એસપી, એસડીએમ, ફાયર વિભાગ, આરોગ્ય વિભાગ આ તમામની ટીમ છે તે હાલ તે ઘટનાસ્થળે છે અને યુવતીને ઓક્સિજન મળે તે માટે કામગીરી ચાલુ કરી છે.
આ પણ વાંચો: પાટીદાર આંદોલનને લઈ કરશન પટેલના નિવેદન બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું, હાર્દિક પટેલનો વળતો પ્રહાર
બોરવેલમાં 490 ફૂટ નીચે યુવતી કેમેરામાં કેદ થઈ
યુવતીની હાલમાં શું સ્થિતિ છે તે જાણવા માટે બોરવેલમાં કેમેરા ઉતારવામાં આવ્યા હતા. રેસ્ક્યૂ ટીમને યુવતી બોરવેલમાં હોવાના પુરાવા મળ્યા છે. 490 ફૂટ ઊંડે યુવતી હોવાનું કેમેરામાં કેદ થયુ છે. યુવતી જીવિત છે કે નહી તે અંગે તપાસ ચાલુ છે.
તમને જણાવી દઈએ કે, કચ્છના તમામ મહત્ત્વના વિભાગો છે તેના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને તમામ પ્રકારની મદદ યુવતીને મળે તે માટેની સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કરી દેવામાં આવ્યું છે. ઘટનાની જાણ થતા જ કલેકટર અમિત અરોરા ઘટનાસ્થળે પહોંચ્યા છે. કલેકટરે સ્થિતિ અંગે માહિતી મેળવી છે અને યુવતીને બહાર નિકાળવાના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.