Indian fishermen released from Pakistan jail : પાકિસ્તાનની જેલોમાંથી ગયા ગુરુવારે મુક્ત કરાયેલા 198 માછીમારોની પ્રથમ બેચ ગુજરાતના વડોદરા રેલ્વે સ્ટેશને પહોંચી હતી અને રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલ અને સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) ના અન્ય સ્થાનિક નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું.
શુક્રવારે પંજાબના અમૃતસર નજીક વાઘા બોર્ડર પર માછીમારોને ભારતીય અધિકારીઓને સોંપવામાં આવ્યા હતા.
પંજાબના અમૃતસરથી સોમવારે સવારે 5 વાગ્યે માછીમારો અમૃતસર-કોચુવેલી એક્સપ્રેસ ટ્રેન દ્વારા વડોદરા પહોંચ્યા હતા. જ્યારે તેઓ તેમના માટે ખાસ બુક કરાયેલા ટ્રેનના બે કોચમાંથી ઉતર્યા ત્યારે માછીમારોને મંત્રી રાઘવજી પટેલ, સ્થાનિક ભાજપના ધારાસભ્ય કેયુર રોકડિયા, ભાજપના નેતા વિજય શાહ, વડોદરાના કલેક્ટર અતુલ ગોર અને મત્સ્યોદ્યોગ કમિશનર નીતિન સાંગવાન સહિત અન્યોએ હાર પહેરાવ્યો હતો.
“મૂળરૂપે ટ્રેન સોમવારે સવારે 1 વાગ્યે વડોદરા પહોંચવાની હતી. જોકે, તે ચાર કલાક મોડી ચાલી હતી અને સવારે 5 વાગ્યે વડોદરા પહોંચી હતી.
ગુજરાત સરકારના એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા ગુજરાતી માછીમારોની મુક્તિ માટે કેન્દ્ર સરકારના સતત સંપર્કમાં હતા.”
પાકિસ્તાન દ્વારા મુક્ત કરાયેલા 198 માછીમારોમાં 184 ગુજરાતના, પાંચ મહારાષ્ટ્રના, ચાર કેન્દ્રશાસિત પ્રદેશ દીવના, ત્રણ આંધ્રપ્રદેશના અને બે ઉત્તર પ્રદેશના છે. ગુજરાતના 184 માછીમારોમાંથી 152 ગીર સોમનાથ જિલ્લાના, 22 દેવભૂમિ દ્વારકા જિલ્લાના, પાંચ પોરંદરના અને એક-એક જામનગર, જૂનાગઢ, કચ્છ, વલસાડ અને નવસારીના છે, એમ સરકારી જાહેરનામામાં જણાવાયું છે.

મૂળરૂપે, 11 મેના રોજ પાકિસ્તાનના કરાચીની લેન્ડી જેલમાંથી 199 માછીમારો અને એક નાગરિક કેદીને મુક્ત કરવામાં આવનાર હતા. જો કે, નાગરિક કેદી અને ગુજરાતના માછીમારનું અનુક્રમે 6 મે અને 8 મેના રોજ મૃત્યુ થયું હતું.
લગભગ એક વર્ષમાં માછીમારોની આ પહેલી બેચ છે, જે પાકિસ્તાનમાંથી મુક્ત થઈને વતન પરત ફરી છે. પાકિસ્તાને ગયા વર્ષે જૂનમાં 20 માછીમારોના સમૂહને મુક્ત કર્યા હતા.
ફિશરીઝ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, વડોદરાથી માછીમારો વેરાવળ જતી ચાર બસમાં સવાર થયા હતા. ગુજરાતના મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ વેરીફીકેશન માટે બસો ગીર સોમનાથ જીલ્લાના કીડીવાવ ગામે ઉભી રહેશે. ત્યાંથી, બસો તેમને વેરાવળ શહેરમાં લઈ જશે, જ્યાં તેઓ પાકિસ્તાન દ્વારા બોટ કબજે કરવામાં આવી, ત્યારે તેઓ જે ફિશિંગ બોટ પર કામ કરતા હતા તેના માલિકોને સોંપવામાં આવશે. આખરે, તેઓ સોમવારે સાંજે તેમના પરિવારના સભ્યો સાથે ફરી મળશે.”
પાકિસ્તાને તેની જેલમાં બંધ 654 ભારતીય માછીમારોમાંથી 499ને મુક્ત કરવાનો નિર્ણય લીધો છે અને સોમવારે ગુજરાતમાં આવેલા 198 માછીમારોને મુક્ત કરવામાં આવનાર ત્રણ બેચમાંથી પ્રથમ છે. 100 માછીમારોની બીજી અને ત્રીજી બેચ અનુક્રમે 2 જૂન અને 3 જુલાઈના રોજ મુક્ત થવાની છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે અરબી સમુદ્રમાં નેશનલ ઇન્ટરનેશનલ મેરીટાઇમ બાઉન્ડ્રી લાઇન (IMBL)ના સંરેખણ પર મતભેદ છે. પાકિસ્તાન મેરીટાઇમ સિક્યોરિટી એજન્સી દર વર્ષે તેના પ્રાદેશિક જળસીમાના કથિત ઉલ્લંઘન બદલ કેટલાક સો ભારતીય માછીમારોની ધરપકડ કરે છે. બીજી તરફ, ભારતીય એજન્સીઓ દર વર્ષે IMBLની ભારતીય બાજુમાં કથિત રીતે ઘૂસવા બદલ કેટલાક ડઝન પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરે છે.

આ વર્ષે 1 જાન્યુઆરી સુધીમાં 654 ભારતીય માછીમારો અને 51 ભારતીય નાગરિકો પાકિસ્તાનની કસ્ટડીમાં હતા. એ જ રીતે 99 પાકિસ્તાની માછીમારો અને 339 પાકિસ્તાની નાગરિકો ભારતીય કસ્ટડીમાં હતા.
પાકિસ્તાન ઈન્ડિયા પીપલ્સ ફોરમ ફોર પીસ એન્ડ ડેમોક્રેસી (PIPFPD)ના પૂર્વ જનરલ સેક્રેટરી જતીન દેસાઈના જણાવ્યા અનુસાર, 654 માછીમારમાંથી 631 આ વર્ષે એપ્રિલ સુધી તેમની જેલની મુદત પૂરી કરી ચૂક્યા છે અને તેમની રાષ્ટ્રીયતા પણ ચકાસવામાં આવી છે. એ જ રીતે મોટા ભાગના પાકિસ્તાની માછીમારો પણ ભારતની જેલોમાં સમય પસાર કરી ચૂક્યા છે.
499 ભારતીય માછીમારોને મુક્ત કરવાના પાકિસ્તાનના નિર્ણય બાદ દેસાઈએ માંગ કરી હતી કે, ભારતે પણ તેની જેલમાં બંધ પાકિસ્તાની માછીમારોને મુક્ત કરીને જવાબી કાર્યવાહી કરવી જોઈએ.
આ પણ વાંચો – ગુજરાત : બોટાદના કૃષ્ણ સાગર તળાવમાં ડુબી જતા 5 સગીરોના કરુણ મોત
ભારતમાં દેસાઈ જેવા કાર્યકરો અને પાકિસ્તાનમાં તેમના સમકક્ષો લાંબા સમયથી પ્રાદેશિક જળસીમાનું ઉલ્લંઘન કરનારા માછીમારો માટે નો-અરેસ્ટ પોલિસીની માંગ કરી રહ્યા છે.