અમદાવાદ એરપોર્ટથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ભયાનક દુર્ઘટનાનુ શિકાર બન્યું છે. આ વિમાનમાં 242 મુસાફરો સવાર હતા. જે તમામના દુર્ઘટનામાં મોત નિપજ્યા છે. અમદાવાદથી લંડન જઈ રહેલા 787-8 ડ્રીમલાઈનર વિમાનમાં 217 મુસાફરો પુખ્તવયના અને 11 બાળકો તેમજ 2 નવજાત શિશુ સવાર હતા. જેમાંથી 169 ભારતીય, 53 બ્રિટિશરો, 1 કેનેડિયન અને 7 પોર્ટુગીઝ નાગરીકો સવાર હતા. ત્યાં જ ગુજરાતના આણંદ જિલ્લાના કૂલ 33 મુસાફરો પણ આ દુર્ઘટનામાં મોતને ભેટ્યા છે.
આણંદ જિલ્લા ભાજપ દ્વારા આ અંગે એક યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં અમદાવાદ-લંડન વિમાન દુર્ઘટનામાં મોતને ભેટેલા આણંદ જિલ્લાના યાત્રીઓની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં આણંદ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના મુસાફરોની યાદી આપવામાં આવી છે.
આ મામલે આણંદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સંજય પટેલે જણાવ્યું હતું કે, “આ દુ:ખની ઘડીમાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ મૃતકોના પરિવારજનો સાથે સંપર્કમાં છે અને તેઓને શક્ય હોય તેટલી મદદ પહોંચાડી રહ્યા છે. તેમજ સાંસદ સભ્ય અને ધારાસભ્ય સહિત સંગઠનના તમામ કાર્યકર્તાઓ અમદાવાદમાં પણ મૃતકોના સગાઓ સાથે સંપર્ક કરી રહ્યા છે. જિલ્લા સગંઠનના તમામ કાર્યકર્તાઓને સૂચના આપવામાં આવી છે કે, મૃતક યાત્રીઓના પરિવારજનો સાથે સંપર્ક કરી દુ:ખની આ ઘડીમાં શક્ય હોય તેટલી મદદ પહોંચાડવામાં આવે”.
તમને જણાવી દઈએ કે, આરોગ્ય અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ જણાવ્યા અનુસાર, અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ માટે તેમના સગાઓના D.N.A. સેમ્પલ લેવા અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા વ્યવસ્થા કરાઈ છે.
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના, મૃતકોની ઓળખ માટે DNA ટેસ્ટ થશે
આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્તોની સારવાર અમદાવાદના સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે. તમામ દર્દી સ્ટેબલ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કસોટી ભવનમાં DNA સેમ્પલ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મૃતકના નજીકના સગા (માતા-પિતા અથવા બાળકો) ડીએનએ સેમ્પલ આપી શકશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના કસોટી ભવનમાં આ DNA સેમ્પલ લેવાની વ્યવસ્થા કરાઈ છે. બી.જે. મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પર આ કસોટી ભવન આવેલું છે.