ડોક્ટરને ભગવાનનું બિરુદ આપવામાં આવ્યું છે અને એ એટલા માટે કે જ્યારે કોઈ વ્યક્તિ બિમારી સામે લાચાર બની જાય છે ત્યારે ડોક્ટર તેની સારવાર કરે છે અને તેને સ્વસ્થ બનાવે છે કેટલાક કિસ્સામાં તો ડોક્ટર મશીહા બનીને દર્દીનો જીવ પણ બચાવે છે. પરંતુ હવે કેટલાક કિસ્સાઓમાં દર્દીઓ જીવનભરની વેદનાનો પણ શિકાર બની જાય છે. ભૂતકાળમાં પણ રાજ્યમાં મોતિયાના ઓપરેશન બાદ અંધાપો આવ્યો હોય તેવા કિસ્સાઓ પ્રકાશમાં આવી ચુક્યા છે.
આવામાં અમદાવાદના એક ડોક્ટર અને ટ્રસ્ટ પર એક દર્દીએ મસમોટા આરોપો નાંખ્યો છે. આ દર્દીનું કહેવું છે કે તેની આંખના ઓપરેશન બાદ તેને આંખ ગુમાવવાનો વારો આવ્યો છે.
અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં રહેતા ફિરોઝખાન મહેબુબ ખાન બાગબાન ડ્રાઇવિંગ કરીને પોતાના ઘરની આજીવિકા પૂરી કરતા હતા પરંતુ થોડા મહિનાઓ પહેલા તેમને આંખમાં તકલિફ થતા તેઓ દાણીલીમડામાં આવેલ શિફા મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં સારવાર અર્થે ગયા હતા. જ્યાં તેઓ ગયા તો આંખ સાજી કરાવવા માટે પરંતુ આંખ ગુમાવીને આવ્યા હોય તેવું તેમનું કહેવું છે.
ઓપરેશન બાદ આંખની દ્રષ્ટિ ગુમાવી : ફિરોઝખાન
ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સાથેની વાતચીતમાં ફિરોઝખાન મહેબુબ ખાન બાગબાને જણાવ્યું કે, “મારી આંખમાં સામાન્ય દુખાવો થતા હું શિફા મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં આંખની સારવાર માટે ગયો હતો. જ્યાં મને ડો. ધવલ રાજપરા સાથે અપોઈમેન્ટ મળી હતી. જેમણે મને આંખમાં મોતિયો હોવાથી ઓપરેશન માટેની સલાહ આપી હતી. જે બાદ હું નક્કી કરેલી તારીખે ઓપરેશન માટે દાખલ થયો હતો. જોકે ડો. ધવલ રાજપરા દ્વારા મારૂં ઓપરેશન કરવામાં આવ્યું તેના બીજા જ દિવસે મારી આંખની દ્રષ્ટી ઓછી થઈ ગઈ હતી. જે બાદ તેમણે મને બીજી આંખનું ઓપરેશન કરાવવાની સલાહ આપી હતી અને એક મહિના બાદની નવી તારીખ આપી ઓપરેશન માટે બોલાવ્યો હતો. જોકે બીજા ઓપરેશન બાદ મારી આંખમાં વધુ દુખાવો થતા મેં તેમને આ અંગે રજૂઆત કરી હતી. પરંતુ મારી આંખની દ્રષ્ટિ તે સમય દરમિયાન જતી રહી હતી. જે બાદ ડો. ધવલ રાજપરા એ મને જુદી-જુદી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલ્યો હતો પરંતુ મારી આંખની દ્રષ્ટિ હંમેશા માટે જતી રહી હતી”.

નોકરી ગુમાવી પરિવાર વિખેરાયો
વધુમા ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સાથે વાતચીતમાં આંખની દ્રષ્ટી ગુમાવનારા ફિરોઝખાન મહેબુબ ખાન બાગબાને જણાવ્યું કે, “મારી આંખની દ્રષ્ટિ જતી રહેતા મેં દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં શિફા મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ અને ડો. ધવલ રાજપરા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવવા માટે અનેક વખત રજૂઆતો કરી હતી પરંતુ આજ દિન સુધી ફરિયાદ લેવાઈ નથી. આ અગે મેં CMO માં પણ અરજી કરી છે”. વધુમાં તેમણે કહ્યું કે, “મારી આંખોની દ્રષ્ટી જતી રહ્યા બાદ મારી પત્ની પણ મારી સાથે રહેતી નથી. તે મારા બંને બાળકોને લઈ અલગ રહે છે અને હું એકલો રહું છું.”
આ પણ વાંચો: ગુજરાતમાં બે વિધાનસભાની પેટા ચૂંટણી માટે ત્રિકોણિય જંગ, પંચાયતની ચૂંટણીને લઈ રાજનીતિમાં ગરમાવો
ડો. ધવલ રાજપરાએ શું કહ્યું?
આ અંગે ડો. ધવલ રાજપરાનો સંપર્ક કરતા તેમણે આ અંગે ઓફિશિયલ નિવેદન આપવાથી ઇન્કાર કર્યો હતો. તેમજ તેમણે જણાવ્યું હતું કે, આ ઘટના બાદ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શિફા મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલના આઈ કેર વિભાગને શીલ મારી દીધુ છે, જે બાદથી હું ત્યાં સેવા આપવા જતો નથી.
શિફા મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ સત્તાધિશોએ શું કહ્યું?
આ ઘટના અંગે ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતીએ જયારે શિફા મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલનો સંપર્ક કર્યો ત્યારે ત્યાંના રિસેપ્શન કાઉન્ટર પરથી જણાવવામાં આવ્યું કે, ફિરોઝખાન બાગબાન સાથે ઘટના બની તે બાદથી ડો. ધવલ રાજપરાએ આવવાનું બંધ કરી દીધુ છે હવે તેઓ પોતાનું પ્રાઇવેટ ક્લિનિક ચલાવી રહ્યા છે. ત્યાં જ શિફા મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં કામ કરતા સત્તારભાઈ કુરેશીએ ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ અંગે અમારી પાસે વધારે જાણકારી નથી, અમારા ટ્રસ્ટી અમેરિકા ગયા છે, તે આવશે ત્યારે સત્તાવાર નિવેદન આપશે.

સ્વાસ્થ્ય વિભાગે ઓપરેશન થિયેચટર સીલ કર્યું
આ મામલે જ્યારે અમે ગુજરાત સ્વાસ્થ્ય વિભાગનો સંપર્ક કર્યો તો તેમણે માહિતી આપી હતી કે, આ બનાવ ચાર મહિના અગાઉનો છે. આ હોસ્પિટલમાં ચાર જેટલા આવા મામલા સામે આવી ચુક્યા છે. એએમસી દ્વારા આ બનાવ ધ્યાને આવતા શિફા મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલનું ઓપરેશન થિયેટર સીલ મારી દેવામાં આવ્યું છે. જે આજ દિન સુધી ખોલવા માટે હોસ્પિટલ સત્તાધિશો દ્વારા જરૂરી ડોક્યમેન્ટ આપવામાં આવ્યા નથી.
પોલીસ ફરિયાદ નોંધતી નથી
આ ઘટના બાદ ફિરોઝખાન બાગબાને ડો. ધવલ રાજપરા અને શિફા મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલના ટ્રસ્ટીઓ વિરૂદ્ધ ઓપરેશનમાં બેદરકારીની ફરિયાદ કરવા માટે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા ત્યારે પોલીસે માત્ર વારંવાર પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા તેમણે સંતોષકારક જવાબ ના મળતા તેઓએ વકીલ મારફતે ફરિયાદ દાખલ કરવા અરજી આપી હતી. તે છતા દાણીલીમડા પોલીસ મહિનાઓથી તપાસના નામે તેઓને ધક્કા ખવરાવી રહ્યા છે. દાણીલીમડા પોલીસની કાર્યવાહી વિશે પૂંછતા ફિરોઝખાન બાગબાને જણાવ્યું હતું કે, હું છેલ્લા કેટલાક મહિનાઓથી પોલીસ પાસે જઈ રહ્યો છું પરંતુ કાર્યવાહીના નામે કોઈ જવાબ મળતો નથી.
આ ઘટના બાદ ફિરોઝભાઇ એ જણાવ્યું કે મારી આંખોની દ્રષ્ટિ ગઈ, જે બાદ મારો આખો પરિવાર વિખેરાઈ ગયો. મારી આંખનું ઓપરેશન કરનાર ડોક્ટર કે શિફા હોસ્પિટલ કોઈના વિરૂદ્ધ કોઈ કાર્યવાહી થઈ રહી નથી. મારી ફરિયાદ પણ કોંઈ નોંધી રહ્યું નથી. મારે ન્યાય જોઈએ છે પરંતુ ન્યાય મેળવવા માટે પણ મારે લાંબી લડાઈ લડવી પડશે તેવું મને લાગી રહ્યું છે.





