Rajkot Accident News: ગુજરાતમાં રફ્તારનો કહેર યથાવત છે, હોળીની મધ્ય રાત્રિએ વડોદરામાં ફુલ સ્પીડમાં એક યુવાને આઠ લોકોને હડફેટે લીધા હતા, જેમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું, આ ઘટનાની આખા દેશમાં ચર્ચા થઈ રહી છે ત્યારે રાજકોટમાં પણ આ પ્રકારનો અકસ્માત થયો છે. જ્યાં શહેરના મવડી મેન રોડ પર સ્પીડમાં આવી રહેલી કારે 3 લોકોને હડફેટે લીધા છે. આ અકસ્માતમાં એક 70 વર્ષીય વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. જ્યારે એક 12 વર્ષીય કિશોરીને માથામાં ગંભીર ઈજા પહોંચતા તેને હેમરેજ થયાનું તબીબોએ જણાવ્યું છે. ત્યાં જ આ અકસ્માતની જાણકારી મળતા જ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
સ્થળ પર હાજર લોકોએ પોલીસને જણાવ્યું કે કાર ખુબ જ સ્પીડમાં હતી અને ટક્કર થયા બાદ વૃદ્ધને લગભગ 200 મીટર સુધી ઘસડી ગઈ હતી. જેના કારણે તેઓનું મોત થયું. જોકે અકસ્માત સમયે સ્થળ પર હાજર લોકોએ આરોપી ઋત્વીજ પટોળિયાને પકડી પાડ્યો હતો અને ગાડીમાં સવાર તેના સાથીને પણ પકડી પાડ્યો હતો અને તેઓને પોલીસના હવાલે કર્યા હતા.
આ પણ વાંચો: બલુચિસ્તાન ચળવળનો સૌથી મોટો ચહેરો મહરંગ બલોચ કોણ છે? જેણે પાકિસ્તાનને ભણાવ્યો પાઠ
પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રત્યક્ષદર્શીઓએ જણઆવ્યું કે, અકસ્માત સમયે કાર ખુબ જ વધારે સ્પીડમાં હતી. આ સાથે કારચાલક યુવકે નશો કર્યો હોવાની ચર્ચા થઈ રહી હતી, જોકે આ ઘટના બાદ માલવિયાનગર પોલીસે કારચાલકની અટકાયત કરી લીધી હોવાનું સામે આવ્યું હતું. દરમિયાન પોલીસે આરોપી ડ્રાઇવર ઋત્વિજ રમેશભાઇ પટોળિયા અને તેની સાથેના ધ્રુવ ધર્મેશભાઈ કોટકને પોલીસ મથકે લાવી પૂછપરછ પણ કરી હતી.
કારમાં પાછળ 2 યુવતી બેઠી હોવાની ચર્ચા
અકસ્માતનો ભોગ બનનાર આયુષ ડોબરિયા અનુસાર, કારમાં પાછળની સીટ પર 2 યુવતી બેઠી હતી, પરંતુ તે બંને અકસ્માત બાદ ભાગી ગઈ હતી, પરંતુ કારમાં આગળ બેસેલા 2 યુવકને મેં પકડી લીધા હતા. કારચાલકે અંદાજે બેથી ત્રણ લોકોને અડફેટે લીધા હશે. કારચાલક નશાની હાલતમાં હોય એવું મને લાગી રહ્યું હતું.
તમને જણાવી દઈએ કે, આ પહેલા હોળીની રાત્રિએ વડોદરામાં એક હાઈસ્પીડ કારે 8 લોકોને ટક્કર મારી હતી જેમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું જ્યારે 7 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાનો વીડિયો આખા દેશમાં વાયરલ થયો હતો અને આરોપી વિરૂદ્ધ જન આક્રોષ જોવા મળ્યો હતો.