Ahmedabad Mehsana Highway Accident : અમદાવાદ મહેસાણા હાઈવે પર પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. છત્રાલથી નંદાસણ વચ્ચે હાઈવે પર રોડ ક્રોસ કરી રહેલા શ્રમિકોને કાર ચાલકે અડફેટે લેતા એક મહિલા અને બે પુરૂષનું ઘટના સ્થળે જ મોત થયા છે.
રોડ ક્રોસ કરતા કાર ચાલકે અડફેટે લીધા
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદથી મહેસાણા હાઈવે પર છત્રાલ અને નંદાસણ વચ્ચે બિલેશ્વર પુરા પાસે કાર ચાલકે રોડ ક્રેસ કરી રહેલા ત્રણ શ્રમિકોને અડફેટે લેતા ત્રણેના ઘટના સ્થળે જ મોત થયા છે. ઘટના મેઈન હાઈવે પર સર્જાતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા.
હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો
ઘટનાની જાણ પોલીસ અને 108ને કરવામાં આવતા કલોલ તાલુકા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી, અને મામલો હાથ પર લઈ ટ્રાફિક દુર કરી ત્રણે મૃતકોને પીએમ માટે કલોલ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.
કડિયા કામ માટે જઈ રહ્યા હતા અને અકસ્માતનો ભોગ બન્યા
કલોલ તાલુકા પોલીસના તપાસ અધિકારી પીએસઆઈ એસ.વી. મુંધવા (છત્રાલ) સાથે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, ત્રણે મૃતક કડી તાલુકાના મુંદેરડાના હતા, અને કડિયા કામની મજૂરી માટે જઈ રહ્યા હતા તે સમયે અમદાવાદ મહેસાણા હાઈવે પર છત્રાલ અને નંદાસણ વચ્ચે હોટલ પ્રેસ્ટિજ પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા તે, સમયે અમદાવાદ તરફથી આવી રહેલી સિફ્ટ કાર GJ01 RG 0131ની અડફેટે આવી ગયા હતા. હાલમાં ત્રણે મૃતકોને કલોલ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લાવવામાં આવ્યા છે. અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો – અમદાવાદ-મહેસાણા હાઇવે પર ગમખ્વાર અકસ્માતઃ કલોલ નજીક ખાનગી બસે પાછળથી ટક્કર મારતા ST બસે પાંચ મુસાફરોને કચડ્યા
મૃતકોના નામ
પોલીસ અનુસાર, મૃતકોમાં અમતબેન હરચંદજી ઠાકોર (45), કાળાજી મોહનજી ઠાકોર (45) , હરચંદજી બાવાજી ઠાકોર (54) રહે કડી તાલુકાના મુંદરડા ગામ.





