Ahmedabad Metro Train :અમદાવાદમાં મેટ્રોમાં મુસાફરી કરતા લોકો માટે સારા સમાચાર છે. મેટ્રોના સમયમાં ફેરફાર કરાશે. હવે મેટ્રો ટ્રેન સવારના 7થી રાતના 10 વાગ્યા સુધી દોડશે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડે (GMRCL) 30 જાન્યુઆરીથી અમદાવાદ મેટ્રોનો સમય અસ્થાયી ધોરણે ચાર કલાક વધારવાનો નિર્ણય લીધો છે. અત્યારે મેટ્રોનો સમય સવારે 9 થી રાતના 8 વાગ્યા સુધીનો છે. એટલે હવે સવારે અને રાત્રે 2-2 કલાકનો સમય વધારવામાં આવશે. મેટ્રોમાં ટિકિટનો દર અલગ અલગ સ્ટેશન માટે રૂપિયા 5થી 25ની વચ્ચે છે.
મેટ્રો ટ્રેનના સમયમાં વધારો કરવાથી લોકોને મોટી રાહત મળશે. અવારનવાર નાગરિકો દ્વારા મેટ્રો ટ્રેનના સમયને વધારવાની માંગણી કરવામાં આવી હતી. જેથી સમય મર્યાદા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે આ નિર્ણય વિદ્યાર્થીઓ અને ઓફિસ જનારાઓની સુવિધા માટે લેવામાં આવ્યો છે. હાલની માંગને જોતાં પૂર્વ-પશ્ચિમ કોરિડોરમાં દર 18 મિનિટે એક ટ્રિપ હોય છે જ્યારે ઉત્તર-દક્ષિણ કોરિડોરમાં દર 25 મિનિટે એક ટ્રિપ હોય છે. મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખી તેને 15 મિનિટ (પીક અવર્સમાં) કરી શકાય છે.
આ પણ વાંચો – ગુજરાત ઠંડુગાર, નલિયામાં બે ડિગ્રી, ઉત્તર ભારતમાં કાતિલ કોલ્ડવેવ
મેટ્રો ટ્રેન – પૂર્વ થી પશ્ચિમ રૂટ સ્ટેશન
થલતેજ
દૂરદર્શન કેન્દ્ર
ગુરૂકુલ રોડ
ગુજરાત યુનિવર્સિટી
કોમર્સ છ રસ્તા
એસ પીસ્ટેડિયમ
જૂની હાઇકોર્ટ
શાહપુર
ઘીકાંટા
કાલુપુર રેલવે સ્ટેશન
કાંકરિયા પૂર્વ
એપરેલ પાર્ક
અમરાઈવાડી
રબારી કોલોની
વસ્ત્રાલ
નિરાંત ક્રોસ રોડ
વસ્ત્રાલ ગામ
મેટ્રો ટ્રેન – ઉત્તરથી દક્ષિણ રૂટ સ્ટેશન
મેટ્રો સ્ટેડિયમ
સાબરમતી
એઈસી
સાબરમતી રેલવે સ્ટેશન
રાણીપ
વાડજ
વિજય નગર
ઉસ્માનપુરા
જૂની હાઈકોર્ટ
ગાંધીગ્રામ
પાલડી
શ્રેયસ
રાજીવ નગર
જીવરાજ પાર્ક
એપીએમસી
પીએમ નરેન્દ્ર મોદીના હાથે પ્રોજેક્ટનો પ્રારંભ થયો હતો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દ્વારા 30 સપ્ટેમ્બર 2022ના રોજ અમદાવાદ મેટ્રો ટ્રેનના ફેઝ-1 (Metro Train Phase 1) પ્રોજેક્ટનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. અમદાવાદમાં પૂર્વથી પશ્ચિમમાં 17 સ્ટેશન અને ઉત્તરથી દક્ષિણમાં 15 સ્ટેશનો એમ બે કોરિડોર પર કુલ 40 કિમી ટ્રેન દોડતી થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે, પૂર્વથી પશ્ચિમનો રૂટ 21 કિમીનો છે, તો ઉત્તરથી દક્ષિણનો રૂટ 19 કિમીનો છે.