Ahmedabad Plane Crash: અમદાવાદમાં જ્યારે એર ઇન્ડિયાનું વિમાન બીજે મેડિકલ કોલેજ સાથે અથડાયું ત્યારે ઘટનાસ્થળે આગના ગોળા સાથે ધુમાડાએ બધુ જ પોતાની બાનમાં લઈ લીધુ હતું. આસપાસ આગ સિવાય કંઈ દેખાતું નહોતું. પરંતુ તે સમયે 56 વર્ષીય બાંધકામ ઉદ્યોગપતિ રાજુ પટેલ કોઈ પણ ખચકાટ વિના ઘટનાસ્થળે પહોંચી ગયા. રાજુ પટેલ એક બાંધકામ ઉદ્યોગપતિ છે. તેઓ અકસ્માત સ્થળથી થોડી મિનિટો દૂર હતા. એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ના ક્રેશના સમાચાર મળતાં જ તેઓ તાત્કાલિક તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા. તેઓ માત્ર પાંચ મિનિટમાં ત્યાં પહોંચી ગયા.
રાજુ પટેલે અકસ્માત સ્થળે જે જોયું તે ખૂબ જ દુ:ખદ પહોંચાડનારૂં હતું. પટેલે ત્યાં ધુમાડાના વાદળ જોયા, ત્યાં આગની જ્વાળાઓ વધતી ગઈ. તેમનું કહેવું છે કે લોકો મદદ માટે ખૂબ જ ચીસો પાડી રહ્યા હતા. તે આગ અને વિનાશનું દ્રશ્ય હતું. તેમણે તે પીડાદાયક દ્રશ્યમાંથી ઘાયલોને બચાવવા માટે સખત મહેનત કરી અને તેમને હોસ્પિટલ પહોંચાડ્યા.
ઘાયલોને મદદ કર્યા પછી રાજુ પટેલે કાટમાળમાંથી સોનાના દાગીના, રોકડ અને મહત્વપૂર્ણ દસ્તાવેજો કાઢવાનું કામ કર્યું. આ સમય દરમિયાન રાજુને 70 તોલા સોનું અને 80,000 રૂપિયા રોકડા મળ્યા. આ બધી વસ્તુઓ તેમણે તપાસ અધિકારીઓને સોંપી.
તે ભયાનક દ્રશ્યને યાદ કરતાં 56 વર્ષીય રાજુ કહે છે કે શરૂઆતના 15 થી 20 મિનિટ સુધી અમે ભાગ્યે જ આગની નજીક પહોંચી શક્યા. આગ ખૂબ જ ભીષણ હતી. પરંતુ જ્યારે પહેલી ફાયર બ્રિગેડ આવી ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ આવી, ત્યારે અમે મદદ માટે આગળ આવ્યા.
આ પણ વાંચો: અમદાવાદ વિમાન દુર્ઘટના: 163 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા, 124 મૃતદેહ પરિવારજનોને સોંપાયા
રાજુ કહે છે કે શરૂઆતના તબક્કામાં સ્ટ્રેચરનો અભાવ હોવાથી તેઓએ ઘાયલોને એમ્બ્યુલન્સ સુધી લઈ જવા માટે સાડી અને ચાદરનો ઉપયોગ કર્યો. સાંજે 4 વાગ્યા સુધીમાં બચાવ કાર્ય લગભગ પૂર્ણ થઈ ગયું હતું. આ પછી પટેલ અને તેમની ટીમ અન્ય મહત્વપૂર્ણ કાર્યોમાં વ્યસ્ત થઈ ગઈ.
પટેલ અને તેમની ટીમના સભ્યોએ વિવિધ સ્થળોએ વેરવિખેર બળી ગયેલી બેગને છટણી કરવાનું શરૂ કર્યું. તેઓ કહે છે કે બંગડીઓ અને અન્ય દાગીના ઉપરાંત, અમને બોક્સમાં 70 તોલા સોનાના દાગીના મળ્યા. બેગમાંથી અમને 80,000 રૂપિયા રોકડા, ભગવદ ગીતાની નકલ અને પાસપોર્ટ પણ મળ્યા. તેમણે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું, અમે આ બધું એકઠું કર્યું અને અધિકારીઓને સોંપ્યું,
અધિકારીઓએ રાજુને તે સાંજે 9 વાગ્યા સુધી સ્થળ પર કામ ચાલુ રાખવાની મંજૂરી આપી. ઉદ્યોગપતિએ કહ્યું,”હું આભારી છું કે અમે કંઈક કરી શક્યા”.
રવિવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે પીડિતોનો સામાન એકત્રિત કરવામાં આવી રહ્યો છે, દસ્તાવેજીકરણ કરવામાં આવી રહ્યું છે અને અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારોને પરત કરવામાં આવશે.
પટેલ જેમણે અગાઉ 2008 ના અમદાવાદ શ્રેણીબદ્ધ વિસ્ફોટો દરમિયાન સ્વયંસેવા આપી હતી તેમણે કહ્યું કે તે મેં જોયેલી સૌથી વિનાશક કટોકટી હતી. “હું સિવિલ હોસ્પિટલથી માત્ર 100 મીટર દૂર હતો ત્યારે બોમ્બ વિસ્ફોટ થયો, જેમાં ઘણા લોકો માર્યા ગયા. જોકે, અકસ્માતને કારણે થયેલી વિનાશ, આગ, નુકસાન એવી વસ્તુ છે જે હું ક્યારેય ભૂલીશ નહીં”.





