અમદાવાદ શહેરમાં રોડ-રસ્તાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. ત્યાં જ શહેરમાં ઘણી જગ્યાએ બ્રિજનું નિર્માણ પણ ચાલી રહ્યું છે. જેના કારણે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકરોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવામાં અમદાવાદ શહેરમાં સારંગપુર બ્રિજને તોડી તે જગ્યા ઉપર નવો બ્રિજ બનાવવાની કામગીરી દિનેશચંદ્ર આર.અગ્રવાલ કંપની દ્વારા કરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન સારંગપુર બ્રીજના બન્ને છેડા વાહન વ્યવહાર માટે બંધ કરી વાહન વ્યવહાર માટે ડાયવર્ઝન કરવામાં આવ્યા છે.
અમદાવાદ પોલીસ દ્વારા આ અંગે એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. જે અનુસાર 2 જાન્યુઆરી 2025થી સારંગપુર બ્રિજને તોડીને નવો બનાવવો હોય દોઢ વર્ષ માટે એટલે કે 30 જૂન 2026 સુધી સારંગપુર બ્રિજ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સારંગપુર બ્રિજ બંધ થતાં અનુપમ બ્રિજ અને કાલુપુર બ્રિજ પર વાહનોનો ધસારો વધી જશે. આશરે 200 મીટર જેટલી લંબાઈ વાળો સારંગપુર બ્રિજ બન્ને છેડાથી વાહન વ્યવહારની અવર-જવર માટે બંધ રહેશે.
વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત માર્ગની વિગત
- ગીતા મંદીર, ગાંધી રોડ, ખાડીયા તથા શહેર તરફથી આવતો ટ્રાફિક કાગડાપીઠ પોલીસ સ્ટેશન થઇ વાણિજ્ય ભવન થઇ અનુપમ/અંબિકા બ્રીજ થઇ એપરલ પાર્ક થઇ અનુપમ સિનેમા થઈ જરૂરીયાત મુજબ અલગ અલગ મુખ્ય માર્ગનો ઉપયોગ કરી શકાશે.
- ગીતા મંદીર તથા શહેર તરફથી આવતો ટ્રાફિક જે કાલુપુર સર્કલ જવા માટે સારંગપુર સર્કલ થઇ રેલ્વે સ્ટેશન સામેનો એક તરફનો માર્ગ ચાલુ છે તેનો ઉપયોગ કરી મોતી મહેલ હોટલ થઇ કાલુપુર સર્કલ તથા અન્ય અલગ અલગ માર્ગો તરફ જઇ શકાશે.
- રખિયાલ ઓઢવ તરફથી સારંગપુર બ્રીજ તરફ આવતો ટ્રાફિક રખિયાલ ચાર રસ્તાથી ન્યુ કોટન ચાર રસ્તા થઇ અનુપમ સિનેમા થઈ અનુપમ/અંબિકા બ્રીજ થઇ કાંકરીયા ગીતામંદીર થઇ શહેર તરફના અલગ અલગ મુખ્ય માર્ગો તરફ જઇ શકશે.
- રખિયાલ ઓઢવ તરફથી આવતો ટ્રાફિક કે જેઓને કાલુપુર સર્કલ કે કાલુપુર બ્રીજ તરફ જવા માટે કામદાર મેદાન ચાર રસ્તા થઇ ચારતોડા કબ્રસ્તાન થઇ સરસપુર ગુરુદ્વારા થઈ કાલુપુર બ્રીજ થઇ શહેરના અલગ અલગ મુખ્ય માર્ગો તરફ જઇ શકશે.