આખરે જે ક્ષણની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે ઘડીને સત્તાવાર મહોર લાગી ગઈ છે. અમદાવાદ હવે વર્ષ-2030 માં આયોજિત થનારા કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરશે. આ અંગેની જાહેરાત આજરોજ ગ્લાસગ્લો, સ્કોટલેંડ ખાતે આયોજિત ‘કોમનવેલ્થ સ્પોર્ટ્સ જનરલ એસેમ્બલી’ની બેઠકના અંતે કરવામાં આવી છે. આ ક્ષણ સમગ્ર દેશ અને ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે.
આ ક્ષણને વધાવી લેતા કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે દેશના સૌ નાગરિકોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આ મોદીજીના સતત પ્રયાસોને આભારી છે. રમતગમતને લગતી સબળ માળખાકીય સુવિધાઓ અને ખેલાડીઓ ઉભા કરીને તેને આંતરરાષ્ટ્રીય કક્ષા સમકક્ષ મુકવાના લીધે જ આ બહુમાન ભારત અને ખાસ કરીને અમદાવાદને પ્રાપ્ત થયું છે.
‘અમદાવાદ, ગુજરાત અને ભારત માટે આ અપ્રતિમ ગૌરવની ક્ષણ છે’ તેમ જણાવી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહના સતત પ્રયાસોને વખાણતા ઉમેર્યું હતું કે, ગુજરાત હવે દેશના સપોર્ટસ કેપિટલ તરીકે ઉભરશે. એટલું જ નહીં, વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની સંકલ્પનાને વધુ મજબુત કરશે.
આ પ્રસંગે કેન્દ્રિય રમતગત અને યુવા બાબતોના મંત્રી ડૉ.મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, ‘અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ-2030 એ ભારતની વિકાસયાત્રાનો તથા રમતગમતને રાષ્ટ્રીય વિકાસના સાધન તરીકે અપનાવવાની પ્રતિબદ્ધતાનો ઉત્સવ બની રહેશે. આ સીમાચિહ્ન ‘વિકસિત ભારત@2047’ના આપણા વિઝનને મજબૂત બનાવશે અને પ્રભાવશાળી, સમાવેશી તથા ટકાઉ રમતગમત કાર્યક્રમોનું આયોજન કરવામાં ભારતની વૈશ્વિક નેતૃત્વક્ષમતાને વધુ સુદૃઢ કરશે.”

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉત્સાહભેર જણાવ્યું હતું કે, “આ ક્ષણ ગુજરાત તથા ભારત માટે અત્યંત ગૌરવપ્રદ ક્ષણ છે. સો વર્ષ પૂર્ણ થતી કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવું એ અમારા માટે સન્માન અને જવાબદારી બંને છે. અમદાવાદ અને ભારતની પ્રગતિ, સમાવેશી વિચારસરણી તથા આતિથ્યની ઝલક દર્શાવતા આ ઉત્સવ સાથે વિશ્વનું સ્વાગત કરવા અમે સંપૂર્ણપણે તૈયાર છીએ. આ રમતો આપણી માળખાકીય સુવિધાઓ અને પ્રતિભાનું પ્રદર્શન જ નહીં, પરંતુ એકતા, ટકાઉ વિકાસ તથા શ્રેષ્ઠતા જેવા આપણા મૂલ્યોનું પણ પ્રતિબિંબ પાડશે”
આ પણ વાંચો: કોમનવેલ્થ ગેમ્સ 2030 અમદાવાદમાં રમાશે, થઇ સત્તાવાર જાહેરાત
આ તકે કોમનવેલ્થ ગેમ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ ડૉ. પી. ટી. ઉષાએ જણાવ્યું હતું કે, “કોમનવેલ્થ સ્પોર્ટ દ્વારા અમારા પર જે વિશ્વાસ મુકવામાં આવ્યો છે તેનાથી અમે ખૂબ જ ગૌરવાન્વિત છીએ. વર્ષ-૨૦૩૦ની રમતો માત્ર કોમનવેલ્થ ચળવળના સો વર્ષની ઉજવણી જ નહીં, પરંતુ આવનારી સદીનો પાયો પણ નાખશે. આ રમતો કોમનવેલ્થના તમામ દેશોના ખેલાડીઓ, સમુદાયો અને સંસ્કૃતિઓને મિત્રતા તથા પ્રગતિની ભાવના સાથે એકસૂત્રે બાંધશે”
અમદાવાદનો ગેમ્સ પ્લાન સંક્ષિપ્તમાં
એશિયાના સૌથી મોટા મલ્ટી-સ્પોર્ટ વિકાસ પ્રકલ્પોમાનું એક – સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ – ગેમ્સના મુખ્ય કેન્દ્ર તરીકે કાર્ય કરશે. કરાઈ સ્થિત ગુજરાત પોલીસ એકેડેમી અને નારણપુરા ખાતેનું વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવા અત્યાધુનિક સપોર્ટસ સંકુલો આ વ્યવસ્થામા સહાયકની ભૂમિકા ભજવી મજબૂતાઈ પૂરી પાડશે. આ સ્પોર્ટ્સ સંકુલોની આસપાસમાં પરિવહનના સંકલિત નેટવર્ક્સ, રહેણાંકની અદ્યતન સુવિધાઓ, ડીજીટલ માળખું વર્ષ-૨૦૨૩ પૂર્વેની અમદાવાદની સજ્જતાને સિદ્ધ કરે છે. આ રમતોત્સવ સાથે પેરા-સ્પોર્ટ્સને પણ આવરી લેવામાં આવશે તથા સૌની સુગમતા સુનિશ્ચિત કરવાની સાથે નવીનીકરણીય ઊર્જા-આધારિત સ્થળો, ઓછા ઉત્સર્જનવાળા પરિવહન સંસાધનો અને શૂન્ય-કચરાનાં સંચાલન દ્વારા ટકાઉપણામાં નવા ધોરણો પ્રસ્થાપિત કરવામાં આવશે.
વર્ષ-2030 ના કોમનવેલ્થ ગેમ્સની યજમાની ‘વિકસિત ભારત–2047’ અને ‘વિકસિત ગુજરાત’ની સંકલ્પનાઓને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે. આ ગેમ્સના આયોજનથી ગુજરાત ઝડપભેર દેશના ‘સ્પોર્ટીંગ કેપિટલ’માં રૂપાંતરિત થશે, જેના લીધે શહેરી વિકાસ અને નવીનીકરણને પ્રોત્સાહન મળવાની સાથે રાજ્યમાં રોજગારીનું સર્જન થશે, પર્યટનમાં નોંધપાત્ર વૃદ્ધિ થવાથી નાગરિકોની જીવનશૈલીમાં પણ આમૂલ પરિવર્તન આવશે.





