આણંદ જિલ્લામાં મહિસાગર નદી પરના ગંભીરા પુલ પર લટકતા 12 ટન વજનના કેમિકલ ટેન્કરને દૂર કરવાની કામગીરી હવે તેના અંતિમ તબક્કામાં છે. આ સમગ્ર પ્રક્રિયા શનિવાર સુધીમાં પૂર્ણ થવાની સંભાવના હતી પરંતુ આજે સોમવારે સાંજે આ કેમિકલ ભરેલું ટેન્કર બ્રિજ પર નીકાળવામાં આવ્યું છે. આ ખતરનાક પરિસ્થિતિનો સામનો કરવા માટે અત્યંત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો. ટેન્કરને પુલના સ્તર પર લાવવા માટે એર લિફ્ટિંગ રોલર બેગ અને સ્ટ્રેન જેક જેવી તકનીકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રોલર બેગને ટેન્કરની નીચે ફીટ કરવામાં આવી હતી, જેથી તેને ધીમે-ધીમે પુલના સ્તર સુધી ઉંચકવામાં આવ્યું, અને પછી 900 મીટર લાંબા કેબલ દ્વારા પુલની ધાર પર ખેંચવામાં આવ્યું.
લગભગ 50 નિષ્ણાતો અને ટેકનિકલ સ્ટાફની ટીમ આ કામગીરીમાં સતત રોકાયેલી છે. સુરક્ષા અને પારદર્શિતા હેઠળ, સમગ્ર પ્રક્રિયાનું ચાર ડ્રોન કેમેરા દ્વારા રેકોર્ડિંગ કરવામાં આવી રહ્યું છે. કામગીરી દરમિયાન કોઈ પણ વ્યક્તિને પુલ પર હાજર રહેવા દેવામાં આવ્યા નથી, જેથી કોઈપણ પ્રકારની અકસ્માત થવાની શક્યતા ન રહે.

ખાસ વાત એ છે કે આ સમગ્ર કામગીરીમાં વિદેશી ઇજનેરોની કોઈ મદદ લેવામાં આવી નથી, બધું કામ સ્વદેશી ટેકનોલોજી અને ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: અમેરિકામાં ભારતીય પરિવારના ઘરે હવન થઈ રહ્યો હતો, પાડોશીઓએ ફાયર બ્રિગેડને કોલ કરી દીધો
મહિસાગર નદી પર બનેલો ગંભીરા પુલ જે વડોદરા અને આણંદ જિલ્લાઓને જોડતો હતો અને 1985 માં બનાવવામાં આવ્યો હતો. 9 જુલાઈના રોજ તે અચાનક તૂટી પડ્યો હતો, જેમાં 20 લોકો માર્યા ગયા અને ઘણા ઘાયલ થયા હકા. પીટીઆઈ અનુસાર, વડોદરાના ડીએમ અનિલ ધામેલિયાએ 11 જુલાઈના રોજ માહિતી આપી હતી કે, “પહેલા દિવસે અમે 12 મૃતદેહો અને બીજા દિવસે છ મૃતદેહો બહાર કાઢ્યા, કમનસીબે એક પીડિતનું હોસ્પિટલમાં મૃત્યુ થયું જ્યારે બીજો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો.” ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે (10 જુલાઈ) કાર્યવાહી કરી અને રાજ્યના માર્ગ અને મકાન વિભાગના ચાર ઇજનેરોને સસ્પેન્ડ કર્યા હતા.





