Vav Assembly By Election 2024: ભારતીય ચૂંટણી આયોગે મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભાની ચૂંટણી સાથે ગુજરાત વિધાનસભાની વાવ બેઠક પર પેટા ચૂંટણી માટે 13 નવેમ્બરે મતદાન અને 23 નવેમ્બરે મતગણતરીની જાહેરાત કરી છે. વાવ વિધાનસભા બેઠક કોંગ્રેસના ગેનીબેન ઠાકોર 2022 માં જીતી હતી. જોકે બાદમાં 2024ની લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને બનાસકાંઠા બેઠક પર લડાવ્યા હતા, જ્યાંથી ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય પણ થયો અને જેથી તેમણે વાવ બેઠક પરથી રાજીનામું આપ્યું હતું. જેની હવે વાવ બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપે વાવ બેઠકમાં મેદાન મારવા માટેની રણનીતિ ઘડી છે. ત્યાં જ કોંગ્રેસ પણ આ બેઠક પર વર્ચસ્વ જાળવી રાખવા માટેનો પ્લાન તૈયાર કરી રહી છે.
ભારતીય ચૂંટણી આયોગે 18 ઓક્ટોબરે વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત કરી
- નોમિનેશનની શરૂઆત: 18 ઓક્ટોબર
 - નોમિનેશનની છેલ્લી તારીખ: 25 ઓક્ટોબર
 - ઉમેદવારી પત્રોની ચકાસણીઃ 28 ઓક્ટોબર
 - નામાંકન પરત ખેંચવાની તારીખ: 30 ઓક્ટોબર
 - મતદાન તારીખ: 13 નવેમ્બર
 - મતગણતરી તારીખ: 23 નવેમ્બર
 
વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીને લઈ હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વાવ બેઠકને લઈ રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. બનાસકાંઠા જિલ્લાની વાવ બેઠકની વાત કરીએ તો વિધાનસભા ચૂંટણીમાં ભાજપના કમળ કરતાં કોંગ્રેસનો પંજો ભારે હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે આ બેઠક છેલ્લી બે ટર્મથી બનાસની બહેન ગેનીબેન ઠાકોર જીતતા આવ્યા છે અને હવે તેઓ બનાસકાંઠા બેઠકથી સાંસદ બન્યા છે. ત્યારે ગેનીબેન ઠાકોર પોતે પણ આ બેઠક પર પોતાના જ કોઈ ઉમેદવારને જીતાડવાનો તખ્તો તૈયાર કરી રહ્યા છે. જોકે આ બેઠક પર જીતના સિકંદરની વાત કરીએ તો અહીંના ઠાકોર અને ચૌધરી સમાજ કિંગ મેકરની ભૂમિકામાં છે. આ બે મોટા સમાજ જે તરફી ઝુકે ત્યાં જીતનો જશ્ન જામે છે. ત્યારે ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા લોકસભા બેઠક પરથી જીત મેળવતા હાલમાં તો કોંગ્રેસ પાર્ટી મજબૂત સ્થિતિમાં હોય તેમ લાગી રહ્યું છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 : NCP અજિત પવાર ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર
વાવ વિધાનસભા બેઠક પર કેટલા મતદાર
- વાવ બેઠકમાં વાવ તાલુકો, ભાભર તાલુકો, સાંતલપુર તાલુકો (પાટણના કેસરગઢ) અને સુઈગામ તાલુકાનો સમાવેશ થાય છે.
 - 2024ના આંકડા પ્રમાણે આ વિધાનસભા બેઠકમાં અંદાજીત કુલ 3 લાખ 10 હજાર મતદાર છે.
 - જેમાં 1.61 લાખ પુરુષ મતદાર છે. જયારે 1.49 લાખ મહિલા મતદાર તેમજ 321 પોલિંગ બુથ છે.
 
ઠાકોર અને ચૌધરી સમાજનું પ્રભુત્વ
તમને જણાવી દઈએ કે, વાવ વિધાનસભા બેઠક પર ઠાકોર અને ચૌધરી મતદારોનું પ્રભુત્વ છે. જેમાં ચૌધરી સમાજ મોટા ભાગે ભાજપ તરફી જ્યારે ઠાકોર વોટ બેંક પર કોંગ્રેસની મજબૂત પકડ છે. આ બે મોટા સમાજ જે બાજુ ઢળે એ બાજુ જીતનું પલડું નમી જાય છે. જોકે અહીં એક અનોખી વાત એ પણ જોવા મળી રહી છે કે, લોકસભા અને વિધાનસભામાં પરિણામ એકબીજાથી વિપરીત હોય છે. જોકે આ બેઠક પર છેલ્લી બે ટર્મથી ગેનીબેન ઠાકોર જીતતા આવ્યા છે અને તેમને બનાસકાંઠામાં બનાસની બહેનના ઉપનામથી મતદારો સંબોધે છે. ત્યાં જ જો આ બેઠક પર કોંગ્રેસ ઠાકોર આગેવાનને ટિકિટ આપે છે અને ભાજપ પણ ઠાકોર આગેવાનને ટિકિટ આપે છે તો કોંગ્રેસના વોટ કપાઈ શકે છે પરંત જો ભાજપ ચૌધરી અને કોંગ્રેસ ઠાકોર ઉમેદવાર ઉભા રાખે છે તો આ પેટાચૂંટણીમાં પણ ખરાખરીનો જંગ જામી જશે. જોકે ગેનીબેન ઠાકોરની દારૂની હાટડીઓ પર યુવાઓ સાથે કરેલી જનતા રેડ અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણી સતત ઉત્તર ગુજરાતમાં દલિતો માટે લડાઈ લડી રહ્યા છે જેનો ફાયદો પણ કોંગ્રેસને થઈ શકે છે. ગેનીબેન ઠાકોર દ્વારા સતત બનાસકાંઠાના ગામડાઓમાં સત્કાર સમારંભ અને શુભેચ્છા મુલાકાતો કરી છે. જેના કારણે હાલમાં ગેનીબેન ઠાકોરની ભૂમિકા વાવ બેઠક પર ખુબ જ મહત્ત્વની સાબિત થશે.
વાવ બેઠક પર કોંગ્રેસનો દેખાવ
વાવ બેઠક પર વર્ષ 1967થી 2022 સુધી કુલ 13 ચૂંટણો યોજાઈ ચુકી છે અને આ 12 ચૂંટણીમાંથી 8 વખત કોંગ્રેસની જીત થઈ છે. આ બેઠક પરથી ગેનીબેન ઠાકોર સતત 2017થી ચૂંટણી જીતતા આવ્યા છે અને કોગ્રેસ આ સિલસિલાને યથાવત રાખવાનો પ્રયાસ કરશે.





