Gujarat Congress Chief: ગુજરાતમાં વિધાનસભાની બે બેઠકો કડી અને વિસાવદર પર પેટાચૂંટણીના પરિણામમાં કોંગ્રેસની હાપ બાદ શક્તિસિંહ ગોહિલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું. જે બાદ ભાજપના ગઢ કહેવાતા ગુજરાતમાં પ્રદેશ પ્રમુખની પસંદગીને લઈને છેલ્લા ઘણા સમયથી અનેક અટકળો ચાલી રહી હતી. જેનો આજે અંત આવ્યો છે. આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકે અમિત ચાવડા પર કોંગ્રેસ હાઈ કમાન્ડે મહોર મારી દીધી છે.
અમિત ચાવડાને કોંગ્રેસ હાઈ કમાન્ડે ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે પસંદ કર્યા છે. અમિત ચાવડા વર્ષ 2018 થી 2021 દરમિયાન પણ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ રહી ચુક્યા છે. તેઓને બીજી વખત પ્રદેશ પ્રમુખ બનાવાયા છે. ત્યાં જ તુષાર ચૌધરીને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા બનાવાયા છે.

કોણ છે અમિત ચાવડા?
અમિત ચાવડાનો જન્મ 24 એપ્રિલ 1974માં ગુજરાતના આણંદમાં થયો હતો. અમિત ચાવડાના ભરતસિંહ સોલંકી અને માધવસિંહ સોલંકી સાથે ઘરેલૂ સંબંધ છે. અમિત ચાવડા ભરતસિંહ સોલંકીના પિતરાઈ ભાઈ છે. અમિત ચાવડા રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે. અમિત ચાવડા બીજી વખત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ બન્યા છે.
આ પણ વાંચો: ગુજરાતની વિરાસત હોલીવુડ સુધી પહોંચી: બ્રાડ પિટે પહેર્યું ટાંગલિયા શર્ટ, જાણો તેની વિશેષતા
ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા આંકલાવ બેઠકથી ધારાસભ્ય છે. આંકલાવ વિધાનસભા બેઠકની રચના વર્ષ 2012માં નવા સીમાંકન બાદ કરવામાં આવી હતી. 2012થી જ કોંગ્રેસનો દબદબો જોવા મળ્યો છે. આંકલાવ બેઠકના અસ્તિત્વ બાદથી કોંગ્રેસના અમિત ચાવડા ચૂંટાતા આવ્યા છે. તે 2012, 2017 અને 2022 એમ ત્રણ ટર્મથી અહીં ચૂંટાય છે. 2022માં અમિત ચાવડાએ ભાજપના ગુલાબસિંહ પઢીયાર અને આમ આદમી પાર્ટીના ગજેન્દ્રસિંહને હરાવ્યા હતા.





