કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે શનિવારે કહ્યું કે, નવી શિક્ષણ નીતિ (NEP) બાળકોમાં વિશ્લેષણ, વિચાર અને સંશોધન કરવાની ક્ષમતા વિકસાવવામાં અને દેશને ટોચના સ્થાને લઈ જવા માટે મદદ કરશે.
શાહે એમ પણ કહ્યું હતું કે, નવી સિસ્ટમમાં શાળાના બાળકો માટે મહિનામાં લગભગ 10 દિવસ “બેગલેસ” અને પ્રતિભાશાળી બાળકોને પોતાને અભિવ્યક્ત કરવા માટે એક પ્લેટફોર્મ પણ મળશે.
મહેસાણાના પિલવાઈ ગામમાં શેઠ જીસી હાઈસ્કૂલની 95 વર્ષની ઉજવણીમાં બોલતા, જ્યાં તેમના પિતા અને તેમના સસરાએ અભ્યાસ કર્યો હતો, શાહે જણાવ્યું હતું કે, આ NEPના અમલીકરણના 25 વર્ષ પછી, “ભારતને નંબર વન બનતા કોઈ નહીં રોકી શકે”.
“NEP મૂળભૂત સુધારાઓ લાવશે જ્યાં બાળકો પ્રાથમિક અને માધ્યમિક શાળામાં તેમની માતૃભાષામાં અભ્યાસ કરી શકશે. જ્યારે બાળક માતૃભાષામાં અભ્યાસ કરે છે, બોલે છે અને વિચારે છે, ત્યારે તે વિચારવાની, વિશ્લેષણ કરવાની, અને સંશોધન કરવાની ક્ષમતા પણ વિકસાવે છે. 5-7 વર્ષ સુધી દરેક બાળક પોતાની માતૃભાષામાં અભ્યાસ કરશે અને તેમની માતાઓ તેમને શીખવી પણ શકશે.
બ્રિટિશ શિક્ષણ પ્રણાલીની ટીકા કરતા શાહે 2014થી NEP પર ચર્ચા શરૂ કરવા અને તેને લાગુ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શ્રેય આપ્યો હતો.
શાહે એમ પણ કહ્યું હતું કે, નવી નીતિ 10+2 સિસ્ટમને “5-3-3-4” સિસ્ટમ સાથે બદલશે અને “360 ડિગ્રી સર્વગ્રાહી પ્રગતિ કાર્ડ” રજૂ કરશે.
આ પણ વાંચો – મનસુખ માંડવિયા રાજકીય સફર: ભાજપના કાર્યકરથી લઈ કોવિડ સમયમાં આયોજક અને આરોગ્ય મંત્રી સુધી ‘વિનમ્ર’
શાહ શનિવારે વિવિધ ઉદ્ઘાટન કાર્યક્રમો માટે ગુજરાતમાં હતા, જે દરમિયાન તેમણે પિલવાઈમાં ગોવર્ધન મંદિર અને ગાંધીનગરમાં મહુડી જૈન મંદિરની પણ મુલાકાત લીધી હતી.