Amit Shah Gujarat Visit : રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે કોંગ્રેસના નેતા સામે કાનૂની લડાઈ લડવા બદલ ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીની પ્રશંસા કરી હતી. અમદાવાદમાં અખિલ ભારતીય મોદી સમાજના ત્રીજા રાષ્ટ્રીય સંમેલનમાં રાહુલનું નામ લીધા વિના શાહ દ્વારા આકરી ટીપ્પણીઓ કરવામાં આવી.
માર્ચમાં, રાહુલ ગાંધીને સુરતની કોર્ટ દ્વારા માનહાનિના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતા અને ભાજપના ધારાસભ્ય દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. 2019માં કર્ણાટકના કોલારમાં એક રેલીમાં કરેલી ટિપ્પણી મામલે રાહુલ પર મોદી સમુદાયનું અપમાન કરવાનો આરોપ હતો.
રવિવારના મેગા ઈવેન્ટમાં શાહે કહ્યું કે, બીજેપી ધારાસભ્યને “દેશભરમાંથી” સમર્થન મળ્યું છે. “પૂર્ણેશ ભાઈ ખૂબ જ તાકાતથી લડ્યા છે. જો કોઈ કોઈનું અપમાન કરે તો તે નાની વાત ગણાશે. પરંતુ જ્યારે સમુદાય અને દેશના વડાપ્રધાન માટે આવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે તે સમુદાય અને દેશનું અપમાન છે.
માર્ચમાં રાહુલ ગાંધીને દોષિત ઠેરવવામાં આવ્યા બાદ સાંસદ તરીકે તેમનું પદ ગેરલાયક બન્યું હતુ. જૂનના પ્રથમ સપ્તાહમાં ઉનાળુ વેકેશન સમાપ્ત થયા બાદ ગુજરાત હાઈકોર્ટ દ્વારા તેમની સજા પર સ્ટે મૂકવાની તેમની અરજી પર વિચાર કરવામાં આવે તેવી અપેક્ષા છે. આ મહિનાની શરૂઆતમાં હાઈકોર્ટે તેમને કામચલાઉ રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો.
આ કાર્યક્રમમાં પીએમ મોદીના મોટા ભાઈ સોમાભાઈ મોદીએ કહ્યું કે, ‘મોદી સરનેમ દુનિયામાં દરેક જગ્યાએ તેમના કારણે ચર્ચામાં છે. અહીં બેઠેલા બધા મોદી છે. ભલે કોઈની અટક રાઠોડ, ક્ષત્રિય, સાહુ હોય તો પણ હું તમને વિનંતી કરું છું કે, કૌંસમાં અટક તરીકે મોદી ઉમેરો. આપણે મોદી છીએ તે ઉજાગર કરવું જરૂરી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભરપૂર પ્રશંસામાં, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે કહ્યું હતું કે, “તેમની લોકપ્રિયતા અંતર અને સંસ્કૃતિના અવરોધોને પાર કરી ગઈ છે”. વડાપ્રધાનની વિદેશ મુલાકાતનો ઉલ્લેખ કરતાં શાહે યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિનો ઉલ્લેખ કર્યો અને ભારપૂર્વક કહ્યું, “આજે પણ (જો) બિડેન કહે છે કે, તેઓ મોદીનો ઓટોગ્રાફ ઇચ્છે છે.”
ઉલ્લેખનીય છે કે, શાહે રવિવારે અમદાવાદ અને ગાંધીનગરમાં મોદી સમુદાયના મેગા ગેધરીંગ સહિત વિવિધ જાહેર કાર્યક્રમોમાં હાજરી આપી હતી. વડાપ્રધાન માત્ર પોતાના માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે અને ખાસ કરીને ગુજરાત માટે આદર મેળવી રહ્યા છે, એમ તેમણે એક સંબોધનમાં ભારપૂર્વક જણાવ્યું હતું.
‘સમસ્ત ભારતીય મોદી સમાજ’ના રાષ્ટ્રીય અધિવેશનમાં તેમણે જે વિડિયો પોસ્ટ કર્યો છે તેમાં અમિત શાહને એમ કહેતા સાંભળી શકાય છે: “રાઠોડ, તેલી સાહુ અને મોદી સમાજે દેશ માટે મોટું યોગદાન આપ્યું છે. તેઓએ આપણને એવા વડાપ્રધાન આપ્યા છે જેમણે વિશ્વમાં ભારતનું ગૌરવ સ્થાપિત કરવાનું કામ કર્યું છે. આજે, બિડેન પણ કહે છે કે તેમને મોદીનો ઓટોગ્રાફ જોઈએ છે.”
રવિવારે શાહે કોંગ્રેસ પર પણ પ્રહારો કર્યા હતા. “કોંગ્રેસે ઓબીસી સમુદાયને સતાવણી અને અપમાનિત કરવાનું કામ કર્યું છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં ભાજપ સત્તામાં આવ્યા બાદ ઓબીસી સમુદાયને સન્માનિત કરવાનો સિલસિલો શરૂ થયો હતો. ગરીબ પરિવારમાં જન્મેલા નરેન્દ્રભાઈ દેશના ગરીબોના દર્દને સારી રીતે જાણે છે અને તેમને ચિંતા છે કે ગરીબોના ઘર સુધી તમામ પ્રકારની સુવિધાઓ પહોંચવી જોઈએ.”
તેમણે ઉમેર્યું, “જો આપણે પીએમ મોદી પહેલા દેશની 61 વર્ષની સફર અને પીએમ મોદીની નવ વર્ષની સફરની સરખામણી કરીએ તો નવ વર્ષનું વજન વધારે છે.”
આ પણ વાંચો – લોકસભા ચૂંટણી 2024: નીતિશનું મિશન 2024, આજે રાહુલ અને ખડગેને મળશે, વિપક્ષની એકતા અંગે કરશે વાત?
આ દરમિયાન, રવિવારે શાહે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ સર્વિસીસ (GSRTC)ની 320 બસો, અમૂલફેડ ડેરીની ઓર્ગેનિક ટેસ્ટિંગ લેબોરેટરી, એક વ્યાયામશાળા અને શાસ્ત્રીનગર વિસ્તારમાં એક પુસ્તકાલય, છારોડી વિસ્તારમાં નવીનીકરણ કરાયેલ તળાવ અને વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. AMC પ્રોજેક્ટ્સ માટે આયોજિત કાર્યક્રમમાં શાહે જણાવ્યું હતું કે, ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં 2019 થી છેલ્લા ચાર વર્ષમાં ઘણો વિકાસ થયો છે. શાહ ગાંધીનગરના લોકસભા સાંસદ છે.