Leopard attack in Amreli : અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણી દ્વારા માનવ પર હુમલાની ઘટના સતત સામે આવી રહી છે. જેને પગલે પુરા પંથકમાં દહેશતનો માહોલ છવાયો છે. ફરી એકવાર અમરેલી જિલ્લામાં જંગલની નજીક આવેલા ભાણીયા ગામમાં દીપડાએ માનવ પર હુમલો કર્યો છે. ઘટનાની જાણ વન વિભાગને થતા વન વિભાગે દીપડાને ઝડપી પાડવા ચક્રોગતિમાન કરી દીધા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ધારી ડિવિઝન નીચેના ખાંભા તુલશીશ્યામ રેન્જના ભાણીયા ગામે મોડી રાત્રિના ખેડૂત વાડીમાં મગફરીના પાકનું રખોપું કરી વાડીમાં ખુલ્લામાં સતા હતા, તે સમયે અચાનક દીપડાએ હુમલો કરતા ખેડૂતનેને માથાના ભાગે ગંભીર ઇજા થતા સારવાર અર્થે ખાંભા બાદ અમરેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, ભાણીયા ગામે પાંચ દિવસમાં દીપડાના હુમલાનો આ બીજો બનાવ છે, ત્યારે વન વિભાગ દ્વારા દીપડાને પકડવા પાંજરા મુકવામાં આવ્યા હતા
દીપડાએ ખેડૂત પર કર્યો હુમલો?
અમરેલી જિલ્લામાં દીપડાની દેહશત વધી રહી છે અને દીપડા દ્વારા માનવ પર હુમલાની ઘટનાઓમાં સતત વધારો થયો છે, ખાંભાના ભાણીયા ગામે પાંચ દિવસમાં દીપડા દ્વારા માનવ પર બીજો હુમલાનો બનાવ બન્યો હતો. ખાંભા તુલશીશ્યામ રેન્જ નીચેના ભાણીયા ગામે કાનાભાઈ ભમરની વાડીની રખેવાળી કરતા ધીરુભાઈ ટપુભાઈ વાળા (ઉ.વ.૩૭) મગફરીના પાકનું રખોપુ રાખી રહ્યા હતા અને ખાટલામાં સુતા હતા, ત્યારે રાત્રિના ૪:૦૦ કલાકે અચાનક દિપડો આવી ચડ્યો હતો અને દીપડાએ તેમના પર હુમલો કરી દીધો હતો. ધીરુભાઈ વાળાએ એકલા હાથે દીપડા સામે પડકાર ઝીલી દીપડાને ભગાડ્યો હતો, પરંતુ આ હુમલામાં તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં ૧૦૮ની મદદથી પ્રથમ ખાંભા હોસ્પિલમાં સારવાર અર્થ ખસેડાયા હતા, ત્યારબાદ વધુ સારવાર અર્થ અમરેલી સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા
ભાણીયા ગામમાં પાંચ દિવસમાં દીપડાનો બીજો હુમલો
ભાણીયા ગામે દીપડાના હુમલાની આ બીજી ઘટના બની હતી. પાંચ દિવસ પહેલા ભાણીયા ગામમાં રહેણાંક ઘરના ફરિયામાં સૂઈ રહેલ જીલુભાઈ ડાયાભાઇ સોલંકી નામના ગ્રામજન પર દીપડાએ હુમલો કર્યો હતો, ત્યારબાદ સોમવારે વેહલી સવારે ૪ કલાકે સીમ વિસ્તારમાં વાડીમાં મગફરીના પાકનું રખોપું કરનાર ખેડૂત પર દીપડાએ હુમલો કરી દેતા વન વિભાગમાં ભારે દોડધામ મચી હતી અને દીપડાને પકડવા કવાયત હાથ ધરી હતી.
અમરેલી જિલ્લામાં ૧૫ દિવસમાં સિંહ-દીપડા દ્વારા માનવ પર હુમલાની સાતમી ઘટના
- લીલીયાના ખારા ગામે સિંહણ દ્વારા પાંચ માસના બાળક પર હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો
- તે જ દિવસે સાવરકુંડલાના કળજાળા ગામે વાડી વિસ્તારમાં ત્રણ વર્ષના બાળકને દીપડો ઉઠાવી ગયો અને ફાડી ખાધો હતો
- રાજુલાના કાતર ગામે રહેણાક ઘરમાંથી બે વર્ષના બાળકને દીપડો ઉઠાવી જઇ મોતને ઘાટ ઉતાર્યો હતો
- પીપાવાવ પોર્ટની અંદર પરપ્રાંતિય મજુર પર સિંહણે હુમલો કર્યો હતો
- ખાંભાના ભાણીયા ગામે 45 વર્ષીય ગ્રામજન પર દીપડાએ હુમલો કર્યો હતો
- સરસીયા રેન્જ નીચેના જુના ચરખા ગામે બકરા ચરાવતા માલધારી પર સિંહે હુમલો કર્યો હતો
- આજે સોમવારે વહલી સવારે ફરી ખાંભાના ભાણીયા ગામે દીપડાએ ખેડૂત પર હુમલો કર્યો હતો અને ખેડૂતને લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા
આ પણ વાંચો – અમરેલી : પૂર્વ કૃષિમંત્રી વીવી વઘાસીયાનું કાર અકસ્માતમાં મોત, ભાજપ સંગઠને શોક વ્યક્ત કર્યો
અમરેલી જિલ્લામાં સિંહ દીપડા સહિત વન્યપ્રાણી દ્વારા માનવ પર હુમલાના બનાવોમાં ધડકમ વધારો થયો છે. વન વિભાગ દ્વારા ખૂંખાર દીપડાને ઝડપી પાડવા પાંજરા મુકવામાં આવ્યા છે. જંગલ નજીકના ગામોમાં સાંજે 6 વાગ્યા બાદ ઘરની બહાર નીકળતા લોકો ડરી રહ્યા છે. જિલ્લાના ખાંભા, તુલસીશ્યામ રેન્જ વિસ્તારમાં દીપડા અને સિંહના હુમલાની ઘટનાઓ બાદ વન વિભાગ તંત્રએ ખૂંખાર દીપડાને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.