V V Vaghasia died in car accident : અમરેલી જિલ્લાના સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કૃષિમંત્રી વીવી વઘાસિયાનું કાર અકસ્માતમાં મોત થયું છે. પૂર્વ મંત્રી કાર લઈ વાડીએથી ઘરે જી રહ્યા હતા તે સમયે જેસીબી સાથે કારની ટક્કર થતા ગંભીર રીતે ઘાયલ થયા હતા અને સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું હતુ.
પ્રાપ્ત માહિતી અનુસાર, પૂર્વ કૃષિમંત્રી સાવરકુંડલાના ઠવી ગામ નજીક એક વાડીએથી પરત ફરી રહ્યા હતા ત્યારે સામેથી આવી રહેલ જેસીબી સાથે તેમની કારની જબરદસ્ત ટક્કર તઈ હતી. આ અકસ્માતમાં કારને મોટુ નુકશાન થયું હતુ, સાથે કારમાં બેઠેલા મંત્રી અને તેમની સાથે એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી. સ્થાનિકો અને પોલીસે તેમને સારવાર માટે 108 માટે હોસ્પિટલ મોકલ્યા હતા પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નિપજ્યું છે.
આ અકસ્માત મામલે અમરેલી ડીવાયએસપી હરેશ વોરાએ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા કહ્યું કે, ‘પૂર્વ કૃષિ મંત્રી ઠવી ગામ તરફથી આવી રહ્યા હતા, જ્યારે જેસીબી જેસર તરફ જઈ રહ્યું હતુ આ સમયે કાર અને જેસીબી વચ્ચે સામ-સામે ટક્કર થઈ હતી. અકસ્માત બાદ રાહદારીઓ ભેગા થઈ ગયા હતા, અને તે સમયે પીઆઈ પણ પેટ્રોલીંગમાં હતા તે પણ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. પોલીસે 108 બોલાવી તેમને સારવાર માટે ખસેડ્યા હતા, સાથે મને જાણ કરતા મે પણ હોસ્પિટલમાં તંત્રને એલર્ટ કરી ઝડપી સારવાર માટે જાણ કરી દીધી હતી. આ અકસ્માતમાં પૂર્વ મંત્રી સાથે અશોકભાઈ નામના વ્યક્તિ પણ હતા, તે પણ ઘાયલ થયા છે. પરંતુ, સારવાર મળે તે પહેલા જ વઘાસિયાજીનું મોત નિપજ્યું હતુ. આ સિવાય જેસીબી ચાલક અકસ્માત બાદ ભાગી છૂટ્યો હતો, જેને ઝડપી પાડવા ચક્રોગતિમાન કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.’
ઘટનાની જાણ થતા જ જિલ્લાના ભાજપના નેતાઓ કાર્યકરો હોસ્પિટલ પહોંચી ગયા હતા. નાયબ ઉપ દંડક વિધાનસભા કૌશિક વેકરીયાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, વીવી વઘાસિયાના દુખદ અવસાનથી પાર્ટીને જિલ્લા અને રાજ્યમાં મોટી ખોટ પડી છે. વઘાસિયાજી ખેડૂતોમાં લોકપ્રિય હતા. તેમના અચાનક અવસાનથી તેમના પરિવાર પર દુખ આવી પડ્યું, તે તેમને સહન કરવાની ભગવાન શક્તિ આપે. જિલ્લાના તમામ કાર્યકરો અને પાર્ટીની સંવેદના તેમની સાથે છે.
તો સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળા પણ હોસ્પિટલ પહોંચી ગયા હતા તેમણે મીડિયાને કહ્યું કે, વીવી વઘાસિયાનું માર્ગ અકસ્માતમાં મોત થતા જિલ્લા સંગઠનમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તેઓ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા હતા, અને તેમની જવાબદારી અને સેવા પુરી નિષ્ઠાથી તેમણે જિલ્લામાં આપી છે. જિલ્લાના તમામ કાર્યકરો ભગવાનને પ્રાર્થના કરશે કે, તેમના પરિવારને દુખ સહન કરવાની શક્તિ આપે.
આ પણ વાંચો – Accident : સુરેન્દ્રનગરમાં કાર પલટી મારતા 2ના મોત, નર્મદા નદીમાં બોટ દુર્ઘટનામાં ભાવનગરના પરિવારે કુળદિપક ગુમાવ્યો
તમને જણાવી દઈએ કે, વીવી વઘાસિયા સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય રહી ચુક્યા છે. આ સિવાય તેમણે ભાજપ સરકારમાં કૃષિમંત્રી તરીકે પણ સેવા આપી ચુક્યા છે. તેઓ તાલુકા-જિલ્લામાં લોકચાહના ધરાવતા હતા. ખેડૂતો સહિત વિશાળ વર્ગ તેમની સાથે હતો. વઘાસિયાની ઓફિસ હંમેશા લોકસેવા માટે ચાલુ રહેતી હતી. તેમના નિધનથી ભાજપ જિલ્લા સંગઠનમાં શોકનો માહોલ છવાયો હતો.